gandhinagar : કોરોનાના ( corona) રસીકરણના ( vaccination) બીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને ૪૫ વર્ષ સુધીના ગંભીર પ્રકારના રોગોથી પીડાતાં નાગરિકો માટે રસીકરણનો પ્રારંભ સમગ્ર દેશમાં તા. ૧લી માર્ચથી શરૂ થનાર છે. આ માટે ગુજરાતમાં પણ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં કોરોના વોરીયર્સ અને ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને પ્રથમ તબક્કામાં જે રસીકરણ કરવામાં આવ્યું છે તેમાં પ્રતિ ૧૦ લાખના માપદંડમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે, તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) જણાવ્યું હતું.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, બીજા તબક્કાના આ રસીકરણ અભિયાન અંતર્ગત રસી માટે લાયક લાભાર્થીઓ કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવીને પણ રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલો આઇ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના લાભાર્થીને ડોક્ટરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ આગામી તા. ૧ લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧-૦૧-૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧-૦૧-૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર તમામ સરકારી દવાખાના, PMJAY/MA yojana તથા CGHS અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૦૦ વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત લાભાર્થી પાસેથી વસુલવામાં આવશે. આ માટે આવકની કોઇ મર્યાદા રહેશે નહીં.
આ બીજા તબક્કાના રસીકરણ અભિયાન માટે અંદાજીત ૫૦૦ જેટલા સરકારી+ખાનગી સેન્ટરોમાં ક્રમશ વધારો કરવામાં આવશે. તે અંગેનું પ્રમાણપત્ર જે-તે રસીકરણના સ્થળેથી આપવામાં આવશે. તમામ લાભાર્થીને બીજા ડોઝની જાણ સીસ્ટમ દ્વારા કરવામાં આવશે.
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજ દિન સુધી ૪.૮૨ લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ ૪.૦૭ લાખ (૮૪%)થી વધુ અને ૫.૪૧ લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૪.૧૪ લાખ (૭૭%) થી વધુને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧.૬૪ લાખ લોકોને બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી ૧.૨૩ લાખ (૭૬%) ને બીજો ડોઝ આપી દેવાયો છે.