રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દક્ષિણ દિલ્હીના પ્રખ્યાત કાલકાજી મંદિરમાં પ્રસાદને લઈને થયેલા વિવાદ બાદ એક સેવાદારની લાકડીઓ વડે પીટાઈ કરવામાં આવી હતી. જેના કારણે તેનું મોત થયું છે. મૃતક સેવાદારનું નામ યોગેન્દ્ર સિંહ છે. જે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ફત્તેપુર ગામનો રહેવાસી હતો અને છેલ્લા 15 વર્ષથી મંદિરમાં સેવાદાર તરીકે ફરજ બજાવી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના શુક્રવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે બની હતી. કેટલાક યુવાનો દર્શન કરવા મંદિરે આવ્યા હતા. દર્શન બાદ તેમણે સેવાદાર યોગેન્દ્ર પાસે પ્રસાદ અને ચુન્ની માંગ્યા હતા. સેવાદારે તેમને શાંતિથી કતારમાં ઊભા રહેવા કહ્યું પરંતુ આ નાની વાતને લઈને બંને વચ્ચે વિવાદ શરૂ થયો. વિવાદ ઝડપથી વધ્યો અને ભક્તોમાંથી એક અતુલ પાંડે તેના મિત્રોની સાથે યોગેન્દ્ર પર તૂટી પડ્યો. આરોપીઓએ તેને લાકડીઓ વડે માર માર્યો હતો.

હુમલા બાદ યોગેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ દુર્ઘટના બાદ મંદિરમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
દક્ષિણ દિલ્હી જિલ્લાના ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું કે પોલીસને ઘટનાની જાણ થતાં જ ટીમ મોકલવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પ્રસાદને લઈને વિવાદ બાદ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા એક આરોપી અતુલ પાંડેને પોલીસે તરત જ ધરપકડ કરી લીધી છે. પોલીસ અન્ય આરોપીઓને શોધી રહી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
યોગેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી કાલકાજી મંદિરમાં સેવાઓ આપતા હતા અને ભક્તોમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. તેમના અચાનક મોતથી ગામ અને મંદિરમાં શોકનું વાતાવરણ છે.
આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકોને લાગે છે કે મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની જરૂર છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને. હાલ પોલીસ આરોપીઓની પૃષ્ઠભૂમિ ચકાસી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.