સુરત : ગોડાદરા ખાતે રહેતો વેપારી નોકરના (servant) ભરોસે દુકાન (shop) અને વેપારનો વ્યવહાર છોડીને ફરવા નીકળી ગયો હતો. બાદમાં સંબંધી બિમાર હોવાથી એક મહિનો તેમાં વ્યસ્ત હતા. ત્યારપછી દુકાને આવ્યા ત્યારે ગોડાઉનમાંથી 23 લાખનો માલ નોકર માલિકની (owner) કારમાં ભરીને જતો રહ્યો હોવાની જાણ થઈ હતી.
- સંબંધી બિમાર હોવાથી એક મહિનો તેમાં વ્યસ્ત રહેતા નોકર કળા કરી ગયો
- માલિકની કારમાં જ ગોડાઉનમાંથી 23 લાખના કાપડનો માલ ભરીને નોકર રફૂચક્કર
ગોડાદરા ખાતે ધીરજનગરમાં રહેતા 34 વર્ષીય રણજીતસિંહ ભવરસિંહ રાજપૂત રિંગરોડ ખાતે ન્યુ શ્રીરામ માર્કેટમાં મા કામરૂના નામથી સાડી તથા ચણીયા ચોલીનો હોલસેલનો વેપાર કરે છે. તેમના દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જાલમસિંહ મંગલસિંહ રાજપૂત (રહે.ધીરજનગર ગોડાદરા) ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. માલ રાખવા માટે રણજીતસિંહે પાંડેસરા ખાતે સિદ્ધાર્થ એપાર્ટમેન્ટમાં ગોડાઉન ભાડે રાખ્યું હતું. ગત 7 મે 2022 ના રોજ રણજીતસિંહ તેમની માતાજીની બાધા પુરી કરવા માટે પરિવાર સાથે ગામ ગયા હતા. જામલસિંહને પણ તેમની સાથે લઈ ગયા હતા. ત્યાંથી રાજસ્થાન જામલસિંહના ગામ ગયા હતા. ત્યાં ચાર દિવસ રોકાયા બાદ જામલસિંહ સુરત આવી ગયો હતો. અને રણજીતસિંહ ફરવા નીકળી ગયા હતા. દરમિયાન ધંધાની તમામ જવાબદારી જામલસિંહને સોંપી હતી. તેમના ગોડાઉનમાં વેલ્વેટ કાપડ, લહેંગા, અલગ અલગ કાપડ મળીને કુલ 23.03 લાખનો માલ પડેલો હતો. ફરીને આવ્યા પછી રણજીતસિંહના સંબંધી બિમાર હોવાથી તેમનું ધ્યાન ત્યાં હતું. એકાદ મહિના પછી સંબંધીના મોત બાદ અંતિમવિધી કરીને પછી રણજીતસિંહ દુકાને આવ્યા હતા. ત્યારે દુકાન બંધ હતી. જામલસિંહને ફોન કરતા તેના નંબર સ્વીચઓફ હતો. ગોડાઉન પર ગયા તો ત્યાં કોઈ બીજા ભાડે રહેતા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે જામલસિંહ રણજીતસિંહની કારમાં બધો માલ ફરીને ગાયબ થઈ ગયો છે. સલાબતપુરા પોલીસે 23 લાખના માલ અને 3 લાખની કાર મળીને 26.03 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.