જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણનો એક મામલો બહાર આવ્યો છે, એ તમે સમાચારોમાં સાંભળ્યું હશે. કર્ણાટકમાં ભાજપના એક પૂર્વ મંત્રી અને કોંગ્રેસના એક નેતાને સંડોવાતું સેક્સ સ્કેન્ડલ સમાચારોમાં છવાયેલું છે. થોડા દિવસ પહેલાં, ઓલમ્પિક રેસલિંગમાં બે વાર મેડલ જીતનાર સુશીલ કુમારની એક બીજા ચેમ્પિયનની હત્યા બદલ ધરપકડ કરવામાં આવી છે. બ્રિટનમાં, સમાજ સેવા માટે કામ કરતી પ્રતિષ્ઠિત પ્રેસીડેન્ટ’ઝ ચેરિટી ક્લબને એક સેક્સ સ્કેન્ડલના પગલે બંધ કરી દેવામાં આવી છે. ભારતમાં છેલ્લા એક દાયકામાં, સાત જેટલા બાબાઓ-ગુરુઓ વિવધ કૌભાંડોમાં સંડોવાઈને જેલમાં પુરાયા છે.
આવા સમાચારોની આપણને નવાઈ નથી. રાજકારણમાં, સમાજ સેવામાં, ધાર્મિક ક્ષેત્રમાં, ગ્લેમરની દુનિયામાં, બિઝનેસમાં, સ્પોર્ટ્સમાં ઘણીવાર એવા અધમ કૃત્યો બહાર આવતાં હોય છે કે આપણને એવો પ્રશ્ન થાય કે માણસ આવી રીતે કેમ વર્તતો હશે? જવાબદારપૂર્વકનાં અને પ્રેરણાદાયી કામો કરતા લોકો કેવી રીતે તેમના આચરણમાં નૈતિકચૂકનો શિકાર બનતા હશે? સાધારણ માણસોની સરખામણીમાં પ્રતિષ્ઠિત અને સફળ માણસોના અમુક વ્યવહારોથી આપણને આશ્ચર્ય થાય છે કે આવા લોકોને આવું કરવાની જરૂર કેમ પડતી હશે?
તેનો જવાબ માણસની નૈતિકતામાં જ છે. માણસ બીજા લોકોની નજરમાં જેટલો વધુ નૈતિક સાબિત થાય, તેનામાં અનૈતિક આચરણની સંભવાના વધતી જાય. દાખલા તરીકે, લેખક-પત્રકાર તરીકે મને ઈજ્જત મળતી હોય અને લોકો મને સજ્જન તરીકે સ્વીકારતા હોય, તો મારી છાપ અથવા સેલ્ફ-ઈમેજ બાબતે હું નિશ્ચિત થઇ જાઉં. લોકો મને સારો માણસ ગણે છે એ વિચારથી મારામાં આત્મવિશ્વાસ અને સાહસ બંને જાગે. એ આત્મવિશ્વાસના કારણે હું મારી જાતને થોડી છૂટ આપું તે સંભવ છે. સમાજની નજરોમાં નૈતિક ગણાતા લોકો પણ ઘણીવાર જે અનૈતિક કૃત્યો કરે છે, તે આ જાતને છૂટ આપવાની વૃતિમાંથી આવે છે.
મનોવિજ્ઞાનની ભાષામાં આને મોરલ-લાયસન્સિંગ કહે છે. આપણે ઘણાં નાના-નાના સ્તરે જાતને છૂટ આપતા હોઈએ છીએ. દાખલા તરીકે, આપણે રોજ સવારે નિયમિત ચાલવા જતા હોઈએ, તો ‘રોજ તો હું ચાલુ છું, આજે એક દિવસ નહીં ચાલુ તો શું ખાટુંમોળું થઇ જવાનું છે’ કહીને આપણે જાતને છૂટ આપીએ છીએ. આપણે ડાયાબીટીસને કારણે શુગર છોડવી પડી હોય, અને આપણે નિયમિતપણે તેનું પાલન કરતા હોઈએ, તો કોઈક પ્રસંગમાં આપણે જાતને થોડુંક મોઢું મીઠું કરવાની છૂટ આપી દઈએ છીએ.
મોરલ-લાયસન્સિંગમાં આપણે આપણા પ્રશંસનીય વ્યવહારની આડમાં ખરાબ વ્યવહારને ઉચિત ઠેરવીએ છીએ. “આવતા મહીને મારો જન્મદિવસ આવે છે. તે દિવસથી દારૂ પીવાનું છોડી દઈશ,” એવું એક ભાઈ નક્કી કરે પછી તેમને તેમના જ નિર્ણયથી એટલો બધો આત્મવિશ્વાસ આવી જાય કે રોજ ખુબ દારૂને માણે. જન્મદિવસ પછી તેમણે સાચે જ વચન પાળ્યું કે નહીં તે બીજો પ્રશ્ન છે, પરંતુ વચન લીધું હોવાના આત્મવિશ્વાસના બળે એ ભાઈ જાતને થોડી વધુ છૂટ જરૂર આપી દે છે. ઘણા લોકો શ્રાવણ મહિનાના ઉપવાસ શરૂ કરતાં પહેલાં ખાવા-પીવાની ડબ્બ્લ મજા લેતા હોય છે. એક બીજા દાખલાથી સમજીએ.
