સાડીની દુકાનમાં ભભૂકી જ્વાળા, વેપારીઓમાં દોડધામ
હીરાના અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા Surat શહેરમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. રીંગરોડ વિસ્તારની પ્રખ્યાત મીલેનીયમ 1 માર્કેટમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી અનુસાર માર્કેટના H4421-22 નંબરની માડ પર આવેલી સાડીની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.

દુકાનમાંથી અચાનક ઘેરો ધુમાડો નીકળતા આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા આસપાસની દુકાનો તાત્કાલિક બંધ કરાવવામાં આવી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. આગની જાણ થતાં જ ૯ ફાયર સ્ટેશન ની ૧૫ થી વધુ ગાડી સ્થળે પોહચી આગ પર કાબૂ મેળવવાની તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.

ફાયર કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને ફેલાતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માર્કેટમાં કપડાં અને સિલ્ક સામગ્રી વધુ પ્રમાણમાં હોવાને કારણે આગ ઝડપથી ફેલાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, પ્રાથમિક માહિતી મુજબ હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, જે રાહતની વાત ગણાય છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. આ ઘટનામાં દુકાનના માલસામાનને ભારે નુકસાન થવાની શક્યતા છે.
હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.