નવી દિલ્હી: ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL) મેન્સ ટી-20 ટુર્નામેન્ટની જેમ ભારતમાં વુમન પ્રિમીયર લીગ (WPL) ચાલી રહી છે. આ ટી-20 ક્રિકેટમાં (T20 Cricket) ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ નવો રેકોર્ડ બન્યો છે. મહિલા ક્રિકેટમાં (Women Cricket) સૌથી ઝડપી બોલ નાંખવાનો નવો રેકોર્ડ (Fastest Ball Record) સર્જાયો છે.
દક્ષિણ આફ્રિકાની (South Africa) ફાસ્ટ બોલર શબનીમ ઈસ્માઈલે (Shabneem Ismail) મહિલા ક્રિકેટમાં આ ઈતિહાસ રચ્યો છે. બોલિંગ કરતી વખતે શબનીમે 130 કિમી પ્રતિ કલાકથી વધુ સ્પીડમાં બોલ નાંખ્યો છે. આ સાથે 130 કિ.મી.થી વધુની ઝડપે બોલ નાંખનાર તે પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. ઈસ્માઈલે મંગળવારે દિલ્હીમાં આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની WPL 2024ની મેચમાં ઈસ્માઈલે 132.1 કિલોમીટર પ્રતિ કલાક (82.08 mph)ની ઝડપે બોલ ફેંક્યો હતો, જે પ્રસારણ પરની સ્પીડ-ગન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ઈસ્માઈલ WPLમાં મુંબઈની ટીમ તરફથી રમી રહી છે.
મેચની ત્રીજી ઓવરમાં શબનિમે ફેંકેલો બીજો બોલ હવે મહિલા ક્રિકેટના રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયો છે. ઈસ્માઈલે તેને કેપિટલ્સના કેપ્ટન મેગ લેનિંગ તરફ ફેંક્યો હતો. લેનિંગ આ બોલ રમવાનું ચૂકી ગઈ હતી. બોલ લેનિંગના આગળના પેડ પર વાગ્યો હતો. મુંબઈએ પછી એલબીડબ્લ્યુ માટે અપીલ કરી હતી પરંતુ તે ઠુકરાવી દેવામાં આવી હતી. ઈનિંગ્સના અંતે જ્યારે શબનિમને પૂછવામાં આવ્યું કે શું તેણી તેના સૌથી ઝડપી બોલ વિશે જાણે છે, તો ઈસ્માઈલે કહ્યું કે જ્યારે તે બોલિંગ કરે છે ત્યારે તે મોટી સ્ક્રીન તરફ જોતી નથી. તેથી તેને ખબર નહોતી.
ઇસ્માઇલે WPL 2024 ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં કેપિટલ્સ સામે 128.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ પણ ફેંક્યો હતો. ઈજાને કારણે તે મુંબઈ માટે કેટલીક મેચો રમી શકી ન હતી, પરંતુ 5 માર્ચના રોજ એક્શનમાં પરત ફરી હતી. ક્રિકેટમાં સૌથી ઝડપી બોલનો રેકોર્ડ પણ ઈસ્માઈલના નામે જ હતો. તેણે 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 128 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. 2022 ODI વર્લ્ડ કપમાં પણ તેણે બે વખત 127 kmphની સ્પીડ પાર કરી હતી. આમ મંગળવારે શબનીમે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.