Entertainment

મુંબઈ એરપોર્ટ પર શાહરૂખ ખાનને કસ્ટમના અધિકારીઓએ અટકાવ્યો, કરી આ કાર્યવાહી

મુંબઈ: બોલિવુડના (Bollywood) કિંગ ખાન શાહરૂખ ખાનના (ShahRukh Khan) ફેન્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા શાહરૂખ ખાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ સિંહને શનિવારે એરપોર્ટ અધિકારીઓએ ચેકિંગ પોઈન્ટ પર રોક્યો હતો. ગેટ નંબર 8 પર સામાનની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે રવિ સિંહને અટકાવવામાં આવ્યો હતો. મુંબઈ કસ્ટમ્સના AIUB અધિકારીઓએ તેને રોક્યો હતો. અ

કસ્ટમના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શાહરૂખ ખાન ડિકલેર કર્યા વિના દુબઈથી રૂપિયા 18 લાખની લક્ઝુરિયસ ઘડિયાળો લાવ્યો હતો. સામાનના ચેકિંગ દરમિયાન આ બાબત અધિકારીઓના ધ્યાન પર આવી હતી, તેથી કસ્ટમે શાહરૂખ અને તેના બોડીગાર્ડને અટકાવ્યો હતો. આ લક્ઝુરિયસ ઘડિયાળો પર કસ્ટમ વિભાગ દ્વારા રૂપિયા 6.83 લાખની કસ્ટમ ડ્યૂટી વસલૂવામાં આવી હોવાની વિગતો પણ જાણવા મળી છે. શાહરૂખની બેગમાંથી બબન એન્ડ ઝુર્બ્ક, રોલેક્સ, સ્પ્રિરિટ, એપલ સિરિઝની ઘડિયાળ અને તે પૈકી કેટલાંકના ખાલી બોક્સ મળી આવ્યા હતા.

એક કલાક સુધી શાહરૂખને અટકાવી કસ્ટમ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. ત્યાર બાદ શાહરૂખ અને તેની મેનેજર પૂજા દદલાનીને ઘરે જવા દેવાયા હતા.
સૂત્રો મુજબ શાહરૂખ દુબઈ એક બુક લોન્ચ ઈવેન્ટમાં સામેલ થવા ગયો હતો. તે શુક્રવારે તા. 11 નવેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ પરત આવ્યો હતો. એરપોર્ટ પર રેડ ચેનલ ક્રોસ કરતી વખતે કસ્ટમ વિભાગે શાહરૂખ અને તેની ટીમને અટકાવી હતી.

બીજી એક વાત એવી પણ બહાર આવી છે કે શાહરૂખના બોડીગાર્ડ પાસે કેટલીક લક્ઝરી ઘડિયાળોના ખાલી બોક્સ મળ્યા હતા. આ બોક્સમાં ઘડિયાળ ન હતી. જેમાં બે લક્ઝરી ઘડિયાળના કેસ હતા અને 4 ખાલી ઘડિયાળના બોક્સ હતા. આ સિવાય iWatch Series 8નું ખાલી બોક્સ પણ હતું.

એઆઈયુના અધિકારીઓએ તમામ બોક્સ પર ડ્યૂટીની વસૂલાતની કાર્યવાહી કરી હતી. જોકે, આ માટે શાહરૂખ ખાનની અટકાયત કરવામાં આવી નથી. કસ્ટમ્સે શાહરૂખ ખાનને માત્ર ડ્યુટી ભરવાનું કહ્યું હતું. શાહરૂખ ખાને ડ્યૂટી ભરવા તૈયારી બતાવી હતી. કસ્ટમને સંપૂર્ણ ડ્યૂટી ચૂકવી શાહરૂખે બોડીગાર્ડને છોડાવ્યો હતો. જણાવી દઈએ કે અભિનેતા શાહરૂખ ખાન મેનેજર પૂજા દદલાની અને બોડીગાર્ડ રવિ સિંહ સાથે ખૂબ જ સારા સંબંધો રાખે છે.

જો કે આ સમાચાર પર શાહરૂખ ખાન કે તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં તેની બે મોટી ફિલ્મોમાં જોવા મળશે. જેમાં ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બંને ફિલ્મોના ટીઝર આવી ગયા છે. કિંગ ખાને કહ્યું છે કે તેની બંને ફિલ્મો આવતા વર્ષે રિલીઝ થશે.

Most Popular

To Top