Business

શાહ જમનાદાસ ચુનીલાલ ઘારીવાલા : 123 વર્ષથી મીઠાઈ માટે સુરતીઓ પહેલી પસંદ…

ચૌટાબજાર વિઠ્ઠલવાડી ખાતે આવેલી શાહ જમનાદાસ ચુનીલાલ ઘારીવાલાની ગણના સુરતની જુનામાં જૂની મીઠાઈ બનાવનાર પેઢીઓમાં થાય છે.બીજી રીતે કહીએ તો સુરતીઓ અને દેશ-વિદેશમાં સ્થાયી થયેલા દક્ષિણ ગુજરાતવાસીઓને મીઠાઈનો ટેસડો આ પેઢીને કારણે લાગ્યો હતો.123 વર્ષ જૂની આ પેઢી અને તેના જૂની અને નવી પેઢીના સંચાલકો બદલાતા માર્કેટ સાથે અપગ્રેડ થઈ ક્વોલિટી,આઈડિયા અને ઇનોવેશન સાથે સ્વીટસ અને ફરસાણ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યાં છે.મીઠાઈની ઘણી રેસિપી શાહ જામનદાસની પેઢીની શોધ ગણાય છે.ધોરણ 5 સુધી ભણેલા શાહ જમનાદાસ તે સમયે કુટુંબની નબળી આર્થિક સ્થિતિને લીધે જુદા જુદા વેપારમાં જોડાયા હતા.પણ વેપારમાં જશ નહીં મળતાં પોસ્ટમેનની નોકરીએ જોડાયા હતા.ટપાલ નાખવા લોકોના ઘરે ઘરે જવાનું થતાં લગ્ન તથા અન્ય પ્રસંગો જોયા પછી તેમણે કુટુંબના વારસાઈ વેપાર રસોઈ બનાવવાના વેપારમાં જોડાતા પહેલા હેલ્પર તરીકે કામ કર્યું હતું.તેઓ ઓસવાલ જૈન સમાજના કંદોઈ તરીકે પણ જાણીતા હતાં.મીઠાઈ બનાવવાનો કસબ જાણતાં હોવાથી જમણવારમાં મોહનથાળ,મગજ,મેહસુર,સુતર ફેણી, મગનો દળ,ચણાનો દળ,દૂધીનો હલવો અને ફરસાણમાં સરસિયા ખાજા બનાવતા હતા. મીઠાઈ બનાવવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે આ વેપારમાં પકડ જામતા 4 જુલાઈ 1899 અષાઢી બીજના દિવસે વિઠ્ઠલવાડી પાસે ચૌટા બજારમાં દુકાનભાડે રાખી વેપાર શરૂ કર્યો હતો. નવી પેઢીએ વેપારનું વિસ્તરણ કરી ચૌટા બજારની દુકાન પછી અડાજણ,વેસુ,વરાછામાં આઉટલેટ શરૂ કર્યા છે. 2022માં બારડોલીમાં દુકાન શરૂ કરવાનું આયોજન છે. ઘારી સહિતની મીઠાઈમાં જેનો ડંકો વાગે છે. એવી શાહ જમનાદાસ ચુનીલાલ ઘારીવાલાની પેઢી વિશેની રોચક વાતો જાણીશું.

એક જમાનામાં જમનાદાસની પેઢી 4 આને શેર મગજ અને 3 આને શેર મિઠાઈ વેચતી હતી
મનોજ ઘારીવાલા કહે છે કે એક જમાનામાં જમનાદાસ ઘારીવાલાની પેઢીના મુખ્ય સંચાલક જમુદાદા 4 આને શેર મગજ, અમૃતપાક, 8 આને શેર મોહનથાળ, 3 આને શેર માવાની મિઠાઈ અને 8 આના શેર બદામ-પીસ્તા ઘારી વેચતા હતા. જમુદાદાનું સૂત્ર હતું કે કુદરતને ઓળખવાની અને બીજા સાથે ચેડા ન કરવા. મિઠાઈ ખાવાની વસ્તુ છે સ્વાસ્થ સાથે બરકત પણ આવે છે.

દાયકાઓ પહેલા તાડછાની ટોપલી અને ખાખરના પાનમાં વિંટાળીને વેચાતી મિઠાઈઓ
કુંજન ઘારીવાલા કહે છે કે દાયકાઓ પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટના જમાનામાં તાડછાની ટોપલીમાં મિઠાઈ વેચાતી હતી. છાપાના કાગળ અથવા ખાખરના પાનમાં પણ મિઠાઈ આપવામાં આવતી હતી. હવે ફેન્સી પૂંઠાના બોક્સ આવ્યા છીએ. મેપ પેકીંગ પણ ચાલી રહ્યું છે. જેમાં મિઠાઈની ફ્રેશનેસ અને તાજગી લાંબો સમય રહે છે અને મિઠાઈ 21 દિવસ સુધી જળવાઈ રહે છે.

