એક દિવસ એક હીરાના વેપારી શેઠાણી પેઢી પર લૂંટ કરવાના ઈરાદાથી ચાર શખ્સ આવ્યા, હથિયાર દેખાડી હીરા માંગ્યા. શેઠના બે નોકરોએ જાનની બાજી લગાવી લડત આપી અને ચાલાકીથી પોલીસ બોલાવી બધા હીરા બચાવી લીધા. શેઠજી ખૂબ ખુશ થઇ ગયા.તેમણે બંને નોકરોને ઇનામ આપવાનું નક્કી કર્યું, પણ વિચાર્યું ઘરે બોલાવી સાથે જમાડી તેમનું માન કરું અને ઘરના બધા સભ્યો સાથે તેમને ઇનામ આપું. શેઠજીએ બંને નોકરોને તેમના બંગલા પર જમવા આવવાનું નિમંત્રણ આપ્યું.નોકરો વર્ષોથી શેઠની પેઢી પર કામ કરતા હતા પણ કયારેય બંગલા પર ગયા ન હતા.
નોકરો પોતાની પાસેના સૌથી સારાં કપડાં પહેરીને બંગલા પર પહોંચ્યા.શેઠ અને શેઠાણીએ સ્વાગત કર્યું અને સ્વાગતમાં ઠંડું શરબત પીરસાયું.પછી શેઠે ભોજન માટે પોતાની સાથે ,પોતાની બાજુમાં ડાઈનીંગ ટેબલ પર બેસાડયા.ટેબલ પર વિશેષ મહેમાન માટે ચાંદીની થાળી, ચાંદીની વાટકીઓ અને ચાંદીની ચમચીઓ સજાવવામાં આવી હતી. ભોજન પીરસવાનું શરૂ થયું.ભાતભાતના પકવાન, નવા નવા મિષ્ટાન ,અનેક શાક ,વિવિધ દાળ, કઢી, પુરી, રોટલી,અથાણાં ,સલાડથી થાળી ઉભરાઈ ગઈ. મહેમાન બની આવેલા નોકરો શું ખાવું તે વિચારવા લાગ્યા.પણ તેમણે જોયું કે શેઠજીની સામે મૂકેલી ચાંદીની થાળી સાવ ખાલી હતી.
નોકરોને કંઈ સમજાયું નહિ, શેઠજીને તેમણે ધીમેથી પૂછ્યું, ‘શેઠજી, તમે અમારી સાથે ભોજન નહિ કરો?’શેઠ બોલ્યા, ‘અરે , એ શું પૂછો છો ? સાથે જમવા જ તો તમને બોલાવ્યા છે.પણ હું આ તમારી થાળીમાં છે તે કંઈ જ ખાઈ નહિ શકું. મારુ ભોજન હમણાં પીરસશે.’ નોકર એક કાંસાની થાળીમાં સૂકો રોટલો અને દૂધીનું શાક અને એક વાટકી દૂધ લઈને આવ્યો અને શેઠજીની સામેની ચાંદીની થાળી હટાવી કાંસાની થાળી મૂકી.
શેઠજીએ કહ્યું, ‘ચાલો શરૂ કરીએ.’ શેઠજી પ્રેમથી સૂકો રોટલો આરોગી રહ્યા હતા.નોકરો તેમને જોઈ રહ્યા.શેઠજીએ પોતે અને શેઠાણીએ આગ્રહ કરી તેમને જમાડ્યા.પણ શેઠજી તો માત્ર રોટલો અને દૂધીનું શાક અને દૂધ જ જમ્યા.નોકરોએ પૂછ્યું, ‘શેઠજી , તમે કેમ આટલા પકવાનોમાંથી કંઈ ન ખાધું? શું તમને કોઈ બીમારી કે તકલીફ છે?’
શેઠ બોલ્યા, ‘ના, ના, કોઈ બીમારી કે તકલીફ નથી, પણ હું અને મારી પત્ની રોજ સાંજે આ સાદું ભોજન જ જમીએ છીએ, જે મોટા શેઠ બનવા પહેલાં ગામમાં લેતા હતા.તેના બે ફાયદા છે. આ મારી સાદા ભોજનની થાળી તનને સ્વસ્થ રાખે છે અને મનને પણ કાબૂમાં રાખતાં શીખવે છે અને હંમેશા અભિમાનથી દૂર રાખી જમીન સાથે જોડાયેલા રહેવાનો અને શ્રીમંતાઈમાં છકી જતાં રોકે છે.’ નોકરો શેઠજીનો સાદી થાળીનો મર્મ સમજયા અને શેઠજીને વંદન કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.