શહેરા: શહેરા નગર પાલિકાની ચૂંટણી ની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.પાલિકામા ફરી એક વખત ૨૪ માથી ૨૦ બેઠક પર ભાજપે જીત મેળવી ભગવો લહેરાયો હતો. વિજય થયેલા ઉમેદવારો એ સમર્થકો સાથે પોતાના વોર્ડમાં વિજય સરઘસ કાઢયુ હતુ.
શહેરા નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થન થકી અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. નગર વિસ્તાર માં આવેલા ૧ થી ૬ વોર્ડ મા ૨૪ બેઠક માથી ૧ નંબર ના વોર્ડ મા બે ઉમેદવાર બિન હરીફ થયા હતા.રવિવાર ના રોજ યોજાઈ ગયેલ ચૂંટણીની મત ગણતરી મંગળવાર ના રોજ એસ.જે.દવે હાઇસ્કુલ ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ હતી.
મત ગણતરી સ્થળ ખાતે ઉમેદવારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. જેમ જેમ પરીણામ બહાર આવતા ગયા તેમ તેમ મત ગણતરી સ્થળ ખાતે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. નગર પાલિકાની ૨૪ બેઠકો પૈકી વોર્ડ ૧ માં પહેલા જ બે ભાજપની બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે આથી ૨૨ બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેની મતગણના મંગળવારના રોજ થઈ હતી.
જેમાં ૧૮ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી તો ૪ બેઠકો પર અપક્ષોએ પોતાની જીત નોંધાવી હતી.આમ વર્ષ ૨૦૦૫માં નગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી સત્તત ચોથી ટર્મ માટેનું શાસન સ્થપાયું છે.નોંધનીય છે કે ભાજપ પાર્ટી દ્વારા શહેરા પાલિકા ચોવીસે ચોવીસ બેઠકો જીતી ક્લીનસ્વીપ કરશે તેમ માનતી હતી
. પરંતુ ભાજપ ને મન ની મનમાં રહી ગઈ હતી.વિજેતા ઉમેદવારોને તેઓના સમર્થકો દ્વારા હારતોરા પહેરાવી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વિજેતા ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે વોર્ડમાં વિજય સરઘસ કાઢયું હતુ.
આ સામાન્ય ચૂંટણીમા નાની વયે વિજેતા થયેલા ઉમેદવારોમાં વિમલકુમાર પરમાનંદ ખુશલાણી તેમજ હનિશ ભરત કુમાર મુલચંદાણી અને જુનેદ લડબડ નો સમાવેશ થાય છે.ચૂંટણી અધિકારી અમિતા પારઘી અને મદદનીશ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિ માં મત ગણતરી પૂર્ણ થઈ હતી.