સુરત : હંમેશા વિવાદમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ (civil hospital) હાલ સુવિધાને લઇ ચર્ચામાં આવી છે, જી હા દર્દીઓને વોર્ડની બહાર સારવાર આપવાની સમસ્યાને લઇ હવે સિવિલમાં વધુ એક વોર્ડ (new ward)ની સુવિધા પુરી પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને સતત રોગમાં રહેતા દર્દીઓ માટેના વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરવાની દિશામાં સિવિલ તંત્રે એક પગલાં આગળ ધપાવ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ (diabetes) અને પ્રેશર (pressure)ના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સવારના સમયે લોકોને અલગ વોર્ડ વિશેની માહિતી મળતા જ લોકોએ સારવાર લેવા માટે લાંબી લાઇન લગાવી દીધી હતી. જીવલેણ ગણાતા કોરોનાનો ગંભીર વાયરસ ડાયાબિટીસ, સુગર અને પ્રેશરના દર્દીઓને પહેલા ટાર્ગેટ કરે છે અને તેઓને ગંભીર બીમારીમાં લાવી દે છે. માટે જ આવા રોગોના લોકોએ તુરંત સારવાર મેળવવાની ઈચ્છાથી આ વોર્ડ માટે દોટ મૂકી હતી. જો કે આ વોર્ડમાં પણ વધુ દર્દીઓ ના આવી જાય તેની પણ તકેદારી લેવી રહી.
વિવિધ બિમારીઓથી પીડાતા દર્દીઓને જ્યારે કોરોના થાય છે ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર થઇ જાય છે. હાલમાં કોરોનાના કેસો પણ વધવા લાગ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ સહિતની બીમારીઓના કેસોમાં પણ વધારો થયો છે. મેડિસીન વિભાગમાં ચાલતી ડાયાબિટીસ, પ્રેશર અને સુગરની ઓપીડીમાં જગ્યા ઓછી પડવાને કારણે દર્દીઓને પારાવાર હાલાકી પડતી હતી. આ માટે સિવિલ હોસ્પિટલના તંત્રએ અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. અને હવે સુરતની સિવિલ હોસ્પિટલ પોતાની જગ્યાનો સારી રીતે ઉપયોગ કરવાના હેતુથી નવા વોર્ડમાં દર્દીઓને ખસેડી વધુ વ્યવસ્થિત સારવારના હેતુની દિશામાં છે.
નવી સિવિલ હોસ્પિટલમાં પ્રવેશતાની સાથે જ જમણી બાજુ ઉપર એનસીડી નામથી અલગ કેબિન શરૂ કરવામાં આવી છે. અહીં મેડિસીન વિભાગના ડોક્ટરો બેસીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ગુરુવારે સાંજથી જ એનસીડી કેબિન શરૂ કરી દેવામાં આવી હતી. જેની જાણ શુક્રવારે દર્દીઓને થતાં લાંબી લાઇન લગાવી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં એક તરફ દવાઓ લેવાની લાઇન અને તેની સામે હવે ડાયાબિટીસ, પ્રેશર અને સુગરના દર્દીઓની લાઇનોને લઇને મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જો કે, તંત્રએ ઊભી કરેલી નવી વ્યવસ્થા કારણે દર્દીઓને અંશત: રાહત મળશે તેમ લાગી રહ્યું છે.