Columns

શરિયા કાયદો નથી પણ ઇસ્લામિક સામાજિક વ્યવસ્થાનું નીતિશાસ્ત્ર છે

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું તે પછી ફરી એક વાર શરિયાની ચર્ચા ચાલુ થઈ છે. મીડિયામાં એવો પ્રચાર કરવામાં આવે છે કે શરિયા જંગલી કાયદો છે અને જો અફઘાનિસ્તાનમાં શરિયા લાગુ કરવામાં આવશે તો સ્ત્રીઓની હાલત કફોડી બની જશે. તાલિબાનના પ્રવક્તાએ જો કે સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને કામ પર જવાની છૂટ રહેશે, પણ તેમણે શરિયાના નિયમોનું પાલન કરવું પડશે. શરિયા બાબતમાં બિનમુસ્લિમોના મગજમાં ઘણી બધી ગેરસમજો જાણી જોઈને પેદા કરવામાં આવી રહી છે. આ લખનાર શરિયાના વકીલ નથી પણ સામાજિક નિરીક્ષક છે. તેણે કરેલાં નિરીક્ષણોને આધારે કહી શકાય કે શરિયા કાયદો નથી અને  જંગલી પણ નથી. ઇસ્લામિક પરંપરા મુજબ શરિયા જીવન જીવવાની પદ્ધતિ છે.

અરેબિક ભાષામાં શરિયાનો અર્થ ‘માર્ગ’ એવો થાય છે. મતલબ શરિયા દરેક મુસ્લિમને સુખી અને સ્વસ્થ જીવન જીવવાનો માર્ગ દેખાડે છે. શરિયાનો આધાર કુરાન ઉપરાંત હદીથ પણ છે, જેમાં મોહમ્મદ પયગંબરનાં વચનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. શરિયા શાસ્ત્રો ઉપરાંત પરંપરાને આધારે પણ નક્કી થાય છે. તેનો પાયો નૈતિકતા છે. જે રીતે ઇન્ડિયન પિનલ કોડ છે તે રીતે શરિયા કોઈ કાયદો નથી.

તેને બાદશાહો દ્વારા ઠોકી બેસાડવામાં આવતો નથી, પણ ધર્મગુરુઓ તે મુજબ જીવન જીવવાનો ઉપદેશ આપે છે. દરેક ધર્મનું પોતાનું નીતિશાસ્ત્ર હોય છે. વૈદિક ધર્મનું નીતિશાસ્ત્ર જે રીતે મનુસ્મૃતિ અને કૌટિલ્યના ગ્રંથોમાં સમાવાયેલું છે તેમ ઇસ્લામનું નીતિશાસ્ત્ર શરિયા છે. ઘણાં લોકો માને છે કે શરિયાની જે આચારસંહિતા છે તે જડ છે અને તેમાં ફેરફારને કોઈ અવકાશ નથી. આ માન્યતા ભૂલભરેલી છે. શરિયામાં ઇજમા નામનો શબ્દ આવે છે. તેનો અર્થ થાય છે જે બાબતોમાં કુરાનમાં સ્પષ્ટ માર્ગદર્શન ન આપવામાં આવ્યું હોય તેમાં ઇસ્લામના વિદ્વાનો સર્વાનુમતે ફેરફાર કરી શકે છે. વળી કિયાસ વડે તેઓ પરિસ્થિતિ મુજબ નિર્ણયો પણ લઈ શકે છે.

શરિયા દ્વારા મુસ્લિમોને જિંદગી કેવી રીતે જીવવી જોઈએ? તે બાબતમાં નૈતિક દૃષ્ટિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાથી તેમાં જિંદગીનાં તમામ પાસાંઓની છણાવટ કરવામાં આવી છે. તેમાં કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવાં કપડાં પહેરવાં, કેવી રીતે શાદી કરવી, તલ્લાક લેવા પડે તો કેવી રીતે લેવા, રોજા કેવી રીતે રાખવા, પતિ-પત્નીના સંબંધો કેવા હોવા જોઈએ? કેવી રીતે ધન કમાવું, કેવી રીતે તેનું રોકાણ કરવું, કેવી રીતે દાન કરવું વગેરે તમામ બાબતોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અત્યારે જેઓ શરિયાને ખરાબ ચિતરવા માગે છે તેઓ તેમાં જાહેરમાં ફાંસી આપવી, હાથપગ કાપી નાખવા, સંગીત ન સાંભળવું, મહિલાએ બુરખો પહેર્યા વગર બહાર ન નીકળવું, પાંચ વખત નમાઝ ન પઢે તેની દાઢી કાપી નાખવી, વ્યભિચાર કરે તેને પથ્થરો મારીને દેહાંતદંડ આપવો વગેરે વાતોનો વધુ પ્રચાર કરે છે, પણ આ બધી સજાઓ નક્કર પુરાવાના આધારે ગુનો સાબિત થઈ જાય તે પછી અપવાદરૂપ કિસ્સાઓમાં જ આપવામાં આવે છે. તેનો મૂળ હેતુ લોકો સજાના ડરથી સમાજના સ્વાસ્થ્ય માટે હાનિકારક ગંભીર ગુનાઓ કરવાથી દૂર રહે તે છે.

