Columns

સુરતમાં પ્રથમ જ્વેલરી શો રૂમ શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સે શરૂ કર્યો હતો

તળ સુરતના નવાપુરા કરવા રોડ અને પારસી શેરી વિસ્તારમાં ચોકસી બજાર બન્યું તેનો શ્રેય શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સ પેઢીને આભારી હતો. 1895માં શા. વીરચંદ હરજીવનદાસ એન્ડ કંપનીના નામે નવાપુરા પારસી શેરીમાં સુરતનો પ્રથમ જ્વેલરી શો રૂમ હરજીવનદાસ ગોમાજી ચોકસીએ વર્ષ 1895માં શરૂ કર્યો હતો. 1910માં આ પેઢીનું નામ બદલાઇને શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સ કરવામાં આવ્યું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતમાં તે જમાનામાં સોનાની શુધ્ધતાનું બીજું નામ શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સ ગણાતું હતું. દક્ષિણ ગુજરાતમાં કોઇ પરિવારને ત્યાં અચાનક લગ્ન લેવાય ત્યારે સોનાના તૈયાર સેટ એકમાત્ર આ પેઢીમાં મળતા હતા. આજે પણ ગોલ્ડ જ્વેલરી અને સિલ્વર જ્વેલરીમાં આ પેઢી તેની વર્ષો જુની શાખ ધરાવે છે. સુરત અને દક્ષિણ ગુજરાતની ત્રણ થી ચાર પેઢીઓ તેમના લગ્નો સહિતના શુભ પ્રસંગની ખરીદી માટે શા. નવીનચંદ્રની પેઢી સાથે ઘરોબો ધરાવે છે. આ પેઢીનો વેપાર આગળ ધપાવનાર નવીનચંદ્ર ચોકસી સુરતમાં જ્વેલરી ઉદ્યોગના ભીષ્મ પિતામહ ગણાય છે. 1982-83માં સુરત જ્વેલર્સ એસોસીએશનની સ્થાપનાથી લઇ 1999 સુધી તેઓ આજીવન સ્થાપક પ્રમુખ રહ્યાા. સાઉથ ગુજરાત જ્વેલર્સ એસોસીએશનના પણ તેઓ સ્થાપક પ્રમુખ રહ્યાા હતા. સરકારે તેમને ગવર્મેન્ટ એપ્રુવ્ડ ગોલ્ડ વેલ્યુઅરની ફરજ પણ સોંપી હતી. 127 વર્ષ જુની સુરતની આ જ્વેલર્સ પેઢીનો રોચક ઇતિહાસ ગુજરાતમિત્ર લઇને આવ્યું છે.

વર્ષ 1895માં હરજીવનદાસ ગોમાજી ચોકસીએ નવાપુરા પારસી શેરીમાં જ્વેલરીનો શો રૂમ શરૂ કર્યો
મૂળ રાજસ્થાનના પાલીના વતની અને વેપાર માટે સુરતના કરંજ ગામે આવેલા હરજીવનદાસ ગોમાજી ચોકસી ખરા અર્થમાં સુરતી વેપારી બની રહ્યા હતા. સુરતના રાજમાર્ગ પર પારસી શેરીના કોર્નરે 1895માં તેમણે જ્વેલરીનો શો રૂમ શરૂ કરી તે જમાનામાં સૌને ચોંકાવી દીધા હતા. 1910માં તેમણે આ શો રૂમ અત્યારે જયાં સુરત પીપલ્સ બેંકની પારસી શેરી શાખા છે તેના કોર્નરે ગ્રાઉન્ડ + વન ફલોરનો હવેલી જેવો શો રૂમ શરૂ કર્યો હતો. આ શો રૂમના પ્રથમ માળે ઝરૂખા બનાવવામાં આવ્યા હતા. ગોમાજી ચોકસીએ ઘરેણા બનાવવા સાથે સોનાની લે-વેચનું કામ પણ શરૂ કર્યું હતું. 1995માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર એસ.આર. રાવ દ્વારા રાજમાર્ગ પર ચોકસી બજારમાં ઓપરેશન ડિમોલીશન શરૂ કર્યું ત્યારે ચોકસી બજારની પહેલી દુકાન એટલે કે શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સનો શો રૂમ આખો નીકળી જતા આ શો રૂમને સામેની બાજુએ કોર્નર પર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

વર્ષ 1895માં હરજીવનદાસ ગોમાજી ચોકસીએ નવાપુરા પારસી શેરીમાં જ્વેલરીનો શો રૂમ શરૂ કર્યો
મૂળ રાજસ્થાનના પાલીના વતની અને વેપાર માટે સુરતના કરંજ ગામે આવેલા હરજીવનદાસ ગોમાજી ચોકસી ખરા અર્થમાં સુરતી વેપારી બની રહ્યા હતા. સુરતના રાજમાર્ગ પર પારસી શેરીના કોર્નરે 1895માં તેમણે જ્વેલરીનો શો રૂમ શરૂ કરી તે જમાનામાં સૌને ચોંકાવી દીધા હતા. 1910માં તેમણે આ શો રૂમ અત્યારે જયાં સુરત પીપલ્સ બેંકની પારસી શેરી શાખા છે તેના કોર્નરે ગ્રાઉન્ડ + વન ફલોરનો હવેલી જેવો શો રૂમ શરૂ કર્યો હતો. આ શો રૂમના પ્રથમ માળે ઝરૂખા બનાવવામાં આવ્યા હતા. ગોમાજી ચોકસીએ ઘરેણા બનાવવા સાથે સોનાની લે-વેચનું કામ પણ શરૂ કર્યું હતું. 1995માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર એસ.આર. રાવ દ્વારા રાજમાર્ગ પર ચોકસી બજારમાં ઓપરેશન ડિમોલીશન શરૂ કર્યું ત્યારે ચોકસી બજારની પહેલી દુકાન એટલે કે શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સનો શો રૂમ આખો નીકળી જતા આ શો રૂમને સામેની બાજુએ કોર્નર પર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

ઘરેણા બનાવતા ગુજરાતી સોનીઓ જ્યાં વસવાટ કરતા તે વિસ્તારનું નામ સોની ફળીયા પડ્યું
ખગેશભાઇ ચોકસી કહે છે કે એક જમાનામાં સુરતમાં ટ્રેડીશનલ અને એથનીક જ્વેલરી ગુજરાતી સોનીઓ બનાવતા હતા. હવે આ કારીગરોની સંખ્યા ખૂબ ઓછી થઇ ગઇ છે. તેમનું સ્થાન 1990 પછી બંગાળી સોનીઓએ લઇ લીધું છે. ઘરેણા બનાવતા ગુજરાતી સોનીઓ જ્યાં વસવાટ કરતા તે વિસ્તારનું નામ સોની ફળીયા પડ્યું હતું અને આજે પણ એ જ નામે ઓળખાય છે. આ વિસ્તારમાંથી જ અંબાજી રોડ પર સોની રહેવા ગયા હતા.

એક જમાનામાં પ્યોર સોનાની જરીનો વેસ્ટેજ પણ ચોકસી બજારમાં વેચાતો: ખગેશભાઇ ચોકસી
ખગેશભાઇ ચોકસી કહે છે કે એક જમાનામાં સુરતમાં અસ્સલ સોનાની પ્યોર જરી બનતી હતી ત્યારે રાણા સમાજના જરી ઉત્પાદકો જરીનો વેસ્ટેજ ચોકસી બજારમાં આવેલા ગણતરીના જ્વેલર્સને વેચતા હતા અને તેનો પણ મોટો વેપાર થતો હતો. જરીનો વેસ્ટેજ ઓગાળી શુધ્ધ સોનુ કાઢવામાં આવતું હતું. તે કામ હવે જરીના કારખાનાઓ જાતે જ કરી રહ્યા છે.

1910માં 12 રૂપિયે તોલા સોનુ વેચાતું હતું: સંદિપભાઇ ચોકસી
સંદિપભાઇ કાન્તિલાલ ચોકસી કહે છે કે 1910માં સુરતમાં 12 રૂપિયે તોલા સોનુ વેચાતું હતું ત્યારે તોલાનું માપ એટલે 116 ગ્રામ-650 મિલીગ્રામ રહેતુ હતું એટલે કે 120 રૂપિયામાં સોનાની બિસ્કીટ વેચાતી હતી. 1925માં સુરતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 18.75 રૂપિયા હતો.

