મુંબઈ: (Mumbai) સોમવારે (Monday) ઉઘડતા બજારે શેરબજારમાં (Sensex down) કડાકો બોલી જતાં રોકાણકારોએ (Investors) રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. માત્ર 1 મિનીટના ટૂંકા ગાળામાં રોકાણકારોએ 5.53 લાખ કરોડ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દુનિયાભરમાં ઓમિક્રોનની (Omicron) દહેશત અને બીજી બાજુ એફપીઆઈમાં (FPI) સતત વેચવાલીનું દબાણ બજાર પર હોવાના લીધે તે તૂટ્યું હોવાનું જાણકારો કહે છે.
બપોરે 1.15 વાગ્યે સેન્સેક્સ 1744 પોઈન્ટ તૂટી ગયું છે. BSE 55,267 પર જ્યારે નિફ્ટી 530 પોઈન્ટના ઘટાડા સાથે 16454 પર છે. આ અગાઉ બપોરે 12.45 કલાકે સેન્સેક્સ 1613 અંક તૂટ્યું હતું. આ અગાઉ આજે સવારે 11.35 કલાકે સેન્સેક્સ 1435 અંક એટલે કે 2.52 ટકા તૂટી 55,574 અંક પર પહોંચ્યું હતું. સેન્સેક્સની પાછળ નિફ્ટી પણ ડાઉન થયું હતું. નિફ્ટી 438.25 અંક એટલે કે 2.58 ટકાના કડાકા સાથે 16546.70 પર ટ્રેડ થઈ રહ્યું હતું.
આજે સોમવારે બજાર ખુલતાની સાથેજ સેન્સેક્સ (BSE) 1300 પોઈન્ટ તૂટીને 55 હજાર 778 પર આવી ગયો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 430 પોઈન્ટ તૂટીને 16,554 પર આવી ગયો હતો. 60 સેકન્ડમાં માર્કેટ કેપ 5.53 લાખ કરોડ ઘટીને 253.94 લાખ કરોડે આવી ગઈ હતી. શુક્રવારે તે 259.47 લાખ કરોડ હતી. શેરબજાર ઘટવા પાછળનું મુખ્ય કારણ વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા કેસ, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ અને સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજના દરમાં વધારો કરવાની આશંકા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યાં છે. છેલ્લા 4 દિવસમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી 80 હજાર કરોડ રૂપિયા ઉઠાવી લીધા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે અચાનક 0.15થી 0.25% રેટ વધારી બધાને ચોંકાવી દીધા છે.