અમારા અંગત સગાને ત્યાં લગ્ન હતા. અમે બધા જાનમાં ગયા. વરઘોડો નીકળ્યો. બેંડ, વાજા ને ફટાકડા. જુવાનિયા નાચવામાં મશગુલ. વરઘોડો એક કલાક માંડવે મોડો પહોંચ્યો. કન્યા, કન્યાનાં સગાં રાહ જોઇ બેઠાં હોય તેનું ભાન કોને રહે! બધા બધાંમાં મસ્ત…! ઢોલીને ચગાવવા જુવાનિયા નોટોના ઢગલા ઉતારે, બસ બધાને નચાવો, નાચો, કૂદો, મઝા લૂંટો. પોંખણાં કન્યાદાનની વિધિ શરૂ થઇ. અણવરે ગોર મહારાજને 500 રૂપિયાની નોટ પકડાવી કહ્યું- ‘‘ગોર મહારાજ! જલદી વિધિ પતાવો…!’’ સાંજે રીસેપ્શનનો સમય થયો. સાજનમહાજન આવી જાય એટલે જમણવાર ચાલુ કરી દેવો પડે. સાતને બદલે આઠ વાગ્યા. સ્ટેજ સૂનું – હજી વરકન્યા તૈયાર થઇને કયાં આવ્યાં છે? બ્યૂટી પાર્લરવાળા કામ પતાવે ત્યારે ને? અડધા લોકો રાહ જોઇ જોઇને જમીને કવર આપીને ચાલતા થયા, તેઓને પણ એક જ દિવસે બેત્રણ લગ્નના વ્યવહાર પતાવવાના હોય છે.
હાશ… માંડ માંડ લગ્ન પત્યા. પછી ડેકોરેશન, કેટેરર્સના, દાગીનાના, કપડાવાળા બધાંનાં બિલો પતાવવાનાં. બધાંને કામ પતાવવામાં જ રસ. ઘણી વાર દિવસ દરમિયાન જે કાંઇ કામ કરીએ છીએ તે ઝટપટ પૂરું કરવાની લાયમાં કાં તો કામ કરવાના કંટાળાને લીધે તે કામ પતાવવામાં મંડી પડીએ છીએ, પછી તે ઓફિસનું કામ હોય કે ઘરનું હોય અને તે પત્યા પછી આપણો સહજ ઉદ્દગાર નીકળે છે કે – ‘ચાલો, હાશ’. એક કામ પત્યું.’ તેમાં આપણી બહેનોને તો બધાં કામ પતાવવાની ખૂબ ઉતાવળ! અરે! ભગવાનની પૂજા કરવા બેસીએ કાં માળા-પાઠ કરવા બેસીએ તેમાં પણ પતાવટ જ થતી હોય છે ને? અરે રસોઇ કરે તેમાં પણ ધાડ ધાડ અને પતાવટ! ટૂંકમાં આના પરથી એક જ તારણ થાય કે આપણા સામાન્ય વ્યવહારનું બીજું નામ પતાવટ…!
બસ સવારથી ઊઠીએ ત્યારથી ઘરના બધા જ સભ્યોની દોડ ગમે તે રીતે કામ પતાવવા તરફ…!નાના હતા ત્યારે મસ્તી, તોફાન કરતા, ધીરે ધીરે જમતા, મા ઉતાવળ કરે, છોકરાઓ જલદી પતાવો, કામવાળી બાઈ આવી જશે. કામવાળી આવે, ધડાધડ વાસણો પછાડે, જલદી જલદી કામ પતાવી ભાગે, એને બીજાં પાંચછ ઘરનાં કામ પતાવવાનાં હોય.ડૉકટરને ત્યાં જઇએ લાંબી લાઈન હોય, ઘણી ફરિયાદો લઇને ગયા હોઈએ, માંડ માંડ કેટલી વારે નંબર લાગે, ડૉકટર આમતેમ પૂછે, પૂરું તપાસે પણ નહીં ફરિયાદ તો સાંભળે જ કયાંથી? ફટાફટ ચારપાંચ ગોળીઓનું પ્રિસ્ક્રિપ્શન લખી દેશે. આ ટેસ્ટ કરાવી લેજો, આપણે કંઇ કહેવા જઈએ તો કહેશે લાઈનમાં હજી ઘણા દર્દીઓ બેઠા છે. બધાને પતાવવાના છે.
