National

શાહબાઝ શરીફે પાકિસ્તાની સેનાને છૂટ આપી: ડોભાલે અમેરિકા, બ્રિટન, સાઉદી સહિત ઘણા દેશો સાથે વાત કરી

પહેલગામ હુમલા પછી ભારતે બદલો લીધો અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકા, બ્રિટન, સાઉદી અરેબિયા અને જાપાનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. તેમણે રશિયા અને ફ્રાન્સના અધિકારીઓનો પણ સંપર્ક કર્યો. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સેના ને ખુલી છૂટ આપી છે. પાકિસ્તાની સેનાએ ભારતના હવાઈ હુમલાનો બદલો લેવાની પરવાનગી માંગી છે જેમાં શાહબાઝ શરીફે કહ્યું- સેનાને સંપૂર્ણ અધિકાર છે

ભારત કડક જવાબ આપવા તૈયાર છે: અજિત ડોભાલ
NSA ડોભાલે વિવિધ દેશોના તેમના સમકક્ષોને પાકિસ્તાન સામે લેવામાં આવેલી કાર્યવાહી અને મુકાબલો અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી. અજિત ડોભાલે તેમના સમકક્ષોને જણાવ્યું હતું કે ભારતનો તણાવ વધારવાનો કોઈ ઈરાદો નથી પરંતુ જો પાકિસ્તાન આમ કરવાનું નક્કી કરે તો તે કડક જવાબ આપવા તૈયાર છે.

પહેલગામ આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં આતંકવાદી જૂથો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ગઢનો સમાવેશ થાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે આ તણાવ ત્યારે જ સમાપ્ત થઈ શકે છે જ્યારે ભારત તેના આક્રમક વલણથી પાછળ હટે. તેમના નિવેદન પછી પાકિસ્તાની સેનાએ શાહબાઝ શરીફ પાસે ભારતના હવાઈ હુમલાનો બદલો લેવાની પરવાનગી માંગી. આ અંગે શાહબાઝે કહ્યું કે તેમણે પોતાની સેનાને છૂટ આપી દીધી છે. તેમણે કહ્યું કે સેના પાસે સંપૂર્ણ અધિકાર છે.

ભારતના હવાઈ હુમલા પછી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) ની બેઠકની અધ્યક્ષતા કરી જેમાં કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, તમામ સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો. NSC ની બેઠક બે કલાકથી વધુ ચાલી હતી અને સુરક્ષા પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top