મુંબઈ: (Mumbai) શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં (Drug Case) ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની એક કોર્ટે તેને ત્રણ દિવસના એનસીબી (NCB) રિમાન્ડ પર મોકલ્યો છે. તેની સાથે પકડાયેલા અન્ય બે આરોપીઓને પણ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આર્યનને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, સાથે જ શાહરુખ ખાનના ઉછેર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન ઘણા બોલિવૂડ (Bollywood) સ્ટાર્સ આર્યન અને શાહરૂખ-ગૌરી ખાનના સમર્થનમાં ઉભા રહ્યા છે. આર્યનની ધરપકડ થઈ એ દિવસે સલમાન શાહરૂખને મળવા ગયો હતો. ત્યાર બાદ સલમાનની બહેન અલીવરા, ભાભી સીમા ખાન ગયા હતાં. કાજોલ, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્માએ ફોન પર શાહરુખ સાથે વાત કરી હતી.
શાહરૂખ અને ગૌરીના ઘરે સ્ટાર્સ પહોંચ્યા
શાહરૂખ ખાનને સપોર્ટ કરવા તેના ઘર મન્નતમાં સ્ટાર્સ પહોંચી રહ્યા છે. સૌથી પહેલા રવિવારે રાત્રે સલમાન ખાન તેના ઘરે પહોંચ્યો. જે બાદ કરણ જોહર, મનીષ મલ્હોત્રા, મહિપ કપૂર, નીલમ કોઠારી સહિત ઘણા સ્ટાર્સ સોમવારે મોડી રાત્રે શાહરૂખ અને ગૌરીના ઘરે પહોંચ્યા હતા. કેટલાક સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ટેકો દર્શાવ્યો છે.
કોંગ્રેસનેતા શશિ થરૂરે કહ્યું હતું, ‘હું ડ્રગ્સનો પ્રશંસક નથી અને મેં ક્યારેય ડ્રગ્સ લેવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ જે રીતે શાહરુખના દીકરાની ધરપકડ અંગે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે એનાથી નફરત જેવું લાગે છે. મિત્રો, થોડી તો સહાનુભૂતિ રાખો. જાહેરમાં બહુ બદનામી થઈ ચૂકી છે, પોતાની મજા ખાતર 23 વર્ષના દીકરાને આટલું ટ્રોલ કરવાની જરૂર નથી.’
પૂજા ભટ્ટે સો.મીડિયામાં પોસ્ટ શેર કરીને કહ્યું હતું, ‘શાહરુખ હું તારી સાથે છું, તને જરૂર છે એટલા માટે નહીં, પરંતુ હું તેમ કરવા માગું છે. આ સમય પણ જતો રહેશે.’
હૃતિક રોશનની પત્ની સુઝેન ખાને લખ્યું, મને લાગે છે કે આ વાત આર્યન ખાન વિશે નથી કારણ કે તે કમનસીબે ખોટા સમયે ખોટી જગ્યાએ હતો. તે ખૂબ જ સારો બાળક છે. ચાહકો બોલિવૂડ સાથે જોડાયેલા લોકોને ‘વિચ હંટ’ (ક્રૂર સજા) કરવામાં લાગી જાય છે. આ બહુ જ દુઃખની તથા ખોટી વાત છે, હું ગૌરી તથા શાહરુખની સાથે છું.’
સિંગર મીકા સિંહે કહ્યું હતું, ‘કોર્ડેલિયા ક્રૂઝ પર જવાની ઈચ્છા છે. મેં સાંભળ્યું કે ત્યાં બહુ બધા લોકો હતા, પરંતુ મને આર્યન ખાન સિવાય કોઈ દેખાતું નથી. આટલા મોટા ક્રૂઝમાં માત્ર આર્યન જ ફરતો હતો કે શું…હદ છે…ગુડ મોર્નિંગ…’