નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Sharemarket) ઉત્તરાયણે (Uttarayan) નવો સૂર્ય ઉગ્યો છે. સોમવારે ઉઘડતા બજારે શેરબજારે નવી સપાટી સ્પર્શ કરી છે. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો (BSE) 30 શેરો ધરાવતો સેન્સેક્સ (Sensex) નવી ટોચે પહોંચ્યો હતો અને પ્રથમ વખત 73,000ની સપાટીને પાર કરી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં (Nifty) પણ તોફાની ઉછાળો જોવા મળ્યો હતો અને તે પણ 22,000ને પાર કરી ગયો હતો,.
સેન્સેક્સે નવો ઇતિહાસ રચ્યો છે. સોમવારે શેરબજારમાં કારોબારની શરૂઆત મજબૂત ગતિ સાથે થઈ હતી. BSE સેન્સેક્સ 505.66 પોઈન્ટ અથવા 0.70 ટકાના મજબૂત ઉછાળા સાથે 73,074.11 પર ખુલ્યો. આ પછી, તેમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે, સમાચાર લખાય છે ત્યાં સુધી, સેન્સેક્સ 613.30 પોઈન્ટના ઉછાળા પછી 73,181.76 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે થોડી જ વારમાં તે 73,288 ના સ્તરને સ્પર્શી ગયો હતો, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે.
બીજી તરફ, NSE નિફ્ટી 135.80 પોઈન્ટ અથવા 0.62 ટકાના વધારા સાથે 22,030.30 ના સ્તર પર ખુલ્યો અને સમાચાર લખાય છે ત્યાં સુધી તે 22,062 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટીએ શરૂઆતના ટ્રેડિંગમાં જ 22,082ની જીવનકાળની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
શેરબજારમાં કારોબાર શરૂ થયો તે સમયે લગભગ 2160 શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે 437 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય 116 શેર એવા હતા જેમાં કોઈ ફેરફાર થયો નથી. નિફ્ટીમાં વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી અને ઈન્ફોસીસ મુખ્ય ઉછાળા હતા, જ્યારે એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ ), એચયુએલ, હિન્દાલ્કો અને આઈસીઆઈસીઆઈ બેંક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.