નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના વિપરિત પરિણામને પગલે ગઈકાલે તા. 4 જૂનને મંગળવારે શેરબજારમાં એક તબક્કે 6000 પોઈન્ટનો ધરખમ ઘટાડો થયો હતો. રોકાણકારોએ એક જ દિવસમાં 32 લાખ કરોડ ગુમાવ્યા હતા. એવું લાગતું હતું કે થોડા દિવસ શેરબજાર તરફ રોકાણકારો નજર પણ નહીં કરે પરંતુ આજે શેરબજારે ફરી એકવાર તેજીનો રંગ બતાવતા રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા છે. 24 કલાકમાં બે અલગ અલગ લાગણીનો અનુભવ રોકાણકારોએ કરી લીધો છે. ગઈકાલે દુ:ખમાં ડૂબેલા રોકાણકારો આજે ખુશી મનાવી રહ્યાં છે.
ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. આજે BSE સેન્સેક્સ 2300 પોઈન્ટ વધીને 74,382.24 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 735.85 પોઈન્ટ વધીને 22,620.35 પર બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. તે 2,126 પોઈન્ટ વધીને 49,054ના સ્તરે બંધ રહ્યો હતો. આ સિવાય મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
આજે BSE સેન્સેક્સના ટોપ 30 શેર લીલા નિશાન પર બંધ થયા હતા. તમામ શેર્સમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. સૌથી વધુ વધારો ઇન્ડસઇન્ડ બેન્કમાં 7.75 ટકા થયો હતો. આ પછી ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકનો શેર 7 ટકા હતો. સૌથી નીચો ઉછાળો L&Tના શેરમાં માત્ર 0.20 ટકા હતો. આજે NSEના 2,771 શેરોમાંથી 74 શેરો વધ્યા હતા, જ્યારે 721 શેરમાં ઘટાડો થયો હતો. 69 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 89 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે હતા. 74 શેરમાં અપર સર્કિટ હતી જ્યારે 267 શેરમાં નીચલી સર્કિટ હતી.
ગઈકાલના ભારે ઘટાડા પછી રોકાણકારોએ આજે રૂ. 13 લાખ કરોડની કમાણી કરી હતી. આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સની સાથે સાથે તેની માર્કેટ કેપ પણ ઝડપથી વધી હતી. ગઈકાલની સરખામણીએ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે રૂ. 13 લાખ કરોડ વધીને રૂ. 407.8 લાખ કરોડ થઈ છે.
અદાણી ગ્રીન એનર્જીનો શેર 11.11 ટકા વધીને રૂ. 1,828 પર પહોંચ્યો છે. અદાણી પોર્ટના શેરમાં 8.45 ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત ટ્રેન્ટમાં 8 ટકા અને આદિત્ય બિરલા ફેશન રિટેલમાં 15 ટકાનો વધારો થયો હતો. વોડાફોન આઈડિયાના શેરમાં 12 ટકા, જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં 10 ટકા, જ્યોતિ લેબ્સના શેરમાં 13.64 ટકા, અમરા રાજા એનર્જીનો 12.48 ટકા, નાલ્કોના શેરમાં 11 ટકા, ચંબલ ફર્ટિલાઇઝરના શેરમાં 11 ટકા અને સેઇલના શેરમાં 10 ટકાનો વધારો થયો છે.