Business

શકિતની ભકિતનું પર્વ ‘નવરાત્રી’

આગામી ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. જો કે છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીના ભય હેઠળ તહેવારોની ઉજવણીમાં ઘણી જ મર્યાદાઓ આવી ગઇ છે. ગણેશોત્સવ અને નવરાત્રી બંને દશ દિવસ ઉજવાતા તહેવારો બાળકો અને યુવાનોમાં ખૂબ પ્રિય છે. એમાં પણ નવરાત્રી યુવક – યુવતીઓને  ખૂબ પ્રિય હોય છે. નિત-નવા પારંપારિક ડ્રેસીસ પહેરી ગરબે ઘૂમવાની મજા બે વર્ષથી ઓછી થઇ ગઇ છે. આ વર્ષે પણ ઘણી બધી મર્યાદાઓ સાથેની મળેલી છૂટછાટમાં નવરાત્રીની ઉજવણી થશે. મહોલ્લા, શેરીઓ, સોસાયટીઓ અને એપાર્ટમેન્ટની મર્યાદિત જગ્યાઓમાં ગરબા લેવા સાથે મોટાં આયોજન આ વર્ષે પણ પડતાં મુકાશે.

આ વખતે ઘરઆંગણે યોજાનાર નવરાત્રી મહોત્સવથી યુવક-યુવતીઓ નારાજ તો હશે પણ ઘરના વડીલો એટલા જ ખુશ પણ હશે કારણ કે હવે બદલાતા નવરાત્રીના સ્વરૂપને કારણે અનેક દૂષણો પણ ભળી જતા વાતાવરણ કયારેક ચિંતાજનક બની જતું હોય છે. પારંપારિક ગરબાઓના બદલે DJ અને મ્યુઝિકલ પાર્ટીઓના ધમાકેદાર સંગીત વચ્ચે ઝુમતા યુવક – યુવતીઓ માત્ર આનંદ ખાતર જ નાચતા – કૂદતા હોવાની અનુભૂતિ થાય છે. માતાજીના પાંચ ગરબા ગાઇને આરતી ગવાઇ જાય એટલે માતાજીનો ગરબો અને માતાજીનો ફોટો સાઇડમાં મૂકી દઇ વેસ્ટર્ન કે બોલિવૂડના સંગીત પર થરકવાની એક પરંપરા બની ગઇ છે. દાંડિયારાસ, ગરબારાસ, દીવારાસ, બેડારાસ જેવી પારંપારિક સ્ટાઇલ બદલાઇને જુદા જુદા સ્ટેપ પર તાલીમ લીધેલાં યુવક – યુવતીઓ આધુનિક સ્ટાઇલમાં હવે ગરબે રમતાં જોવા મળે છે.

શકિતની ભકિતના પર્વે આજે પણ આપણા વડીલો નવરાત્રીમાં પૂરા ભકિતભાવથી પૂજા – અનુષ્ઠાન કરતા જોવા મળે છે. સવાર-સાંજ ગરબામાં દીવા પ્રગટાવી પારંપારિક ગરબા ગાવા સાથે આરતી ગવાતી ઘણાં ઘરોમાં આજે પણ જોવા મળે છે. ગરબા ગાવાની પ્રણાલી વિશે કોઇ ચોકકસ માહિતી નથી પણ પૌરાણિક કાળથી ચાલતી આ પરંપરા છે. મોટા અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી જેવાં શકિતધામોમાં આજે પણ પારંપારિક ગરબા ગાવા સાથે ગરબે ઘૂમતા માઇભકતો જોવા મળે છે પણ આ વર્ષે સરકારની ગાઇડ લાઇનને અનુસરી ત્યાં પણ ચોકકસ મર્યાદાઓ પળાશે.

માતાજીના પ્રાગટય સાથે જોડાયેલી ઘણી કથાઓ આપણા પૌરાણિક ગ્રંથોમાં મળે છે. દૈત્યો અને અસુરોના ત્રાસથી ત્રસ્ત દેવતાઓ અને લોકોની મુકિત માટે માતાજીનું પ્રાગટય થયું છે. મહિષાસુર નામના શકિતશાળી દૈત્યે અતિ કઠોર તપશ્ચર્યા દ્વારા બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નામ છે તેનો નાશ છે. મૃત્યુને કયારેય ટાળી શકાતું નથી તેથી બીજું કંઇક વરદાન માગવા કહ્યું ત્યારે મહિષાસુરે સ્ત્રીશકિતને અવગણી દેવતાઓ કે કાળા માથાનો માનવી તેને મારી ના શકે એવું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને આ ક્રૂર દૈત્ય મહિષાસુરે સ્વર્ગલોક અને મૃત્યુલોક પર કાળો કેર વર્તાવતા દેવતાઓ પણ ત્રસ્ત થઇ ગયા.