પેઢીની આ વેરાયટીઓની સુરતમાં બોલબાલા હતી
પેઢીના સંચાલકો પૈકીના એક મેહુલ નવીનચંદ્ર ચોકસી કહે છે કે શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સ પેઢીની ચોક્કસ વેરાયટીઓની એ જમાનામાં પણ ખૂબ ડિમાન્ડ હતી જેમાં ટ્રેડીશનલ જ્વેલરી, ગુલાબના ફૂલના કડા, રોકેટ કડા, ગજરી માળાઓ, ચંદન હાર, હાંસડી સેટ (ચોકર) અને મુગલે આઝમનો સેટ ખૂબ ડિમાન્ડમાં હતો. તે ઉપરાંત ચાવીના ઝૂડા, કંદોરા, ચાંદીના વાસણો, મૂર્તિઓ, ભગવાનના આભૂષણો ઓર્ડરથી બનાવીને વેચતા હતા. શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સની નવી પેઢીના ભૌમિક ચોકસીએ 2013માં રીયલ ડાયમન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગનું અને વેચાણનું કામ શરૂ કરી સમય સાથે નવી પેઢીએ તાલ મેળવ્યો છે.

બૃહદ મુંબઇ રાજ્યમાંથી અલગ મહાગુજરાતની ચળવળને પગલે પેઢીને મુંબઇનો શો રૂમ બંધ કરવો પડયો
ખગેશભાઇ ચોકસી કહે છે કે શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સની બીજી શાખા મુંબઇના ઝવેરી બજારમાં પણ ચાલતી હતી. 1960માં ઇન્દુલાલ યાજ્ઞિકે બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવા મહાગુજરાત ચળવળ શરૂ કરી તેને લઇને મુંબઇમાં ભારે સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ગુજરાતીઓની દુકાનોને નિશાન બનાવવામાં આવતી હતી. આ સંઘર્ષને લીધે શા. નવીનચંદ્રની પેઢીએ 1960માં મુંબઇનો શો રૂમ બંધ કર્યો હતો. તે સમયે મુંબઇનો આ શો રૂમ જયંતિલાલ હરજીવનદાસ ચોકસી ચલાવતા હતા.

ડાન્સ કરતી પૂતળી વાળી દુકાન તરીકે પેઢી જાણીતી બની
ખગેશભાઇ ચોકસી કહે છે કે દક્ષિણ ગુજરાતના ગામોમાંથી અશિક્ષિત લોકો સોના-ચાંદીની જ્વેલરીની ખરીદી કરવા સુરત રેલવે સ્ટેશને કે એસ.ટી. ડેપોએ આવતા ત્યારે તેમને પેઢીના નામનું ઉચ્ચારણ આવડતું ન હોવાથી તેઓ ડાન્સ કરતી પૂતળી વાળી દુકાને લઇ જવાનું કહેતા હતા. શો રૂમની ડીસ્પ્લે સાઇટમાં સ્પ્રીંગ વર્કથી ચાલતી લાકડાની પૂતળી રાખવામાં આવી હતી જેને સ્પર્શ માત્રથી તેના હાથ પગ અને કમરનો ભાગ ડોલવા માંડતો હતો. ડાન્સ કરતી આ પૂતળી જોવા માટે સુરતીઓ પણ આવતા હતા.

