Charchapatra

સમાધાન

માનવજીવનમાં અનેક પ્રકારના સમાધાન કરવાના સંજોગો-પ્રસંગોની અવરજવર થતી હોય છે. ક્યારેક સ્વહિત કે જાહેર હિત માટે સમાધાન કરવામાં આવે છે. ક્યારેક કોઈ ઝઘડાની પતાવટ, કજિયા કે કંકાસની સુલેહ એટલે સમાધાન. અનેક વાર એકબીજાના વિરોધમાં સામસામે આવી જતા હોય ત્યારે કોઈક શંકા કે ગૂંચવણનો નિવેડો લાવવા શાંતિથી બધું પતાવવું પડે કે અનિચ્છાએ પતાવટ કરવી પડે છે. એકમેકનો વટ જતો કરવો પડે તેમ પણ બને છે. જીવનનિર્વાહમાં અનેકવિધ પ્રશ્નો ઊભા હોય ત્યારે મૌન રાખવું ભારે મુશ્કેલ બને છે.

છતાં અંતે કોઈ નિકાલ, નિરાકરણ કે અંતિમ ફેસલો એટલે કે નિર્ણય કરવો પડે તે સમાધાન કર્યું કહેવાય. સમાધાનમાં સંમતિ અનિવાર્ય છે. વિરોધમાં જવાનું કારણ શોધી પડેલી ગૂંચવણ ઉકેલીને સમાધાન કરવું જોઈએ. જો મનમાં લેશમાત્ર શંકા રહી જાય તો કરેલા સમાધાનમાં ફરી પ્રશ્નો ઉદ્ભવી શકે. કામચલાઉને બદલે કાયમી સમાધાન કારગત નીવડે છે.આમ પણ જીવનમાં અનેક વાસ્તવિકતાનો સામનો કરવો  પડે છે. અનેક જવાબદારીઓ નિભાવવા સંઘર્ષ કરીએ અને એ બધું આડે આવે ત્યારે ઘણાં સમાધાનો કરવાં પડે છે.

આજની જીવનશૈલીમાં પણ જવાબદાર વ્યક્તિઓએ સમાધાનના રસ્તે ચાલવું  પડે. આજના હરીફાઈના, સ્પર્ધાત્મક યુગમાં કેટકેટલાં સમાધાનો કરવાં પડે તેની યાદી બનાવીએ તો મસમોટી યાદી બની જાય. સંઘર્ષો વચ્ચે સમાધાન રામબાણ ઈલાજ છે. અહીં વ્યક્તિગત અહમ છોડીએ તો લાખો પ્રશ્નો હલ થઈ શકે છે. કજિયા કંકાસને ભગાડવા પડશે. હા, પોતાને અને પ્રકૃતિને પ્રેમ કરવામાં અને સદા આનંદમાં રહેવા માટે કોઈ સમાધાન કરવાની જરૂર નથી.

નવસારી          – કિશોર આર. ટંડેલ   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

શિક્ષક વગર ભણે છે ગુજરાત
ગુજરાતની સેંકડો પ્રાથમિક, માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેબલ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. માત્ર સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો ૨૦૦ થી વધુ શિક્ષકોની ઘટ છે. રાજ્યમાં સોળસોથી વધુ શાળાઓ અને જિલ્લાની ૨૩ જેટલી શાળાઓ માત્ર એક શિક્ષકને ભરોસે ચાલે છે. ખાલી જગ્યાઓ ભરવામાં સરકાર તરફથી થતા અક્ષમ્ય વિલંબને કારણે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ બરાબર મેળવી શકતા નથી. માધ્યમિક કક્ષાએ આ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીઓ અનુભવે છે.

સરકારની અણઘડ નીતિ અને શિક્ષણ પ્રત્યે દુર્લક્ષ સેવવાને કારણે સેંકડો-હજારો બાળકોની કારકિર્દી રોળાઈ જાય છે. છતાં કોઈના પેટનું પાણી હલતું નથી એ આશ્ચર્યજનક અને દુઃખદ બાબત છે. કમનસીબે વાલીઓના નબળા સંગઠન અને લોક જાગૃતિના અભાવે ચાલતું આવ્યું છે એમ જ ચાલી રહ્યું છે. વિરોધપક્ષો પણ આ મુદ્દે લોકજાગૃતિ ફેલાવી દમદાર રજૂઆત કરવામાં રસ દાખવતા નથી. શિક્ષક વગર ગુજરાત શી રીતે ભણી શકે?
સુરત  – સુનીલ શાહ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top