એક અત્યંત શ્રીમંત શેઠ હતા. ભરપૂર સમૃદ્ધિ. શેઠ માતાજીના સાધક હતા. મા દુર્ગાની ભક્તિ કરવા સતત કંઈક ને કંઈક કર્મકાંડ કરવા આતુર રહેતા. એક દિવસ મા દુર્ગાના સિદ્ધ ભક્ત મહાત્મા તેમના ગામમાં આવ્યા. શેઠ તુરંત તેમનાં દર્શન કરવા ગયા અને મહાત્માને પ્રણામ કરી પૂછવા લાગ્યા, ‘મહાત્માજી, કઈ રીતે પૂજા પાઠ કર્મકાંડ કરવાથી, યજ્ઞ કરવાથી, જમણવાર કરવાથી, અનુષ્ઠાન કરવાથી માતાજી પ્રસન્ન થાય તે આપ મને સમજાવો.’ મહાત્માજીએ કહ્યું, ‘કાલે વહેલી સવારે નદી કાંઠે મારી જોડે ચાલવા આવજો.
હું તમને માતાજીને પ્રસન્ન કરવા માટેના એક નહીં પણ અનેક રસ્તા બતાવીશ અને કઈ રીતે કરવા તે પણ સમજાવીશ.’ શેઠ બીજા દિવસે સવારે મહાત્માજી જોડે ટહેલવા નદી કાંઠે પહોંચ્યા, પહોંચતાંની સાથે જ નમન કરી તરત પૂછ્યું, ‘મહાત્માજી, મને જલ્દી કહો, મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ, જે કર્મકાંડ કરવા આપ કહેશો તે હું કરીશ.’મહાત્માજીએ કહ્યું, ‘ચાલો, પહેલાં જરા નદી કાંઠે ટહેલીએ. ઠંડી હવા ખાઈએ અને પ્રકૃતિનો આનંદ માણીએ, પછી ચાલતાં ચાલતાં જ હું તમને આજે જ બેથી ત્રણ કર્મકાંડ અને પૂજા વિધિ સમજાવીશ અને એમાંથી તમને જે અનુકૂળ હોય તે તમે કરજો.
’આમ વાતચીત કરતાં કરતાં શેઠ અને મહાત્માજી નદી કાંઠે ચાલતાં ચાલતાં આગળ વધી રહ્યા હતા ત્યારે એક ભૂખ્યું, અર્ધનગ્ન બાળક મોટા શેઠને જોઈને કંઈક મેળવવાની અપેક્ષાએ તેમની પાસે જઈને ભીખ માંગવા લાગ્યું. શેઠે પહેલાં સાંભળ્યું ન સાંભળ્યું કર્યું, પેલું બાળક દૂર જતું ન હતું. સતત શેઠની પાસે જઈ જઈને ભીખ માંગ માંગ કરતું હતું અને શેઠજી અને મહાત્માજીના વાર્તાલાપમાં ખલેલ પહોંચાડતું હતું. શેઠની સાથે સાથે જ ચાલતું જતું આગળ વધતું જતું હતું. શેઠ પાસે પેલું બાળક માત્ર એક રૂપિયો માંગી રહ્યું હતું.શેઠે આપવાનો વિચાર પણ ન કર્યો પણ સતત તેને હડસેલા મારીને તેઓ હડધૂત કરી રહ્યા હતા. હવે શેઠજી ગુસ્સે થઈ ગયા અને એક જોરથી ધક્કો માર્યો. બાળક પડી ગયું. એ જ ક્ષણે મહાત્માજી અને શેઠજીને મોટા યજ્ઞ કર્યા બાદ બ્રાહ્મણોને જમાડવાથી સાધના સફળ થશે કે નહીં તેની વાત કરી રહ્યા હતા.
શેઠજીના બાળક સાથેના આવા વર્તનથી મહાત્માજી બોલ્યા, ‘શેઠ, આ શું કરો છો? પહેલાં બાળકને પ્રેમથી ઊભું કરો, તેને ભરપેટ જમાડો, પછી જે મેં કહ્યું તે યજ્ઞ કર્મકાંડ જમણવારની સાધના શરૂ કરજો. જો સાધના હશે પણ સંવેદના નહીં હોય તો કોઈ જ કર્મકાંડ ફળવાના નથી તે યાદ રાખજો. સંવેદનશીલ હૃદય આ સમાજને ઉપર લાવે છે અને તેની જ ભક્તિ ઈશ્વર સ્વીકારે છે.’શેઠને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે મહાત્માજીની માફી માંગી અને બાળકને ઊભું કર્યું અને ભોજન કરાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
