સુરત: અબ્રામા ગામ ખાતેથી પસાર થતી તાપી નદીમાં નાવડી પલટી જતાં કુંભારિયા ગામના યુવાનનું ડૂબી જતાં મોત થયું હતું. જ્યારે અન્ય છ મિત્રને બચાવી લેવાયા હતા. ઓવરલોડ અને પવનના ઝોખાને કારણે ઘટના સર્જાઈ હતી. સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશ કુશીનગરના વતની અને હાલમાં સરોલી સ્થિત કુંભારીયા ગામમાં રહેતા અને સેન્ટિંગનું કામ કરતો 42 વર્ષીય રાજ બહાદુર શ્રીકંચન પ્રસાદ 11 ઓગસ્ટે બપોરે તેના બે મિત્રોને લઈને અબ્રામા ગામ તાપી નદીના કાંઠે રહેતા માછીમાર મિત્રના ઘરે ગયા હતા અને માછલી ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.
આ પ્રોગ્રામમાં પ્રદીપ કુમાર, રાહુલ, સહિતના મિત્રો પણ જોડાયા હતા. બાદમાં રાત્રે મિત્રો માછીમારી કરતાં મિત્ર છેદીને તેની સાથે તાપી ફરવા માટે લઈ જવા જીદ કરી હતી. જેથી રાજ બહાદુર, પ્રદીપ કુમાર, રાહુલ, સહિતના સાત મિત્રો અબ્રામા ગામ ખાતેથી પસાર થતી તાપી નદીમાં નાવડી લઈને નીકળ્યા હતા. બાદમાં ઓવરલોડ અને પવનના ઝોખાને કારણે નાવડી પલટી ગઈ હતી. જેના કારણે નાવડીમાં સવાર રાજ બહાદુર તાપી નદીમાં ડૂબી ગયો હતો. જ્યારે પ્રદિપકુમાર, રાહુલ સહિતના અન્ય મિત્રોએ માછલી પકડવાની જાળી પકડી રાખી બૂમાબૂમ કરી હતી.
તાપી કાંઠે રસોઈ બનાવી રહેલા મિત્ર બુલેટ હોસલા નિશાદ તાત્કાલિક તરત નાવડી લઈ છ મિત્ર બચાવી લીધા હતા. પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડૂબેલા રાજ બહાદુરની શોધખોળ આદરી હતી. પરંતુ તેની ભાળ મળી ન હતી. બીજા દિવસે મંગળવારે સવારથી શોધખોળ કરતાં સાંજે ફાયરના જવાનોએ ઘટનાના 200 મીટર દૂરથી મૃતદેહ શોધી કાઢ્યો હતો. અને કબજો સરથાણા પોલીસને સોંપ્યો હતો.
બચી જનારા છ મિત્ર
(૧) પ્રદિપકુમાર પ્રભુદાસ (ઉં.વ. ૪૦), (૨) રાહુલ રાજકુમાર ભારદ્વાજ (ઉં.વ.૨૫) (બંને રહે., બાવાન ગાળા, કુંભારિયા ગામ, સારોલી), (૩) સરમા સુભાષ નિશાદ (ઉં.વ.૨૩) (નાવડી ચલાવનાર), (૪) છેદી હોસીલા નિશાદ (ઉં.વ.૩૫), (૫) હોસલા ખેદન નિશાદ (ઉં.વ.૫૪), (૬) આદી નિશાદ (ઉં.વ.૪૦) (ચારેય રહે., અબ્રામા, તાપી કિનારે) (તમામ મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશના)