નવસારી : તિઘરા નવી વસાહતમાં કચરામાં આગ લાગતા બાજુમાં આવેલા ઘરો પર આગની ચપેટમાં આવી ગયા હતા. જેથી સ્થાનિકો જીવ બચાવવા માટે ઘર છોડીને નાસવા લાગ્યા હતા. જોકે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગત રાત્રે પણ તિઘરા નવી વસાહતમાં આગ લાગી હતી. જેથી રાતથી સવાર સુધીમાં તિઘરામાં ૨ વખત આગ લાગવાની ઘટના બની છે.
નવસારી તિઘરા નવી વસાહતમાં શ્રમિકોના ઘણા ઘરો આવ્યા છે. ગત રાત્રે નવી વસાહતમાં આગ લાગવાની ઘટના બની હતી. જેથી અફરાતફરી મચી હતી. જોકે ફાયર વિભાગે આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કાબુમાં આવતા જ નવી વસાહતમાં રહેતા શ્રમિકો રાહતનો શ્વાસ લઈ સુઈ ગયા હતા. તિઘરા નવી વસાહતમાં આવેલા ઘરોની બાજુમાં કચરાનો ઢગલો પડ્યો હતો. આજે સવારે વસાહતની બાજુમાં આવેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. પરંતુ થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના પગલે કચરાના ઢગલાની બાજુમાં આવેલા ઘરો પણ ચપેટમાં આવી ગયા હતા. જેથી નવી વસાહતમાં નાસભાગ મચી જવા પામી હતી.
આગની લપટો ઉંચે સુધી જતા આજુબાજુના વિસ્તારના રહીશો પણ ઘભરાઈ ગયા હતા. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેથી ફાયર વિભાગે આવી ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પરંતુ આગ ઉપર કાબુ મેળવે તે પહેલા જ ઘરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નવી વસાહતમાં આગ લાગવાનું કાર હજી અકબંધ છે. આ ઘટનાને પગલે નવસારી ટાઉન પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારે પોલીસ પણ આગ લાગવાનું કારણ જાણવા તપાસ કરી રહી છે. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
અસરગ્રસ્ત પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ
નવસારી : નવસારી તિઘરામાં નવી વસાહતમાં અગ લાગતા કેટલાક ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે તે ઘરોના પરિવારજનો સંકટમાં મુકાયા હતા. જેથી નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજની ટીમે અસરગ્રસ્તોની મદદે આવી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.
