બાળકોને કેળવી ભવિષ્યના રાષ્ટ્રવાદી નાગરિક તૈયાર કરવા ખૂબ જરૂરી
વડોદરા: શિક્ષકદિન નિમિત્તે શિક્ષક સન્માન સમારોહ સયાજીરાવ નગરગૃહ, અકોટા, વડોદરા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન કેયુર રોકડીયા, (મેયર) વડોદરા મહાનગર પાલિકાની ઉપસ્થિતિ સાથે જ્ઞાનવત્સલ સ્વામીજી, જીતેન્દ્ર સુખડીયા (ધારાસભ્ય, સયાજીગંજ િવધાનસભા), નંદાબેન જોશી (ડેપ્યુટી મેયર, વડોદરા) દીલીપસિંહ ગોિહલ (અધ્યક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા) ધર્મેન્દ્રસિંહ ચુડાસમા (શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા), શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યો તથા નવનિયુક્ત સભ્યો તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પીનાકીન પટેલ તથા મહામંત્રી જીગરભાઇ ઠાકર અને સમિતિના સર્વ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
બીએપીએસ સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા શિક્ષકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓના ઉદબોધનમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તામિલનાડુના નાના એવા ગામમાં જન્મેલ અને હસ્તરેખાના જાણકાર દ્વારા જ્ઞાનની રેખા જ નથી તેવું જણાવતા ત્યારે તેમના માતા દુ:ખી થયા ત્યારે પોતાના જ હાથે છરીથી જ્ઞાન રેખા બનાવી અને શિક્ષક એ જ ભાગ્યવિધાતાએ ઉક્તિને સાર્થક કરનાર ઉદાત્ત વ્યક્તિતવ આપના વર્ગ વ્યવહાર દરમિયાન 5 મિનિટ બાળકોને દરરોજ પ્રેરક વાતો કરવી જોઈએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભારત દેશના ભવ્ય ઇતિહાસ વિષે તથા મહાન વ્યક્તિત્વ એવા પ્રહલાદ, નચિકેતા, ધ્રૂવ, સચિન તેન્ડુલકર, નિરજ ચોપરા જેવા વ્યક્તિઓના વ્યક્તિત્વ વિષે માહિતી આપી પ્રેરણા આપવી જોઈએ. સ્વામીજીએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે વિષયના શિક્ષણથી પર
જઈને બાળકોને કેળવી ભવિષ્યના રાષ્ટ્રવાદી નાગરિક તૈયાર કરવાના છે.
શાળાના બાળકોમાં સ્વચ્છતાના ગુણો વિકસાવવા જોઇએ : રાજેન્દ્ર ત્રિવેદી
વડોદરા: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે સમાજ જીવનનું સાર્વત્રિક રીતે ઘડતર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. શીલ,પ્રજ્ઞા અને કરુણાનો ત્રિવેણી સમન્વય શિક્ષકોમાં છે. તેમણે ઉમેર્યું કે શિક્ષકો શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર સિંચનનું પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા કક્ષાના ત્રણ, અને તાલુકા કક્ષાના પાંચ સહિત આઠ શ્રેષ્ઠ સારસ્વતો સહિત જિલ્લાના પ્રાથમિક શાળાના સાત પ્રતિભાવંત વિદ્યાર્થીઓનું શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે શાલ,સન્માન પત્ર અને પુરસ્કાર અર્પણ કરી ગૌરવ સન્માન કરવામાં આવ્યું હતું.
ત્રિવેદીએ બાળકોમાં શાળા કક્ષાએ જ સ્વચ્છતા, પાણી બચાવો, પર્યાવરણનું જતન સંવર્ધન કરવા જેવા ગુણો વિકસાવવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. તેમણે શિક્ષકોને નિર્ધારિત ધ્યેય અને લક્ષ સાથે ભાવિ પેઢીનું ઘડતર કરવા જણાવ્યું હતું. સમગ્ર દેશમાં આઝાદીના સાત દાયકાઓ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે,ત્યારે ટેકનોલોજીના વિનિયોગ સાથે શિક્ષકોને સજ્જ થવા તેમણે જણાવ્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે શિક્ષકો સમાજની સાથે ભાવિ પેઢીના ઘડતરનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે. તેમણે એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
વડોદરામાં આજે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામિની પટેલ, ગિજુભાઈ બધેકા પ્રાથમિક શાળા,વડોદરા,પ્રિયતમા કનીજા,મેથી – કરજણ અને પ્રણવકુમાર પરીખ, ગણેશપુરા – વાઘોડિયાનું જ્યારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આરીફખાન પઠાણ – ચોરપુરા,સાવલી, રમણભાઈ રોહિત, દનોલી – પાદરા,મહેશ પરમાર – તતારપુરા, વડોદરા, નેહાકુમારી સોનગરા, અનગઢ, વડોદરા અને કૃણાલ જોશી – ભાદરવાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.