બધાને કામ પતાવવું છે- શિક્ષકને કલાસમાં કોર્સ પતાવવાની ઉતાવળ. કોઇને સમજાયું કે નહીં તે વિચારવાનું નહિ. મહારાજ ઘેર કથા કરવા આવે જલદી જલદી શ્લોકો બોલી પટોપટ વાંચી જાય. આપણી પૂજા પતાવી બીજે કથા કરવા જવાનું હોય, સીધું આપી દો. પ્રસાદ આપી દો. પોટલાં બાંધી ચાલતા થાય. આમ જીવનમાં બધે પતાવટ જ હોય તો જીવનમાં કાર્યના આનંદનો, કાર્ય કર્યાના સમાધાનનો, સર્જનની તૃપ્તિનો ઓડકાર કયાંથી મળે? કાર્ય ભલે તે પથારીની ચાદર પાથરવાનું હોય કે ઝાડું કાઢવાનું સામાન્ય કામ જ કેમ ન હોય, કામ નાનું કે મોટું છે તે મહત્ત્વનું નથી, પણ કામ કેવી રીતે કર્યું તે મહત્ત્વનું છે.
સુજાતાની દીકરી રીન્કુએ યૌવનના ઉંબરે પગ મૂકયો. ઘરનાં બીજાં કોઇ કામની તેના માથે કોઇ જ જવાબદારી નથી. કેવળ તેની પથારીની ચાદર પાથરવાની હોય, તેમાં પણ તે પતાવટ કરતી હોય છે. કરચલી વગર સફાઈથી તે કદી ચાદર પાથરતી જ નથી. દાદીમાએ તેને વ્હાલથી કહ્યું- ‘બેટા, ચાદર આવી રીતે પથરાય? આવા નાના કામમાં પણ આવી પતાવટ! જો હવે હું ચાદર પાથરું…!’ કહી દાદીએ સફાઈથી ચાદર પાથરી બતાવી. ‘પણ દાદી આ રીતે ચાદર પાથરવામાં તો બહુ ટાઈમ જાય અને ચાદર પાથરવાનો હેતુ તો ગાદીની ખોલ મેલી ન થાય તે જ છે ને! તો પછી ફટાફટ પાથરીને સૂઈ જવાનું!’
‘જો બેટા! મારી વાત ધ્યાનથી સાંભળ. કોઇ પણ કામમાં પતાવટ કરવી એટલે કામ કર્યાનો આનંદ ગુમાવવો, કામનો આનંદ ન હોય તે બોજો લાગવાનો, તે કામ કરવાનો કંટાળો આવવાનો. પતાવટમાં જવાબદારીનો અહેસાસ નથી, જીવનનું ગાંભીર્ય નથી, સૌંદર્ય-કળા, કૌશલ્યને અવકાશ નથી. ત્યાં છે માત્ર કામમાંથી ભાગેડુ વૃત્તિ. આ વૃત્તિ માણસમાં રહેલી આળસ અને પ્રમાદની જનેતા છે. એ વિકાસમાં બાધક છે. કામ કરવાનો જ કંટાળો. તેઓનો એક જ મંત્ર ગમે તેમ કામ પતાવો. આવા આળસુ-એદી-ઊંઘણશી માણસો જન્મે છે, જીવે છે, ગમે તે રીતે જીવન પૂરું કરે છે. તેઓના કોઇ કામમાં ચોકસાઈ હોતી નથી.
બેટા! તું કહેતી હતી કે સફાઈદાર રીતે ચાદર પાથરવામાં કેટલો બધો સમય જાય, પણ જો મેં એટલા જ સમયમાં ચાદર કેવી સરસ પાથરી! જીવનમાં કામ પતાવી દેવા પૂરતું નહીં પણ ચોકસાઈપૂર્વક કામ પૂર્ણ કરવાની ઉત્તમ ટેવ જરૂરી છે. ઈશ્વરે આપણું સર્જન કરતી વખતે પતાવવાની ભાવના રાખી હોત તો? એમણે તો કેટલું સર્જન કરવાનું છે. નખશિખ સર્વાંગ સુંદર માનવદેહનું સર્જન કરવા એમણે કેટલી કાળજી લીધી હશે? દરકાર રાખી હશે. જલદી જલદી પતાવવામાં એ આપણને શરીરનું કોઇ પણ અંગ- આંખ-દાંત કે કાન આપવાનું ભૂલી ગયા હોત તો…!
તો વાચક મિત્રો! પ્રત્યેક પળની કિંમત હોય છે. કોઇ પણ કામમાં ઝડપની સાથે કામ કરવાની મનની સ્વસ્થતા પણ જરૂરી છે. દરેક કામમાં ઉત્સાહ ભળવો જોઈએ. આપણે આપણી મહામૂલી જિંદગી પણ પટાપટ પતાવી દઈએ છીએ, સમય વેડફી નાંખ્યો હોય છે, અને અંત કાળે પસ્તાઈએ છીએ. આપણે કામના નામે વેઠ ઉતારીએ છીએ- ખરેખર તો કોઇ પણ કામ દિલથી કરવું જોઇએ. તો મિત્રો- કામ હાથમાં આવ્યું એટલે ગમે તે રીતે પતાવો… એવું નહીં, પતાવો જરૂર પણ કુશળતાથી.