આજ દિન સુધી માનવામાં આવતું હતું કે શેર બજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ (સેન્સેક્સ) દેશનાં અર્થતંત્રનું બેરોમીટર છે. જો સેન્સેક્સ ડાઉન હોય તો માનવું કે દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. જો સેન્સેક્સ જોરમાં હોય તો માનવું કે દેશનું અર્થતંત્ર સદ્ધર છે.
હવે તે માન્યતા ધરમૂળથી ખોટી સાબિત થઈ છે. આજની તારીખમાં ભારતનું અર્થતંત્ર ગંભીર કટોકટીમાં છે, પણ શેર બજાર ભડકે બળી રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં દેશનો વિકાસ દર માઇનસ ૭.૫ ટકા નોંધાવાની સંભાવના છે, પણ સેન્સેક્સ ૫૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી પણ વટાવીને આગેકૂચ કરી રહ્યો છે.
ગયાં વર્ષના માર્ચ મહિનામાં દેશમાં લોકડાઉન જાહેરકરવામાં આવ્યું ત્યારે સેન્સેક્સ ૪૧,૦૦૦ રૂપિયાથી ડૂબકી લગાવીને ૨૬,૦૦૦ રૂપિયા પર પહોંચી ગયો ત્યારે લાગતું હતું કે તે હવે ફરી કદી પાછો ૪૧,૦૦૦ રૂપિયા પર આવી નહીં શકે. તેને બદલે તે ૫૦,૦૦૦ રૂપિયા પર પહોંચી ગયો તેનું રહસ્ય શું છે?
સેન્સેક્સની પ્રગતિ કે અધોગતિને સમજવા માટે આપણે દેશના મૂડીબજાર પર વિદેશી રોકાણના પ્રભાવને સમજવો પડશે. ૨૦૨૦ના માર્ચમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે વિદેશી રોકાણકારોએ ભારતના શેર બજારમાંથી ૬૨,૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા, જેને કારણે સેન્સેક્સ કકડભૂસ થઈ ગયો હતો.
ત્યાર બાદ યુરોપ અને અમેરિકાની સરકારોએ તેમના અર્થતંત્રમાં જાન લાવવા કરન્સી નોટો છાપીને લોકોને સ્ટિમ્યુલસના રૂપમાં આપવા માંડી હતી. તેને કારણે વિદેશોમાં નાણાંની રેલમછેલ થઈ ગઈ હતી. અમેરિકામાં વ્યાજનો દર લગભગ ઝીરો પર પહોંચી ગયો હતો. તેને કારણે વિદેશથી મૂડીનો પ્રવાહ ભારતના શેર બજારમાં આવવા લાગ્યો હતો.
ડિસેમ્બર મહિનામાં ભારતમાં ૬૨,૦૧૬ કરોડ રૂપિયાનું વિદેશી ધન આવ્યું હતું. આ પારકી તાકાતના સહારે ભારતનું શેર બજાર પણ ચગવા લાગ્યું છે. હવે જો વિદેશી નાણાં સંસ્થાઓ ભારતના બજારમાંથી મૂડી પાછી ખેંચી લે તો ભારતનું શેર બજાર ફરીથી જમીનદોસ્ત થઈ શકે છે.
વિદેશી સરકારો દ્વારા અખત્યાર કરવામાં આવતી નીતિ ભારતના શેર બજારને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? તે જાણવા માટે ૨૦૧૩નું ઉદાહરણ તપાસવું જોઈએ. ૨૦૦૮માં વિશ્વમાં અને ભારતમાં પ્રચંડ મંદી આવી હતી, જેમાં લેહમેન બ્રધર્સ જેવી કેટલીય કંપનીઓ ઉઠી ગઈ હતી અને શેર બજાર પણ તળિયે પહોંચી ગયું હતું. આ મંદીનો મુકાબલો કરવા અમેરિકા, યુરોપ અને જપાન જેવા દેશો દ્વારા કરન્સી નોટો છાપીને અર્થતંત્રમાં ઠાલવવામાં આવી હતી અને વ્યાજના દરો શૂન્યની નજીક લઈ જવામાં આવ્યા હતા.
તેને કારણે મૂડીનો પ્રવાહ ભારત જેવા દેશો તરફ વળ્યો હતો, જ્યાં પ્રમાણમાં સારું વળતર મળતું હતું. ૨૦૧૩માં અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજના દરો વધાર્યા, જેને કારણે સંસ્થાકીય રોકાણકારો પાછા અમેરિકા તરફ વળ્યા. તેમણે ભારતના શેર બજારમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લીધી, જેને કારણે સેન્સેક્સ ગબડી પડ્યો હતો. અત્યારે પણ જો અમેરિકાનું ફેડરલ રિઝર્વ વ્યાજના દરો વધારે તો ૨૦૧૩નું પુનરાવર્તન થઈ શકે છે.
ભારતના શેર બજારમાં વર્તમાનમાં જે ફુલગુલાબી તેજી જોવા મળે છે તેને ભારતના અર્થતંત્રનું પીઠબળ નથી પણ વિદેશી મૂડીનું પીઠબળ છે. કોઈ માંદો માણસ પોતાના શરીરમાં લોહીનું ઉત્પાદન ન કરી શકતો હોય તેને બહારથી લોહીના બાટલા ચઢાવવામાં આવે ત્યારે તેના ચહેરા પર લાલી આવી જાય છે, પણ તેનું આરોગ્ય ખરેખર સુધર્યું હોતું નથી.