અંતે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને મહિષાસુરથી મુકિત માંગી ત્યારે બ્રહ્માજીએ બધાં દેવી-દેવતાઓ પાસેથી શકિતની માંગણી કરી અને તેજોમય માતાજીના સ્વરૂપનું પ્રાકટય થયું. આ સ્વરૂપનું વર્ણન પણ પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. ભગવાન શિવજીના તેજથી દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજના તેજથી મસ્તક અને કેશ, વિષ્ણુના તેજથી આઠ ભૂજાઓ, ચંદ્રમાના તેજથી સ્તન, ઇંદ્રના તેજથી કમર, વરુણના તેજથી જાંઘ, બ્રહ્માના તેજથી ચરણ, સૂર્યના તેજથી બંને પગની આંગળીઓ, પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી બંને નેત્ર, વાયુના તેજથી કાન અને અન્ય દેવતાઓના તેજથી જુદાં જુદાં અંગ બનીને શકિતનું સર્જન કરાયું.

આ શકિતને શિવજીએ તેનું ત્રિશૂલ આપ્યું, લક્ષમીજીએ કમળનું ફૂલ, વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું તો અગ્નિએ અનંત શકિતવાળા બાણોવાળું ભાથું આપ્યું. પ્રજાપતિએ સ્ફટિક મણિઓની માળા આપી, વરુણે દિવ્ય શંખ અને હનુમાનજીએ શકિતશાળી ગદા આપી. ઇન્દ્રએ વજ્ર આપ્યું, ભગવાન રામે ધનુષ્ય, વરૂણ દેવે પાશ અને તીર આપ્યું તો બ્રહ્માએ ચાર વેદ આપ્યા. અનંત શકિતઓ ધારણ કરનાર મહાદેવીને સવારી કરવા હિમાલયે સિંહ પણ પ્રદાન કર્યો. ઉપરાંત સમુદ્રે ઉજજવલ હાર, દિવ્ય અસ્ત્રો, ચુડામણિ, કાનનાં કુંડળ, હાથોના કંગન, પગના ઝાંઝર અને બધી આંગળીઓ માટે અંગૂઠી આપી દેવીને સુશોભિત કર્યાં. અંતે મહિષાસુર સાથે નવ દિવસ યુદ્ધ કરી નવમા દિવસે તેનો વધ કર્યો. દેવી-દેવતાઓ અને પૃથ્વીલોકવાસીઓએ માતાનો જયજયકાર કર્યો અને એટલે નવ દિવસ શકિતની પૂજા કરવા નવરાત્રીનો પ્રારંભ થયો હોવાનું મનાય છે.

નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાનાં નવ સ્વરૂપોનું પૂજન થતું હોય છે. પ્રથમ નવરાત્રિએ માતા શૈલીપુત્રીના રૂપની પૂજા-અર્ચના કરાય છે. બીજા નોરતે માતા બ્રહ્મચારિણી, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટા, ચોથા નોરતે માતા કુષ્માંડા, પાંચમે માતા સ્કંદમાતા, છઠ્ઠે માતા કાત્યાયની, સાતમે નોરતે માતા કાલરાત્રી, આઠમે નોરતે માતા મહાગૌરી અને નવમા દિવસે માતા સિધ્ધિ દાત્રીનું પૂજન-અર્ચન કરાય છે. નવદુર્ગાના દરેક સ્વરૂપની અલગ કથા છે. નવરાત્રીમાં પૂજાઅર્ચનમાં આપણે વિશેષ વિધિવિધાન સાથે માતાજીની ભકિત ના કરી શકીએ તો નવદુર્ગાનો આ મંત્ર રોજ ભાવપૂર્વક બોલવો.