એક ભાઈ ઓફીસ જતા હતા. રસ્તામાં તેમનું પાકીટ ખોવાઈ ગયું. બીજા દિવસે ઓફીસના ચોકીદારને કોઈક એ પાકીટ આપી ગયું. એમાં તેમનું આઇડેન્ટિટી કાર્ડ હતું, લાઇસન્સ હતું, બેંક એટીએમ કાર્ડ હતું, પણ પૈસા ન હતા. જેને પણ આ પાકીટ મળ્યું હતું તેણે પૈસા કાઢી લીધા હતા, પણ બાકીની ચીજો સાથે પાકીટ ‘સહી-સલામત’ પાછું પહોંચાડી દીધું હતું. ભાઈને આશ્ચર્ય અને ગુસ્સો આવ્યો કે કોઈ માણસ પૈસા કાઢી લઈને પાકીટને પરત કરવાની શરાફત બતાવે એ કેવું કહેવાય?
અહીં મોરલ-લાયસન્સિંગનો સિદ્ધાંત કામ કરતો હતો. માણસ બુનિયાદીરૂપે સદાચારી હોય છે, અને તેનાથી તેના આત્મવિશ્વાસને એટલું જોર મળે છે કે એ ક્યારેક સ્વાર્થી વ્યવહાર કરવાની છૂટ લઇ લઇ છે. જે ભાઈને પાકીટ મળ્યું હતું, તેનામાં એટલો સદવિચાર હતો કે પાકીટના માલિકને તેનાં અગત્યના દસ્તાવેજોના અભાવથી સહન કરવાનું ના આવવું જોઈએ, પરંતુ સાથે તેને પૈસા જોઇને લાલચ પણ થઇ આવી. એટલે તેણે ‘નાનકડી’ ચોરી કરીને પાકીટ પાછું આપવાની શરાફત બતાવી, જેથી તેના અંતરઆત્માને દોષની લાગણી ન થાય.
ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘અનાડી’માં આ જ વાત નૈતિકતા અને અનૈતિકતા બંનેના ઉદાહરણથી સમજાવવામાં આવી હતી. ફિલ્મમાં રાજ કુમાર (રાજ કપૂર) એક પ્રમાણિક યુવાન છે, જે શહેરમાં રોજી-રોટી માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક દિવસ તેને રસ્તામાંથી એક પાકીટ મળે છે. એ પાકીટ શહેરના શેઠ રામનાથનું હોય છે. રાજ એ પાકીટ શેઠને પહોંચાડે છે. રામનાથ તેની પ્રમાણિકતાથી ખુશ થઇ જાય છે, અને રાત્રે તેને પાર્ટીમાં સાથે લઇ જાય છે. પાર્ટીમાં શહેરના ધનવાન લોકોને જોઇને રાજ પૂછે છે, “યે લોગ કૌન હૈ?” ત્યારે રામનાથ કહે છે, “યે વો લોગ હૈ જીન્હોને બટવે વાપીસ નહીં કીયે થે.”
ફિલ્મોની જ વાત છે, તો મોરલ-લાયસન્સિંગનું સૌથી જાણીતું ઉદાહરણ ‘દીવાર’ ફિલ્મમાં છે. એમાં અનીતિના રસ્તા પર ગયેલો દીકરો વિજય તેના પોલીસમેન ભાઈ રવિની નૈતિક જવાબદારી સામે સવાલો કરે છે: જાઓ, પહલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જિસને મેરે બાપ સે સાઈન લિયા થા. જાઓ, પહલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જિસને મેરી મા કો ગાલી દેકર નોકરી સે નિકાલ દિયા થા. પહલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જિસને મેરે હાથ પર યે લીખ દિયા થા.
અહીં વિજય તેની અનૈતિકતાને ઉચિત ઠેરવવા તેની માને આગળ ધરે છે કે “મૈને યે સબ તેરે લિયે કિયા હૈ, મા.” એ તેના અનીતિના પૈસામાંથી મા માટે એ જ ઈમારત ખરીદે છે, જ્યાં તેની માતાએ તગારાં ઊંચક્યા હતાં અને અન્યાય સહન કર્યો હતો. અનીતિ જયારે પરોપકાર બની જાય છે (જેમ કે રોબીનહૂડનાં પરાક્રમો) ત્યારે સમાજનો એક વર્ગ તેને સ્વીકારી પણ લે છે, પરંતુ જયારે તે સ્વાર્થપૂર્તિનું સાધન બને છે, ત્યારે સમાજ તેનો વિરોધ કરે છે.
ઉપર વાત કરી તેમ, ભારતના અનેક બાબાઓ-ગુરુઓ પર યૌન શોષણ કે અન્ય કૌભાંડોન આરોપ છે. આપણને આશ્ચર્ય થાય કે લાખો લોકોની જેમનામાં આસ્થા હોય એવા આ ‘સજ્જન’ લોકો કેવી રીતે અનૈતિકતાનું પ્રતિક બની જાય છે. એ બધાના અચેતન મનમાં નૈતિક અને અનૈતિકતા વચ્ચેનું બેલેન્સ અનૈતિકતાની તરફેણમાં ખોરવાઈ ગયું હતું, કારણ કે તેઓ તેમની નૈતિકતા પર મુસ્તાક હતા.
એટલા માટે કહેવાય છે કે આપણી નૈતિકતાની અસલી કસોટી ત્યારે થાય છે, જયારે આપણને કોઈ જોવાવાળું કે ટોકવાવાળું ન હોય. કોઈ જોતું નથી અથવા કોઈ માનવાનું નથી એવા આત્મવિશ્વાસથી આપણે અનીતિની છૂટ તો લઇ શકીએ છીએ, પરંતુ આપણે પોતે તો આપણા કૃત્યના સાક્ષી છીએ ને. આપણન જયારે ખુદની નજરમાંથી પડી જવાનો ડર લાગે, ત્યારે આપણે કોઈનું પાકીટ પૈસા સમેત પાછું આપી આવીશું.