સુરત: મહિધરપુરા વિસ્તારમાં આવેલ રામપુરા ચોકીશેરીમાં રહેતા અને શહેરના જાણીતા 85 વર્ષીય સિનિયર એડવોકેટ અબ્દુલ નાનજી મુલતાનીનું આજે બપોરે અમૂલ ડેરીના આઈસર ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું. આ ઘટના કતારગામ બાલાશ્રમ નજીક બની હતી, જ્યાં એડવોકેટ સાયકલ પર પસાર થઈ રહ્યા હતા.
- ટક્કર એટલી જોરદાર હતી કે 85 વર્ષના વકીલ 10થી 15 ફૂટ સુધી ઢસડાયા હતા
પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના સમયે અબ્દુલ નાનજી મુલતાની પોતાની સાયકલ પર બાલાશ્રમ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, અમુલ ડેરીનો એક આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. ટ્રકે સાયકલ સવાર એડવોકેટને જોરદાર ટક્કર મારી, જેના કારણે તેઓ લગભગ 10થી 15 ફૂટ સુધી ઢસડાયા હતા. ટ્રકના ટાયર એડવોકેટ પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે કતારગામ પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના વકીલ આલમમાં શોકનો માહોલ છવાયો છે.
લસકાણાની તરુણીનું તાવમાં સપડાયા બાદ મોત
સુરત: લસકાણા ગામમાં રહેતી શ્રમજીવી પરિવારની તરુણીનું તાવની બીમારીમાં સંપડાતા મોત થયું હતું. મૂળ ઓરિસ્સા ગંજામના વતની અને હાલ લસકાણા ગામમાં આવેલ પાવર હાઉસની સામે એક મકાનમાં રહેતા ભાસ્કરભાઈ સ્વાઈન સંચાખાતામાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે. ભાસ્કરભાઈના બે સંતાનો પૈકી 17 વર્ષીય પુત્રી કૃષ્ણાને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. જેથી કૃષ્ણાની ઘર નજીક આવેલ ખાનગી ક્લિનિક પર દવા ચાલતી હતી. દરમિયાન બુધવારે સવારે કૃષ્ણાની વધુ તબિયત લથડતા તે બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં કૃષ્ણાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.