જાણીતા ફિલ્મ મેકર્સની બહુચર્ચિત ફિલ્મોમાં ટોપસ્ટાર્સ સાથે કામ કરી નામ મેળવવું થોડું સહેલું હોય છે પણ નાની ગણાતી ફિલ્મોથી મોટા થવું એટલું સહેલું નથી હોતું. શાલિની પાંડે ‘મહારાજ’ ફિલ્મ પછી એજ અનુભવી રહી છે. એ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ હતી અને તેમાં જે કાંઇ પ્રશંસા મળે તેવી હતી તે આમીર ખાનનાં દિકરાએ પોતાના નામ પર ચડાવી દીધી. પ્રમોશન થયું તો જૂનેદ ખાનનું થયું. શાલિની પાંડેની ભૂમિકા પણ જો કે એવી સ્ટ્રાઇકીંગ નહોતી પણ તમે તેને બાજુ પર મુકી દો તેવું ય નહોતું. આ 23મી સપ્ટેમ્બરે 31 વર્ષની થનારી શાલિની હિન્દી ફિલ્મો પૂરતી મર્યાદિત નથી. તે તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરે છે. મધ્યપ્રદેશનાં જબલપૂરની શાલિની જાણે છે કે એક પછી બીજી ફિલ્મ કરતા રહેવું પહેલી બાબત છે. દરેક ફિલ્મ સફળ જાય એવી આશા પણ ન રાખી શકાય પણ હા, પોતાના નામ પણ ‘અર્જુન રેડ્ડી’ જેવી સફળ ફિલ્મ ચડી ચુકી છે તેનો તેને આનંદ છે. એટલું જ નહીં સાઉથની જ ‘મહંતી’ પણ તેને મન ખાસ છે કારણ કે તે સાઉથની જાણીતી અભિનેત્રી સાવિત્રીની બાયોગ્રાફીકલ ફિલ્મ હતી. જો કે તેમાં સાવિત્રીની ભૂમિકા કિર્તી સુરેશે કરી હતી અને શાલિનીને સુશીલાની ભૂમિકા મળેલી. પરંતુ દલકીર સલમાન, સામંથા રૂથ પ્રભુ, વિજય દેવરકોંડા, મોહનબાબુ, નાગ ચૈતન્ય, પ્રકાશરાજ જેવા સાઉથના ટોપ સ્ટાર સાથે એ ફિલ્મમાં કામ કરેલું. દિગ્દર્શક નાગ અશ્વિન હતો જેની ‘કલ્કી 2898 એડી’ આ વર્ષે બહુ ચર્ચામાં રહી છે. શાલિની પાંડે પોતાને ફોકસમાં રાખવાનું જાણે છે. ‘મહારાજ’ પણ તેણે એટલા માટે સ્વીકારેલી કે તે યશરાજ બેનરની હતી અને જૂનેદ ખાન હોવાના કારણે તેનું પ્રમોશન તો થવાનું જ હતું. અરે, ‘જયેશભાઇ જોરદાર’માં પણ એટલે જ કામ કરેલું કે તેમાં રણવીરસીંઘ હતો. ઘણી વખત પોતાની ભૂમિકા એકદમ સોલિટ ન હોય તો પણ સમજીને ફિલ્મ સ્વીકારવી પડે છે. શાલિની એક વાત ઉમેરે છે કે ‘અર્જુન રેડ્ડી’ હોય કે ‘મહારાજ’ હોય મેં એક સાવ સાદી યુવતીની ભૂમિકા ભજવી છે અને તે એવી યુવતી છે જે સંવેદનશીલ છે. તે એમ પણ ઉમેરે છે કે ભૂતકાળમાં જયા બચ્ચન યા વર્તમાન સમયમાં વિદ્યા બાલને પણ આવી ભૂમિકાઓ ભજવી છે. શાલિની પાંડેએ અગાઉ પરેશ રાવલના દિકરા સાથે ‘બમફાડ’ ફિલ્મમાં કામ કરેલું તે નવી પેઢીના અભિનેતા સાથે કામ કરી રહી છે. આવી ફિલ્મોની સફળતા-નિષ્ફળતા વિશે તેનો મત છે કે સ્ટાર તરીકે જે જાણીતા ન થયા હોય તેમની સાથે કામ કરવું જોખમ જરૂર લાગે પણ ફિલ્મો માટે તે જરૂરી હોય છે અને અમે નવા છીએ તે પોતે જ એક ઉત્તેજક તત્વ છે. એસ્ટાબ્લિશ થવામાં દરેકને સમય લાગતો હોય છે. •
‘મહારાજ’થી મહારાણી ન બની શકી ‘શાલિની’
By
Posted on