Sports

કમબેક પછી સેટબેક 6 મહિનામાં ફરી 3 ભારતીય ખેલાડીઓ ઘાયલ, કસુરવાર કોણ?

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટમાં શું થઈ રહ્યું છે? તે કોઇને્ સમજાતુ નથી. એક પછી એક એવા ચાવીરૂપ ખેલાડીઓ ફરી ટીમમાંથી બહાર થઈ રહ્યા છે જેમણે ઈજામાંથી સાજા થઇને પુનરાગમન કર્યું હોય.. આ ખેલાડીઓ માટે આ પુનરાગમન સફળ રહ્યું ન હતું અને એ ખેલાડીઓની ઈજા ફરી સામે આવી ગઇ હતી, તેના કારણે આ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવા પડ્યા હતા. તાજેતરનો કિસ્સો શ્રેયસ અય્યર સાથે સંબંધિત છે. તેની લોઅર બેકની ઈજા ફરી સામે આવી છે. આ ઇજાને કારણે તે અમદાવાદ ટેસ્ટમાં બેટિંગ કરવા આવ્યો ન હતો અને હવે આ ઈજાને કારણે શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા સામે 17 માર્ચથી શરૂ થયેલી 3 વન-ડેની સીરિઝ ગુમાવી દીધી છે, અને તે પછી શ્રેયસ IPL મેચોમાંથી પણ બહાર થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

શ્રેયસ અય્યર પોતાની આ જ પીઠની ઈજાને કારણે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં રમ્યો ન હતો. તેણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તેનું રિહેબિલિટેશન પૂર્ણ કર્યું હતું. આ જ ઈજાને કારણે અય્યર ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ રમી શક્યો ન હતો. પરંતુ, એવું લાગી રહ્યું છે કે મેદાનમાં તેની વાપસી પણ ઉતાવળમાં કરાવવામાં આવી હતી અને પ્રેક્ટિસ મેચ રમ્યા વગર તેને સીધો દિલ્હી ટેસ્ટમાં મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો હતો, હવે સૌથી મોટો સવાલ એ છે કે આવું કેમ અને કોના કહેવાથી થયું હતું.?

ખેલાડીઓને વારંવાર થતી ઈજાઓ માટે જવાબદાર કોણ?
છેલ્લા 6 મહિનામાં ભારતીય ક્રિકેટમાં આ ત્રીજો કિસ્સો છે, જ્યારે કોઈ ખેલાડી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માંથી ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો હોય અને તેની થોડી જ મેચો બાદ તેની એ જ ઈજા ફરી ઉભરી આવવાના કારણે તે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હોય. . શ્રેયસ અય્યર પહેલા જસપ્રીત બુમરાહ અને દીપક ચહર સાથે પણ આવું જ કંઈક થયું હતું. આ બંને ખેલાડીઓ ટીમમાં આવ્યા અને પછી જૂની ઈજા ફરી ઊભરી આવવાના કારણે થોડી મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર થઈ ગયા. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે ભારતીય ટીમને આ સ્ટાર ખેલાડીઓની ઈજા અને ટીમમાં તેમની ગેરહાજરીથી જે નુકસાન થયું છે તેના માટે જવાબદાર કોણ છે?

જસપ્રીત બુમરાહની ઈજા વકરવા માટે કોણ જવાબદાર?
ગયા વર્ષે જસપ્રીત બુમરાહ સાથે પણ આવું જ થયું હતું. ત્યારથી લગભગ 1 વર્ષ થઈ ગયું છે અને તે ટીમની બહાર છે. સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે બુમરાહ ગયા વર્ષે એશિયા કપમાં પણ રમ્યો ન હતો. આ ઈજામાંથી સાજા થયા બાદ તેને T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. પરંતુ, 2 T20 રમ્યા બાદ જ તેની પીઠનો જૂનો દુખાવો ફરી ઉભો થયો અને તેના કારણે બુમરાહને T20 વર્લ્ડકપમાંથી બહાર બેસવું પડ્યું. એ વાતને 6 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને બુમરાહ અત્યાર સુધી વાપસી કરી શક્યો નથી અને હવે તેણે ન્યૂઝીલેન્ડ જઇને સર્જરી કરાવવી પડી છે અને તેના કારણે બુમરાહ IPL 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમી શકશે નહીં. હવે જે સવાલ ઉઠી રહ્યો છે કે બુમરાહની ઇજાને વકરાવવા માટે જવાબદાર કોણ છે?

દીપક ચાહર સાથે પણ એવું જ થયું
ઓલરાઉન્ડર દીપક ચાહર સાથે પણ એવું જ થયું. તે પહેલા સ્ટ્રેસ ફ્રેક્ચર અને પછી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. આ કારણોસર, તે IPL 2022 પણ રમ્યો ન હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં તે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો. પરંતુ, આ પછી, ટીમમાં ઓછો અને બહાર વધુરહ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં દીપક ચાહરે બાંગ્લાદેશ સામે વનડે રમી હતી. પરંતુ, આ મેચમાં ઈજાગ્રસ્ત થયો અને માત્ર 3 ઓવર જ ફેંકી શક્યો. જો કે હવે તે IPL 2023 દ્વારા પુનરાગમન કરવા જઈ રહ્યો છે. પરંતુ, આ બોલરની ફિટનેસ પર હજુ પણ સવાલ છે.

NCAની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે
એ તો સીધી વાત છે કે જ્યારે ખેલાડીઓ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશન પૂર્ણ કરે છે અને ત્યાંથી લીલી ઝંડી મળ્યા પછી જ ટીમ ઈન્ડિયામાં પરત ફરે છે, તો પછી એવું કેમ થઈ રહ્યું છે કે ખેલાડીઓની જૂની ઈજાઓ ફરીથી ઊભરી આવવાના કારણે તેમને ટીમમાંથી બહાર થવું પડી રહ્યું છે. આ પછી સવાલ એ થાય છે કે શું NCA પર ખેલાડીઓને ફિટ જાહેર કરવાનું દબાણ છે? શું ખેલાડીઓ ટીમમાં તેમના સ્થાનને લઈને એટલા અસુરક્ષિત છે કે તેઓ પુનરાગમન કરવાની ઉતાવળમાં હોય છે? કારણ ગમે તે હોય, તેનાથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થઈ રહ્યું છે.

BCCIએ ઘરઆંગણે યોજાનારા વર્લ્ડકપના વર્ષમાં કઠોર પગલાં લેવા પડશે
નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના સ્પોર્ટ્સ સાયન્સ ડિવિઝન પર પણ એક મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે કોઈ એક ખેલાડીની ઈજા ફરીથી ઉભી થાય તે સમજી શકાય તેવું છે. પરંતુ, જો 6 મહિનામાં 3 ખેલાડીઓની જૂની ઇજાઓ બહાર આવે છે, તો NCAની જ ક્યાંક ભૂલ થાય છે. આ વર્ષે ભારતમાં વન ડે વર્લ્ડકપ રમાવાનો છે અને આ ત્રણેય ખેલાડીઓ ભારતીય અભિયાન માટે મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, BCCIએ આ સમસ્યાને વહેલી તકે ઉકેલવી પડશે. નહીં તો ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

Most Popular

To Top