Columns

ભારતમાં અમેરિકન રાજદૂત તરીકે નિમણૂક પામેલા સર્જિયો ગોર વિવાદાસ્પદ વ્યક્તિ છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સર્જિયો ગોરની નિમણૂકની જાહેરાત કરીને ભારતને એક વધુ આંચકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ભારતમાં નવા અમેરિકી રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા માટે ખાસ દૂત તરીકે સર્જિયો ગોરની નિમણૂક કરવા જઈ રહ્યા છે. સર્જિયો ગોર હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રમાં રાષ્ટ્રપતિની વ્યક્તિગત નિમણૂકોના વિભાગના વડા છે. સર્જિયો ગોરને એવા સમયે ભારતમાં અમેરિકાના રાજદૂત બનાવવામાં આવી રહ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ભારત અને ચીન નજીક આવી રહ્યાં હોય તેવું લાગે છે. સર્જિયો ગોરની કાર્યશૈલી પણ વિવાદાસ્પદ રહી છે. માનવામાં આવે છે કે આ વર્ષની શરૂઆતમાં ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક સાથે ટ્રમ્પના સંઘર્ષમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. મસ્કે ગોરને ‘સાપ’ પણ કહ્યો હતો. કેટલાંક લોકો ગોરને ટ્રમ્પનો જમણો હાથ પણ કહે છે. એવા પણ અહેવાલો હતા કે સર્જિયો ગોર વહીવટીતંત્રમાં નિમણૂકો માટેના હજારો કાગળોની ચકાસણી હાથ ધર્યા પછી પણ તેઓ સુરક્ષા મંજૂરીના કાગળો ફાઇલ કરવામાં વિલંબ કરી રહ્યા હતા.

સર્જિયો ગોર ૩૯ વર્ષના યુવાન છે. તેઓ ભારતમાં અમેરિકાના સૌથી યુવા રાજદૂત બનશે. ગોરની અટક ગોરોકોવ્સ્કી છે. તેમનો જન્મ ૧૯૮૬માં તત્કાલીન સોવિયેત સંઘના ઉઝબેકિસ્તાનમાં થયો હતો. તેમનો પરિવાર ૧૯૯૯માં અમેરિકા ગયો હતો. તે સમયે તેઓ ૧૨ વર્ષના હતા. તેમના પિતા યુરી ગોરોકોવ્સ્કી એક એવિએશન એન્જિનિયર હતા, જેમણે સોવિયેત સેના માટે વિમાન ડિઝાઇન કર્યું હતું. સર્જિયો ગોરની માતા ઇઝરાયલી મૂળની હોવાનું કહેવાય છે. સર્જિયો ગોરે લોસ એન્જલસના ઉપનગરોમાં હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી વોશિંગ્ટનમાં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં તેમનું શિક્ષણ ચાલુ રાખ્યું હતું. સર્જિયો ગોરે ૨૦૦૮માં રિપબ્લિકન સેનેટર અને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જોન મેકકેનના પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જ્યારે તેમનો સામનો ડેમોક્રેટિક ઉમેદવાર બરાક ઓબામા સાથે થયો હતો.

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે ભારતમાં અમારા આગામી રાજદૂત તરીકે ગોરને નોમિનેટ કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયથી હું ખૂબ જ રોમાંચિત છું. અમેરિકાએ ૨૦૨૩ માં લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગારસેટ્ટીને ભારતમાં પોતાના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા. બિડેન સરકારે જુલાઈ ૨૦૨૧ માં તેમને આ પદ માટે નામાંકિત કર્યા હતા, પરંતુ બિડેનના નજીકના સાથી ગારસેટ્ટીની નિમણૂકને એવા આરોપો વચ્ચે રોકી દેવામાં આવી હતી કે તેમણે મેયર હતા ત્યારે નજીકના સહાયક સામે જાતીય સતામણીના આરોપોને અવગણ્યા હતા. જો કે, ગારસેટ્ટીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. આખરે સેનેટે તેમની નિમણૂકને ૫૨ વિરુદ્ધ ૪૨ મતથી મંજૂરી આપી હતી અને તેઓ ભારતના રાજદૂત બન્યા હતા.

ભારતમાં ગોરની નિમણૂક એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર રદ કરવામાં આવ્યો છે. ભારત ૫૦ ટકા ટેરિફના ખતરાનો સામનો કરી રહ્યું છે, જેની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે સેનેટ ગોરની નિમણૂકને કેટલી ઝડપથી મંજૂરી આપે છે. ભારત ઈચ્છશે કે અમેરિકાના રાજદૂતની અહીં વહેલી તકે નિમણૂક થાય. જાન્યુઆરીમાં એરિક ગારસેટ્ટીએ ભારત છોડ્યું ત્યારથી આ પદ ખાલી છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકી વહીવટીતંત્ર દ્વારા ભારતને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું હોવાથી નવા રાજદૂતનું કામ ખૂબ પડકારજનક બની રહેશે. અમેરિકા આ ​​પગલાં દ્વારા ભારત સાથેના સંબંધો વિશે મહત્ત્વનો સંદેશ આપવા માંગે છે, કારણ કે દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ખાસ દૂતને સીધા દિલ્હીમાં પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. સર્જિયો ગોર પહેલી વખત કોઈ દેશમાં રાજદૂત તરીકે જઈ રહ્યા છે. તેઓ ટ્રમ્પના વિશ્વાસુ છે, પણ રાજનીતિમાં નવા નિશાળિયા છે.

અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર સર્જિયો ગોરે ડોનાલ્ડ ટ્રમ્પને એ પણ જાણ કરી હતી કે એલન મસ્કના નજીકના મિત્ર અને ઉદ્યોગપતિ જેરેડ ઈસાકમેને ડેમોક્રેટ્સને પૈસા આપ્યા છે. એલન મસ્કની ભલામણ પર ટ્રમ્પે ૨૦૨૪ ના અંતમાં તેમને નાસાના વડા તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ માહિતી બહાર આવ્યા પછી ટ્રમ્પે સેનેટમાંથી આઇઝેકમેનનું નોમિનેશન પાછું ખેંચી લીધું હતું. જો કે ૨૦૨૪ ની એક મીટિંગમાં ઈસાકમેને પોતે ડોનાલ્ડ ટ્રમ્પને આ દાન વિશે માહિતી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમને આ વિશે પહેલી વાર ખબર પડી હતી. ટીકાકારોએ ગોરને તેમના મનસ્વી નિર્ણયો માટે પણ નિશાન બનાવ્યા છે. દક્ષિણ એશિયાઈ બાબતોના વિશ્લેષક માઈકલ કુગમેને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે જો સર્જિયો ગોરની ભારતમાં રાજદૂત તરીકે નિમણૂકને મંજૂરી આપવામાં આવે અને તેઓ દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ખાસ દૂતની ભૂમિકા પણ ભજવે તો એવું માનવામાં આવશે કે ભારત-પાકિસ્તાન બંનેને એક જ લાકડીથી હાંકવાની અમેરિકાની નીતિ ફરી પાછી આવી ગઈ છે.

ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર આ પાછળનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ કારણો સમજાવ્યાં છે. કંવલ સિબ્બલના મતે ગોરને આપવામાં આવેલી આ બેવડી ભૂમિકાનો અર્થ એ છે કે તેઓ ફક્ત ભારત પર જ નહીં, પરંતુ પાકિસ્તાન સહિત સમગ્ર પડોશી ક્ષેત્ર સાથેના અમેરિકાના સંબંધો પર પણ નજર રાખશે. એટલે કે, અમેરિકા ભારત અંગે જે પણ નીતિ બનાવશે, તેને અન્ય દેશો સાથે પણ સંકલિત કરવામાં આવશે. કંવલ સિબ્બલના મતે ભારતની ચિંતા અહીંથી શરૂ થાય છે. નવી દિલ્હી હમેશાં ભારતના પાકિસ્તાન સાથે જોડાણ કરવાના વિચારનો વિરોધ કરે છે. ૨૦૦૯માં જ્યારે અમેરિકન રાજદ્વારી રિચાર્ડ હોલબ્રુકને ભારત-પાકિસ્તાનની બાબતો માટેના ખાસ દૂત બનાવવામાં આવ્યા હતા ત્યારે ભારતે સ્પષ્ટપણે વિરોધ કર્યો હતો, પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે, કારણ કે આ વધારાની જવાબદારી ભારતમાં બેઠેલા અમેરિકન રાજદૂતને આપવામાં આવી છે, જેનો સીધો વિરોધ કરવો મુશ્કેલ બનશે.

ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના રાજદૂત તરીકે કેમ પસંદ કર્યા? આ નિર્ણયથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે. કેટલાંક લોકો માને છે કે આ નિમણૂક ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ છે. તે જ સમયે, કેટલાંક લોકો માને છે કે આ ભારત સરકાર માટે એક મજબૂત સંદેશ છે. સર્જિયો ગોરને ભારતનો બહુ અનુભવ નથી. પરંતુ, રાજદૂત પદ માટે આ કંઈ નવું નથી. અગાઉ પણ ઘણા રાષ્ટ્રપતિઓએ તેમના રાજકીય સમર્થકો, મિત્રો અને ભંડોળ એકત્ર કરનારાંઓને આ પદ આપ્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના રાજદૂત એરિક ગારસેટ્ટી લોસ એન્જલસના મેયર હતા. તેઓ ૨૦૨૦ ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેનના રાષ્ટ્રીય સહ-અધ્યક્ષ પણ હતા.

નવી દિલ્હીમાં સર્જિયો ગોરની નિમણૂક અંગે રાહત અને ચિંતા બંનેની લાગણી છે. એક સકારાત્મક પાસું એ છે કે હવે ભારતમાં એક અમેરિકન રાજદૂત હશે, જેની સીધી પહોંચ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી હશે. જો કે, બીજી તરફ એ પણ નોંધનીય બાબત છે કે ગોરને ભારત કે દક્ષિણ એશિયા સંબંધિત કોઈ અગાઉનો અનુભવ નથી. ભારતને હવે એક એવી વ્યક્તિ મળી રહી છે જે ટ્રમ્પથી ફક્ત એક ફોન કોલ દૂર છે. સર્જિયો ગોર ટ્રમ્પ સાથે ડાયરેક્ટ ફોન પર વાત કરી શકે છે. ગોર એકમાત્ર એવા વ્યક્તિ છે જેમને દિવસ કે રાતના કોઈ પણ સમયે ટ્રમ્પને મળવાની સ્વતંત્રતા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જે વાતો પહોંચાડવામાં આવી રહી ન હતી તે હવે થોડા કલાકોમાં પહોંચાડવામાં આવશે.

સર્જિયો ગોરની નિમણૂકને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક ગણાવવામાં આવી રહ્યો છે. જો તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના તરંગો ઉપર કામ કરશે તો તેઓ ભારતને ભારે આંચકાઓ આપી શકે છે. વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સર્જિયો ગોર ભારત-અમેરિકાના સંબંધોના બંધનને કેટલું મજબૂત બનાવી શકશે, કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં અંતર સર્જાયું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top