ઘારીમાં ઈનોવેશન અને નવી રેસિપી રતિલાલ ઘારીવાલા લાવ્યા : મનોજ ઘારીવાલા
જમનાદાસ ઘારીવાલા પેઢીનાં સંચાલકો પૈકીના એક મનોજ ઘારીવાલા કહે છે ઘારીમાં ઈનોવેશન અને નવી રેસિપી શાહ જમનાદાસના સુપુત્ર રતિલાલ ઘારીવાલા લાવ્યા હતા તે સમયે ધંધો ટકાવવા શું નવું કરવું એવા વિચાર બીજમાંથી બદામ-પીસ્તાની ઘારી બનાવવાનો વિચાર આવ્યો હતો. એવી જ રીતે કેસરની ઘારી પણ બનાવવામાં આવી હતી. એક પછી એક નવી આઈટમો બનતી ગઈ હતી અને લોકોને તેનો ટેસ્ટ ગમવા માંડયો હતો. 1951-52માં કેસર-બદામ-પીસ્તાની ઘારી હસમુખભાઈ રતિલાલ ઘારીવાલાએ બનાવી હતી. 1946 માં હસમુખલાલ રતિલાલ ઘારીવાલા ભણતા ભણતા દુકાને વેપાર કરતા હતા. હસમુખલાલે જ ઘારી ઉપરાંત ત્રણ થી ચાર નવી વેરાયટી બનાવી હતી જેમાં ત્રિરંગી બરફી, ચોકલેટ બરફી, દુધી-બદામની બરફી અને ચીંકુનો હલવો બનાવ્યો હતો. 1965-66માં કાજુની આઈટમો બનાવવાનું શરૂ કર્યુ હતું. કાજુકતરી, કેસર કાજુ કતરી બનાવવામાં આવી હતી.

વિઠ્ઠલવાડી ચૌટામાં મિઠાઈની નાની દુકાન શરૂ કરી હતી
રાંધણકલામાં નિષ્ણાંત શાહ જમનાદાસ ઘારીવાલાએ 1899માં વિઠ્ઠલવાડી ચૌટાબજારમાં મિઠાઈની દુકાન શરૂ કરી હતી. જો કે તેમણે ઘારી બનાવવાની શરૂઆત 1889 થી 1890 સમયગાળામાં કરી હતી. તે જમાનામાં દેવશંકર ઘારીવાલા માવાની ઘારી બનાવતા હતા. ચણાના લોટનો લુવ્હો અને માવો મિક્સ કરી વૈષ્ણવની હવેલી માટે ઘારી બનતી હતી. તેઓ લાખણશાહી (લાકડીયા લાડુ) બનાવવામાં નિષ્ણાંત હતા. મોઢામાં નાંખતાજ ઓગળી જાય તેવા સોફ્ટ લાકડીયા લાડુ તેઓ બનાવતા હતા. 1889માં વિઠ્ઠલવાડીમાં દુકાન શરૂ કર્યા પછી રેગ્યુલર ઘારી કરતા જુદી માવાથી ઘારી બની શકે તેનો પ્રયોગ કરવામાં આવ્યો અને લોકોને તે ઘારી ગમવા માંડી. માવા ઘારીમાં જમુદાદા ચારોળી, એલ્ચી નાંખી ઘારી બનાવતા હતા.

મુંબઈમાં સુરતી સ્વીટ માર્ટના નામે દુકાન ચાલી હતી
મનોજ ઘારીવાલા કહે છે કે શાહ જમનાદાસ ઘારીવાલાની પેઢી દ્વારા મુંબઈના ઝવેરી બજારમાં સુરતી સ્વીટ માર્ટના નામે દુકાન શરૂ કરવામાં આવી હતી. આ દુકાન 1917 થી 1938 સુધી ચાલી હતી. મુંબઈમાં પેઢીના મુળીયા મળે નહિં એટલે માલ સામાન સુરતથી માણસો લઈ જતાં હતા. સમય જતાં વર્લ્ડ વોરને લીધે વેપાર સમેટી લઈ પાછા સુરત આવવું પડયું હતું અને તે સમયે એવું લેસન મળ્યું હતું કે કુટુંબીજનો જ્યાં ના હોય ત્યાં વેપાર કરવો.