22 કેરેટ કેડીયમની શરૂઆત સુરત અને દક્ષિણ ગુજરાતમાં શરૂ કરનાર પ્રથમ પેઢી: મેહુલભાઇ ચોકસી
મેહુલ નવીનચંદ્ર ચોકસી કહે છે કે ’70ના દાયકામાં સોનાના દાગીના બનાવવા માટે ઝરણ તરીકે અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો એને લીધે ગ્રાહકને સો એ સો ટકા પ્યોર 22 કેરેટ સોનાના દાગીના મળતા ન હતા. તે જમાનામાં એટલે કે 1978માં અમારી પેઢીએ પ્રથમવાર 22 કેરેટ કેડીયમની શરૂઆત કરી હતી. જેમાં સોનાથી સોનાનું ઝરણ થતું હતું. સોનામાં કેડીયમ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કેમિકલથી સોનુ ચોંટીને કેમિકલ બાષ્પીભવન થઇ જતું હતું. તે જોતા 1978માં અમારી પેઢીએ 916 સોનાનું માપદંડ જાતે સ્વીકાર્યું હતું જે BIS હવે 2022માં લાવ્યું છે. 22 કેરેટ કેડીયમ શું છે તે સુરત અને દક્ષિણ ગુજરાતના ગ્રાહકો સુધી પહોંચાડવા તારીખ 18.10.1978ના રોજ ગુજરાતમિત્ર દૈનિકમાં ફૂલ પેજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ જાહેરાતમાં કેડીયમ શું છે તેની માહિતી આપવા માટે અક્બર-બિરબલનો સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો.

મોરારજી દેસાઇએ 1968માં ગોલ્ડ કંટ્રોલ એકટ લાગુ કરી, જ્વેલર્સ માટે લાયસન્સ પ્રથા શરૂ કરી
શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સ પેઢીના ખગેશભાઇ ચોકસી કહે છે કે ફુગાવો નાથવા માટે 1968માં મોરારજી દેસાઇએ ગોલ્ડ કંટ્રોલ એકટ લાવી જ્વેલર્સ માટે લાયસન્સ પ્રથા શરૂ કરી હતી. તે સમયે સોના-ચાંદીના ડીલર માટે 25 રૂા. અને જોબવર્ક પર જ્વેલરી મેન્યુફેકચરીંગનું કામ કરનાર સોની માટે 1 રૂા. વાર્ષિક લાયસન્સ ફી રાખવામાં આવી હતી. આ કાયદા હેઠળ 14 કેરેટથી ઉપર સોનુ રાખવા અને બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

મુંબઇના ઝવેરી બજારનો સોનાનો ભાવ બીજા દિવસે ગુજરાતમિત્રમાં છપાતો અને એ ભાવ સુરતનો જાહેર થતો
ખગેશભાઇ ચોકસી કહે છે કે તે જમાનામાં ટેલિવીઝન કે ફોનનો કોઇ ખાસ યુગ ન હોવાથી મુંબઇના ઝવેરી બજારમાં સોનાનો ભાવ જે નક્કી થતો તે બીજા દિવસે ગુજરાતમિત્રમાં પ્રસિધ્ધ થતો તે જ ભાવ સુરતનો ગણાતો. વહેલી સવારે ગુજરાતમિત્રમાં સોનાનો ભાવ જોઇ સુરતમાં લોકો દુકાનના બ્લેક બોર્ડ પર હાથથી સોનાનો ભાવ લખતા હતા. ’60ના દાયકા પછી રેડીયો પર મુંબઇના ઝવેરી બજારનો સોનાનો બંધ ભાવ સાંજે 6.30 કલાકે જાહેર થતો એ રીતે પાછળથી રેડીયો સમાચારના આધારે સુરતમાં સોનાનો ભાવ નક્કી થતો હતો.

  • વંશ વેલો
  • હરજીવનદાસ ગોમાજી ચોકસી
  • કસ્તુરચંદ ગોમાજી ચોકસી
  • વીરચંદભાઇ ગોમાજી ચોકસી
  • મગનલાલ ગોમાજી ચોકસી
  • ચંપકલાલ ગોમાજી ચોકસી
  • જયંતીલાલ હરજીવનદાસ ચોકસી
  • કાન્તીલાલ હરજીવનદાસ ચોકસી
  • નવીનચંદ્ર વીરચંદભાઇ ચોકસી
  • અરૂણચંદ્ર વીરચંદભાઇ ચોકસી
  • હેમેન્દ્ર વીરચંદભાઇ ચોકસી
  • પ્રજ્ઞેશ મગનલાલ ચોકસી
  • ખગેશભાઇ નવીનચંદ્ર ચોકસી
  • મેહુલ નવીનચંદ્ર ચોકસી
  • ભૌમિક ખગેશભાઇ ચોકસી

Most Popular

To Top