આરોગ્ય તો ત્યારે સુધર્યું કહેવાય જ્યારે તે પોતાનું લોહી જાતે બનાવી શકે. ભારતમાં લોકડાઉનના પ્રભાવને કારણે કરોડો લોકોની નોકરીઓ ગઈ છે. કરોડો મજૂરો બેકાર બન્યા છે. સ્કૂલો બંધ હોવાને કારણે કરોડો શિક્ષકો પોતાનું ગુજરાન માંડમાંડ ચલાવી રહ્યા છે. રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં ભયંકર મંદી છે. જૂની મિલકતો વેચાતી નથી. નવું બાંધકામ ચાલુ થતું નથી. તેને કારણે કરોડો કામદારો બેકાર બની ગયા છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં હજારો કંપનીઓ નોંધાયેલી છે, પણ તેનો સેન્સેક્સ માત્ર ૩૦ ચૂંટેલી કંપનીઓના આધારે જ નક્કી કરવામાં આવે છે. હજારો કંપનીઓના શેરો તળિયે પહોંચી ગયા હોય, પણ રિલાયન્સ કે એચડીએફસી બેન્ક જેવી કંપનીઓ તેજીમાં હોય તો સેન્સેક્સ પણ તેજીમાં હોય છે.
લોકડાઉન આંશિક ખૂલીગયા પછી જેને આધારે ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે તે કંપનીઓના શેરોમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે, પણ બીજી અનેક કંપનીઓ કટોકટીમાં છે. તેમની ગણતરી સેન્સેક્સ નક્કી કરવામાં કરવામાં ન આવતી હોવાથી તેનો પ્રભાવ જોવા મળતો નથી. આ કારણે જ ભારતનો વૃદ્ધિદર નેગેટિવમાં ચાલતો હોવા છતાં સેન્સેક્સ વધી રહ્યો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ૪,૭૪૪ કંપનીઓનું લિસ્ટીંગ થયેલું છે. તેની સામે ભારતમાં કરોડો નાના લઘુ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ છે, જેઓ પોતાની મૂડીથી કે લોન લઈને પોતાનો ધંધો કરે છે. લોકડાઉનને કારણે આ કરોડો નાના વેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો છે. નાના ઉદ્યોગપતિઓનાં કારખાનાં આજે પણ બંધ છે, અથવા ડચકાં ખાતાં ચાલી રહ્યાં છે. લોકોના હાથમાં રૂપિયા ન હોવાથી બજારમાં મંદી જોવા મળે છે.
બીજી બાજુ વિદેશી મૂડીનો જે પ્રવાહ આવ્યો તેનો લાભ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને થયો છે. સરકાર દ્વારા જે રાહત પેકેજો જાહેર કરવામાં આવ્યા તેનો લાભ પણ મોટા ઉદ્યોગપતિઓને જ થયો છે, કારણ કે તેમની સરકાર પર વગ છે. નાના વેપારીઓને સરકારના કોઈ પેકેજનો લાભ મળ્યો નથી. આ કારણે કોર્પોરેટ ક્ષેત્ર માલામાલ થઇ રહ્યું છે, પણ નાના માણસો બરબાદ થઈ રહ્યા છે. સેન્સેક્સ કોર્પોરેટ સેક્ટર નક્કી કરે છે, પણ જીડીપી દેશના આમ નાગરિકો નક્કી કરે છે. આમ નાગરિકો બરબાદ થઈ ગયા છે, માટે જીડીપી ઘટી રહ્યો છે.
કોર્પોરેટ સેક્ટર આબાદ થઈ રહ્યું છે, માટે સેન્સેક્સ વધી રહ્યો છે. વર્તમાન સરકાર ધનવાનોની સરકાર છે, તેવો જે આક્ષેપ થઈ રહ્યો છે તેને આ વરવી હકીકતો સાચો પુરવાર કરી રહી છે. વર્તમાનમાં ભારતના શેર બજારમાં કેટલીક કંપનીઓના શેરોના જે ભાવો છે તે પણ કંપનીની વાસ્તવિક કિંમતનું પ્રતિબિંબ પાડતા નથી. કંપનીના શેરો વેચવાથી જેટલા રૂપિયા હાથમાં આવે તેટલા રૂપિયા કંપનીની મિલકતો વેચવાથી હાથમાં આવે તેવું નથી. દાખલા તરીકે કોઈ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન ૧૦૦ કરોડ રૂપિયા હોય, પણ તેની મિલકતો ૨૫ કરોડ રૂપિયાની હોય તેવું પણ બની શકે છે.
આજની તારીખમાં ભારતના કોર્પોરેટ ક્ષેત્રની જેટલી આવક છે તેના કરતાં તેનું માર્કેટ કેપિટલાઈઝેશન ૩૪ ગણું છે. ભૂતકાળમાં તે ૨૦ ગણું જ રહેતું હતું. ચીનમાં તે આજની તારીખમાં પણ ૧૭.૫ ટકા છે. તેનો અર્થ થાય છે કે કંપનીઓના શેરોની કિંમતને વિદેશી મૂડી નામની હવા ભરીને ફૂલાવવામાં આવી છે. જો વિદેશી મૂડી ભારતમાંથી ચાલી જાય તો શેર બજારના ફુગ્ગામાંથી હવા નીકળી જાય અને તે ફૂટી જાય તેવું પણ બની શકે છે.
અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા ત્રણ ટ્રિલિયન ડોલર છાપીને તેના અર્થતંત્રમાં કૃત્રિમ તેજી આણવામાં આવી છે, પરંતુ તેને કારણે ફુગાવો વધશે અને ડોલરનું મૂલ્ય પણ ઘટશે. જો ડોલરની કિંમત ઘટી જાય તો પણ ભારતના શેર બજારમાં તોફાન આવી શકે છે. શેર બજાર સટ્ટા બજારથી વિશેષ કાંઇ નથી. ભૂતકાળમાં શેર બજારમાં કમાણી કરવા માગતા ઊંધા માથે પછડાયા છે અને ભવિષ્યમાં પણ તેવું બની શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.