પરિવારની ચોથી, પાંચમી અને છઠ્ઠી પેઢી ભેગા મળી વેપાર કરે છે : અતુલ ઘારીવાલા
પેઢીના સંચાલકો પૈકી એક અતુલ ઘારીવાલા કહે છે કે 13 વર્ષની વયે અભ્યાસ સાથે તેઓ પેઢીમાં કામ કરતા હતા. વડીલોને જોઈને તેઓ આ વ્યવસાયમાં પ્રથમ ત્રણ વર્ષ જોઈને શીખ્યાં. પ્રારંભમાં વખારની દેખરેખનું કામ મળ્યું હતું. આજે પણ શાહ જમનાદાસની ચોથી, પાંચમી અને છઠ્ઠી પેઢી ભેગા મળી વેપાર કરે છે. નવી પેઢી ખૂબ વિચારશીલ છે. તેઓ ફરસાણમાં પણ આગળ વધી રહ્યા છે. 2016 સુધી ચંદની પડવાના દિવસે ભૂંસુ સિઝનલ વેચતા હતા. તે પછી હોળી વખતે અને હવે બારેમાસ વેચે છે. મઠો અને શ્રીખંડના વેપારમાં પણ તેઓ આગળ વધી રહ્યા છે. શ્રીખંડમાં પાઈનેપલ, બ્લુબેરી, ટોફી કેરેમલ અને ઓરેન્જ ફલેવરમાં બનાવે છે. સુરતમાં ઓરેન્જ ફલેવર કોઈ બનાવતું નથી.

પેઢીને ગ્લોબલ લેવલ પર લઈ જવાનું આયોજન છે
મનોજ ઘારીવાલા કહે છે કે અમારી પેઢી અત્યારે કુરિયર થતી અમેરિકા, કેનેડા, બ્રિટન, ફીજી અને ઓસ્ટ્રેલિયા સિઝનલ મિઠાઈ ઓર્ડર પ્રમાણે મોકલે છે. ત્યાં વસતા ગુજરાતીઓ શુભપ્રસંગે અને તહેવારો સમયે નાના ફંકશન માટે મિઠાઈ મંગાવે છે. ભારતમાં બધેજ અમે ચોક્કસ વેરાઈટીઓ ટ્રાન્સપોર્ટેશનથી મોકલીએ છીએ. અમારું આયોજન શાહ જમનાદાસ ઘારીવાલાની પેઢીને ગ્લોબલ લેવલ પર લઈ જવાનું છે. છઠ્ઠી પેઢી બેકરી પ્રોડ્કટમાં પણ જવાની તૈયારી કરી રહી છે.

અમે મિઠાઈની સાથે સંબંધો પણ મધુરા બનાવ્યા છે : પ્રણવ ઘારીવાલા
પ્રણવ મનોજ ઘારીવાલા કહે છે કે અમે મિઠાઈની સાથે સંબંધો પણ મધુરા બનાવ્યા છે. બે થી ત્રણ પેઢી જુના રો-મટિરિયલના વિક્રેતાઓ આજે પણ અમારી પેઢીને ઘી, ખાંડ, પિસ્તા, કેસર, અને બદામ સહિતની વસ્તુઓ આપતા આવ્યા છીએ. 1986-87માં દૂરદર્શન દ્વારા અમારી પેઢી વિશે ફિલ્મ બનાવી હતી. ભવિષ્યનું પ્લાનીંગ એ છે કે અત્યારે નાણાવટમાં ખૂબ ગીચોગીચ વર્કશોપમાં મેન્યુફેકચરીંગ થાય છે તેને હવે ભાટપોર GIDCમાં શીફટ કરવાનું આયોજન છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર ફ્રી મિઠાઈઓ એડવાન્સ ઓર્ડર પર બનાવી રહ્યા છીએ.

વંશવેલો
• શાહ જમનાદાસ ચુનીલાલ ઘારીવાલા
• મણિલાલ જમનાદાસ ઘારીવાલા
• નટવરલાલ જમનાદાસ ઘારીવાલા
• રતિલાલ જમનાદાસ ઘારીવાલા
• વસંતલાલ જમનાદાસ ઘારીવાલા
• હસમુખલાલ ઘારીવાલા
• અતુલ હસમુખલાલ ઘારીવાલા
• મનોજ હસમુખલાલ ઘારીવાલા
• કુંજન અતુલભાઈ ઘારીવાલા
• પ્રણવ મનોજભાઈ ઘારીવાલા
• કૌશલ કુંજનભાઈ ઘારીવાલા
• વંશિકા પ્રણવભાઈ ઘારીવાલા
• રેશિકા પ્રણવભાઈ ઘારીવાલા

Most Popular

To Top