પ્રથમ શૈલપુત્રી ચ, દ્વિતીય બ્રહ્મચારિણી I
તૃતીય ચન્દ્રઘણ્ટેતિ, કુષ્માણ્ડેતિ ચતુર્થકમ્‌ II
પંચમ સ્ક્ન્દમાતેતિ, ષષ્ઠં કાત્યાયનીતિ ચ I
સપ્તમ કાલરાત્રિતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ્‌ II
નવમ સિધ્ધિદાત્રી ચ, નવદુર્ગા: પ્રકીર્તિતા: I
ઉકતાન્યેતાનિ નામાનિ, બ્રહ્મણૈવ મહાત્મના II

‘નવરાત્રી’ એ ભારતભરમાં ઉજવાતો તહેવાર છે. રાજયો મુજબ એનાં નામ અલગ હોય શકે છે પણ શ્રદ્ધાપૂર્વકનો ભાવ શકિતની ભકિતનો જ હોય છે. બંગાળ, આસામ અને ઓરિસ્સામાં દુર્ગાપૂજા નામે ઉજવાતા આ ઉત્સવને અકાલબોધન, શરદિયપૂજા, માયેર પૂજો અને શરદોત્સવ પણ કહે છે. બિહાર, મધ્યપ્રદેશ તેમ જ દિલ્હીમાં દુર્ગાપૂજા અને નવરાત્રી બંને કહે છે. જયારે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, યુ.પી. અને કેરળમાં આ ઉત્સવ નવરાત્રી  તરીકે જ ઉજવાય છે.

કુલ્લુઘાટી અને હિમાચલ પ્રદેશમાં કુલ્લુ દશેરા તરીકે મનાવાતા નવ દિવસના આ તહેવારને તામિલનાડુમાં બોમાઇગોલુ તથા આંધ્રપ્રદેશમાં બોમાલા કોલુવુના નામે ઉજવણી થાય છે. ૯૧%ની હિન્દુવસ્તીવાળા નેપાળમાં અને ૮% હિન્દુ વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં પણ ઉત્સાહપૂર્વક નવરાત્રી અને દુર્ગાપૂજાનાં આયોજન થાય છે. વિદેશમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાંસ, નેધરલેન્ડ, સિંગાપુર અને કુવૈત જેવા દેશોમાં જયાં જયાં પણ હિંદુઓ વસેલા છે ત્યાંના સાંસ્કૃતિક સંગઠનો દ્વારા નવરાત્રીનું આયોજન વર્ષોથી થતું રહ્યું છે.

પ. બંગાળમાં દુર્ગાપૂજા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ઇ.સ. ૧૭૫૭ માં મહાભયંકર પ્લાસીનું યુદ્ધ થયું હતું. જેમાં અંગ્રેજોએ હિન્દુઓના સહયોગથી બંગાળના મુગલ નવાબ સિરાજુદૌલાને હરાવ્યો હતો. અંગ્રેજો દ્વારા જીતની ખુશી મનાવવા સાથે ભગવાનનો આભાર માનવા પહેલી વાર દુર્ગાપૂજાનું આયોજન કરાયું હતું. બંગાળના કૃષ્ણનગરના ચિત્રકારો અને શિલ્પકારોને કલકત્તા બોલાવી મા દુર્ગાની ભવ્ય મૂર્તિઓ બનાવી ભવ્યાતિભવ્ય આયોજન કરાવેલું. ત્યારથી દર વર્ષે બંગાળમાં દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરાય છે.

ગણેશોત્સવમાં ભવ્યમૂર્તિઓ સાથે ભવ્ય મંડપો બનાવવાની આપણે ત્યાં જે પરંપરા છે એ રીતે દુર્ગાપૂજા દરમ્યાન નવ દિવસ સુધી આધુનિક ભવ્ય પંડાલોમાં મા દુર્ગાની મૂર્તિઓનું સ્થાપન કરાય છે. પંડાલોનું આયોજન કરતાં મંડળો વધુ ને વધુ ભવ્ય બને એવું ઇચ્છતાં હોય છે. ૨૦૧૮ માં કલકત્તાના એક પંડાલમાં પદ્માવતની થીમ પર પૂરા પંદર કરોડનો ખર્ચ કર્યો હતો. બંગાળમાં પંડાલોમાં અન કોમ્યુનીટી હોલમાં થતા દુર્ગાપૂજાનાં ભવ્ય આયોજનોને ‘પારા દુર્ગાપૂજા’ કહે છે જયારે ઘરમાં જ દુર્ગાપૂજાનું આયોજન હોય એવી પરંપરાને બારિર દુર્ગાપૂજા કહે છે. ખર્ચાળ હોવાને કારણે આ પૂજા મોટે ભાગે ધનવાનોનાં ઘરમાં થતી હોય છે.

Most Popular

To Top