શરિયા મુજબ જીવનની તમામ ગતિવિધિઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. કેટલીક પ્રવૃત્તિઓ ફરજિયાત કરવાની હોય છે. કેટલીકની ભલામણ કરવામાં આવે છે. કેટલીકની છૂટ આપવામાં આવે છે અને કેટલીકનો નિષેધ કરવામાં આવતો હોય છે. તેમાં પહેલી બે પ્રવૃત્તિઓ સારાની કક્ષામાં આવે છે; પાછળની બે ખરાબની કક્ષામાં આવે છે. જે પ્રવૃત્તિ ખરાબ મનાતી હોય પણ કેટલાક સંયોગોમાં કરવી જરૂરી હોય તો તેની શરતો સહિત છૂટ આપવામાં આવે છે. જે પ્રવૃત્તિ તદ્દન ખરાબ હોય તેનો નિષેધ કરવામાં આવે છે અને તેના માટે સજાનું પણ ફરમાન કરવામાં આવે છે. શરિયા મુજબ સામાજિક અપરાધોની પણ ત્રણ કક્ષાઓ હોય છે. જે ગુનાઓ અત્યંત હળવા હોય છે તેને તાઝિર તરીકે ઓળખવામાં આવે છે. તેની સજા કેટલી કરવી? તેનો નિર્ણય કાઝી પર છોડવામાં આવે છે.

કાઝી માફી આપી શકે છે કે હળવી સજા પણ કરી શકે છે. બીજો પ્રકાર થોડા ગંભીર ગુનાઓનો હોય છે. તેને કિયાસ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ગુનો કરનારને તેના ગુના જેવી જ સજા કરવામાં આવે છે. જો કોઈએ કોઈની આંખ ફોડી નાંખી હોય તો પીડિતને ગુનેગારની આંખ ફોડી નાખવાની છૂટ આપવામાં આવે છે. પીડિત ગુનેગારને માફી પણ આપી શકે છે. હુદુદમાં અત્યંત ગંભીર પ્રકારના ગુનાઓ આવે છે, જેને અલ્લાહનો ગુનો માનવામાં આવે છે. તેમાં હત્યા, બળાત્કાર વગેરે ગુનાઓ આવે છે. તેની સજા દેહાંતદંડ સુધીની પણ હોઈ શકે છે.

હુદુદમાં જે ગંભીર પ્રકારના ગુનાની યાદી આપવામાં આવી છે તેમાં ચોરી, લૂંટફાટ, વિશ્વાસઘાત, વ્યભિચાર, બળાત્કાર, હત્યા, શરાબનું સેવન વગેરે આવે છે. આ બધા ગુનાઓ માટે દેહાંતદંડની સજા કરવામાં આવતી નથી. કોઈ માટે કોરડા ફટકારવાની સજા ફરમાવવામાં આવે છે તો કોઈ માટે પથ્થર મારવાની સજા ફરમાવવામાં આવે છે. જૂના કાળમાં દેશનિકાલની સજા જન્મટીપ જેવી ગંભીર ગણાતી હતી. હત્યા કે બળાત્કાર જેવા જઘન્ય ગુનામાં ફાંસીની સજા કરવામાં આવે છે. આવી સજા તો ઇન્ડિયન પિનલ કોડમાં પણ રાખવામાં આવી છે. શરિયા મુજબ ફાંસીની સજાની રીત અલગ છે. તેમાં ગુનો કરનારને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે છે, જેથી બીજા લોકોમાં ડર પેદા થાય.

શરિયામાં મહિલાઓ માટે જે નિયમો કરવામાં આવ્યા છે તેનો આધુનિક મહિલાઓને સૌથી વધુ ડર છે. દાખલા તરીકે શરિયા મુજબ આઠ વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ કન્યા બુરખો પહેર્યા વગર ઘરની બહાર નીકળી શકતી નથી. તે જો ઘરની બહાર નીકળવા માગતી હોય તો ઘરના કોઈ પુરુષ સભ્યે તેની રક્ષા માટે તેની સાથે રહેવું જરૂરી છે. વળી શરિયા મુજબ કન્યાઓને સ્કૂલમાં ભણાવી શકાતી નથી. તેને ઘરે રાખીને જ શિક્ષણ આપી શકાય છે.

મહિલાઓની આઝાદીનો જે વિચાર આવ્યો છે તે પશ્ચિમની સંસ્કૃતિની દેણ છે. આજના કાળમાં મહિલાઓ સ્કૂલ-કોલેજમાં ભણવા જાય છે અને નોકરી કરવા જાય છે તેને કારણે મહિલાઓ પરના અત્યાચારોમાં ભારે ઉછાળો આવ્યો છે. દુનિયાના ઘણા ઇસ્લામિક દેશોમાં શરિયાના નિયમો મુજબ ન્યાય તોળવામાં આવે છે અને સજા ફરમાવવામાં આવે છે. અમેરિકાના સંરક્ષિત સાઉદી અરેબિયામાં અને દુબઇમાં શરિયાનો કાયદો છે, પણ પશ્ચિમી પ્રસાર માધ્યમો તેની નિંદા કરતા નથી. તાલિબાનને બદનામ કરવા માટે તેમની સામે શરિયાનું હથિયાર ઉગામવામાં આવે છે તે પણ એક જાતની ચાલબાજી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top