દુનિયાનાં દરેકે દરેક વ્યક્તિને જીવનમાં ક્રાંતિકારી ફેરફારો લાવી શકાય તેવા આઈડિયાઓ આવી શકે છે. કેટલાંક લોકો તે વિશે કશુંક કરવાનું નક્કી કરે છે અને એ રીતે જીવનને મહાન બનાવે છે, જ્યારે અન્ય લોકો તે વિશે કશું કર્યા વિના બેસી રહે છે અને સામાન્ય બની રહેવું સ્વીકારી લે છે. લક્ષ્યો નક્કી કરવાનાં અદભુત પરિણામો આવે છે. વધુ પડતા વિકલ્પોને લીધે ગૂંચવાઈ ગયેલાં જીવનમાં લક્ષ્યો નક્કી કરવાથી એક જાતની સ્પષ્ટતાની ભાવના આવે છે.
લક્ષ્યો નક્કી કરવાથી આપણી ઈચ્છાઓ સ્પષ્ટ બને છે અને આપણને એવી જ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે, જે આપણે જ્યાં જવા માગતાં હોઈએ, ત્યાં આપણને લઈ શકે. ‘જ્યારે તમે જાણતાં જ ન હો કે તમે ક્યાં જઈ રહ્યાં છો, ત્યારે તમે ત્યાં કેવી રીતે પહોંચો છો, તેનાથી કોઈ ફરક પડતો નથી.’ ‘‘સ્પષ્ટ રીતે આંકેલાં લક્ષ્યો દ્વારા વધુ વિવેકપૂર્ણ વિકલ્પો અપનાવી શકવાનું માળખું મળી રહે છે. જો તમને ચોક્કસ ખબર હોય કે તમારે ક્યાં જવું છે, તો ત્યાં પહોંચવા માટે યોગ્ય પ્રવૃત્તિઓ પસંદ કરવાનું ઘણું સરળ બની જશે.
લક્ષ્યો નક્કી કરવાનું અતિ મહત્ત્વનું હોવાનું બીજું એક કારણ એ છે કે તેને લીધે તમે નવી તકો પ્રત્યે સજાગ રહો છો. જ્યારે તમે લક્ષ્યો નક્કી કરો છો, ત્યારે તમારું જીવન વધુ સમૃધ્ધ બનવાની ચોક્કસ શક્યતાઓ ઊભી થાય છે. યોગ્ય લક્ષ્યો નક્કી કરવાનો અર્થ છે આપણામાં રહેલા સુષુપ્ત જુસ્સાને જાગૃત કરવો. જો આપણે લક્ષ્યો પ્રત્યે આપણી નિષ્ઠા, પૂરતા પ્રમાણમાં ઊંડી હોય, તો આપણે આપણાં જીવનમાં જે કંઈ પણ ઇચ્છતાં હોઈએ, તે ખરેખર કરી શકીએ છીએ. ‘‘જો તમે ખરેખર અત્યંત ઉત્કંઠાપૂર્વક કંઇ પણ ઇચ્છો તો તેને તમે જરૂર પ્રાપ્ત કરી શકો છો, પણ તમારી ઉત્કંઠાનું, તમારી ત્વચામાંથી બહાર ઉભરાઈને વિશ્વ રચેતા શક્તિ સાથે અનુસંધાન સંધાવું જોઈએ.’’
વિજલપોર – ડાહ્યાભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સફેદ LED લાઇટ
આજકાલ વાહનોમાં સફેદ રંગની LED લાઇટ વધારે પ્રમાણમાં વપરાય છે અને ઘણાં લોકો વધારાની આ સફેદ લાઇટ લગાવે છે, જેના કારણે સામે આવતાં વાહનચાલકો આ લાઇટથી અંજાઈ જાય છે અને અકસ્માતની શકયતા વધી જાય છે. આ વધારેની લાઇટ R.T.O વાળાએ તાત્કાલિક અસરથી દૂર કરાવવી જોઈએ અને દંડ કરવો જોઈએ જેથી ફરી આવી વધારાની લાઇટ લગાવે નહીં. અને જે વાહનોમાં કંપનીમાંથી આવી લાઇટ ફીટ થઇને આવી છે તો ભૂતકાળમાં યુદ્ધ વખતે અંધારપટનો અમલ કરવા માટે હેડ લાઇટ પર પીળા રંગના પત્તા કરવામાં આવતા હતા એવું હાલ આ સફેદ લાઇટ માટે કરવું જરૂરી થઈ ગયું છે. રાત્રે આ સફેદ લાઇટના કારણે અકસ્માત થતાં અટકાવી શકાય છે. આ માટે R.T. O સત્વરે કાર્યવાહી કરે અને સલામતી માટે કડક પગલાં લેવામાં આવે.
વડોદરા – જયંતીભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)