સોશ્યલ મિડિયા સક્રિય થવાથી જીવનના અનેક ક્ષેત્રમાં એણે પગપેસારો કર્યો છે.તો એમાંથી સાહિત્ય પણ શું કામ બાકી રહે? એક કવિએ તો રાધા-કૃષ્ણનાં સેંકડો ગીતોને બાજુએ કરીને નવાં પ્રતીકોનો વિનિયોગ કરીને રાધાજી ડોટ કોમ,વાંસલડી ડોટ કોમ,વગેરે વગેરે વણીને સરસ ગીત આપ્યું છે. પણ ટી.વી.પરની જાહેરખબરમાં શાદી ડોટ કોમ.જોયું ત્યારે કાંઈ ન સમજાયું.પછી મગજમાં ટ્યૂબ લાઈટ થઇ કે આ કોઈ મેરેજ બ્યુરોની વાત છે.જમીન મકાન ભાડે કે લે વેચનું ક્ષેત્ર જેમ દલાલો અને એમાં ઈસ્યુ ઊભો થાય તો વકીલો માટે કમાણીનું માનીતું સાધન બની ગયું છે.
ને આવા બીજા પણ ક્ષેત્ર પણ હશે જ ,એમાં એક વધુનો ઉમેરો થયો છે અને એ છે વિવાહ, લગ્નનું ફીલ્ડ.અગાઉ આ કામ સમાજ કે કુટુંબના વડીલો કરતાં પણ હવે સારો(?) જીવનસાથી મેળવી આપવાના મેદાનમાં સુરત અને એની ફરતેના વિસ્તારમાં લગભગ નાના મોટા ચારસો મેરેજ બ્યુરો છે એવો અંદાજ છે.કારણ ગમે તે હોય,પણ તમામ માહિતી, મુલાકાતો અને સંસ્થાને તગડી ફી ચૂકવ્યા પછી પણ લગ્નની સફળતાનું પ્રમાણ નોંધપાત્ર ઓછું છે.મનમેળ અને નસીબ જ અંતે તો કામ કરી જાય છે.
અન્ય બાબતોમાં બને છે એમ વિવાહ ,લગ્ન જેવી પવિત્ર બાબતમાં પણ લેભાગુ તત્ત્વો આવી ગયાં છે.જે સારી સંસ્થાઓની વિશ્વસનીયતાને લૂણો લગાડે છે.આમાં કમનસીબે દસેક ટકા યુવતીઓ પણ છે.લગ્ન બાદ છૂટાછેડા લેવાના જ છે,યુવક પાસે લાંબી ટૂંકી રકમનું વળતર અપાવવા વકીલ તૈયાર જ છે.આમ પણ લગ્ન સંસ્થા પર ,બીજાં એના ટકી રહેવા પર ગંભીર જોખમો આજે ઊભાં થયાં જ છે .
જેની ચિંતા સમાજસેવકોને દિવસ રાત સતાવી રહી છે.મારા એક વકીલ મિત્ર તો લગભગ છૂટાછેડાના કેસમાં જ કામ કરે છે.એનો પ્રતિભાવ એણે આ રીતે આપ્યો: -શાદી ડોટકોમ.(યુવક-યુવતિ માટે),..બરબાદી ડોટ કોમ( લગ્ન બાદ છૂટાછેડા થાય તે) પણ અમારે માટે તો આબાદી ડોટ કોમ.(અમને કમાવા માટેનો કેસ)મળે એ ઓછા આનંદની વાત છે? મને મનમાં થયું કે વકીલ મિત્રની વાતમાં દમ તો છે જ,એની કોણ ના પાડશે?
સુરત – પલ્લવી ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.