Madhya Gujarat

વિદ્યાનગરમાં રાજ્યકક્ષાનો નેક ફોર યુનિવર્સિટી પર સેમિનાર યોજાયો

આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટી અને ગુજરાત રાજ્યના ગરીમા સેલના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો નેક ફોર યુનિવર્સીટી ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં કુલ ચાર ટેકનિકલ સેશન્સ યોજવામાં આવ્યા હતા. આ સેશનમાં નેકના સાત માપદંડો, નેકની ગ્રેડિંગને લગતી વિવિધ બાબતો, એસએસઆરના સાત ક્રાઈટેરિયા વગેરે વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ગરીમા સેલ (ગુજરાત એક્રિડિટેશન એન્ડ રેન્કિંગ ઇન્સ્ટિટ્યૂશનલ મિકેનિઝમ એન્ડ એરેન્જમેન્ટ) તથા સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યની વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ આઇ.ક્યુ.એ.સી . કો-ઓર્ડિનેટર્સ તથા કુલસચિવઓ માટે રાજ્યકક્ષાનો નેક ફોર યુનિવર્સીટીસ ઉપર દ્વિદિવસીય સેમિનાર-કમ-વર્કશોપ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યની કુલ 14 યુનિવર્સિટીઓના 75થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ સમારંભમાં બીજરૂપ વક્તવ્ય નેક બેંગ્લોરના સલાહકાર ડો. દેવેન્દ્ર કાવડે સાહેબે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની ગુણવત્તાના વિવિધ માપદંડોની વિસ્તૃત અને રસપ્રદ ચર્ચા કરી હતી. આ ઉદઘાટન બેઠક બાદ પ્રસ્તુત સેમીનારમાં કુલ ચાર ટેકનિકલ સેશન્સ યોજવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ સેશનમાં, સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના કુલપતિ પ્રો. રમાશંકર દુબે દ્વારા નેકના સાત માપદંડોથી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા પ્રત્યેક માપદંડોના સંદર્ભે તૈયાર કરવાના દસ્તાવેજો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત નેકની ગ્રેડિંગને લગતી વિવિધ બાબતોની વિવિધ સમિતિઓ વિશે પણ માહિતી આપી હતી . પ્રથમ દિવસના બીજા સેશનમાં નેકના આસિસ્ટન્ટ એડવાઈઝર ડો. શ્યામસિંહ દ્વારા આઈઆઈક્યુએ વિશે વિગતવાર છણાવટ કરવામાં આવી હતી. નેકના પોર્ટલ પર આઈઆઈક્યુએ  ભરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે સ્પષ્ટતા યુક્ત ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારના દ્વિતીય દિવસે ચંદીગઢ યુનિવર્સિટી, મોહાલીના ડો સંજીત સિંગ દ્વારા ઓનલાઈન માધ્યમથી સેલ્ફ સ્ટડી રિપોર્ટ તૈયાર કરતી વખતે એસએસઆર ના સાત ક્રાઈટેરિયાના વિવિધ મેટ્રિક્સમાં વિગતો ભરતી વખતે ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો વિશે સહભાગીઓને અવગત કર્યા હતા. ચોથા સેશનમાં ડો. શ્યામસિંહ દ્વારા એસેસમેન્ટ અને એક્રિડિટેશનની પ્રક્રિયા દરમિયાન હાથ ધરવામાં આવતી સ્ટુડન્ટ સેટીસ્ફેક્સન સર્વે, ડીવીવી અને પિયર ટીમ વિઝીટ જેવી પ્રક્રિયાઓની અને તે દરમિયાન યુનિવર્સિટી, કોલેજોને થતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ સેમિનારના સમાપન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણી એક્રિડિટેશન પ્રક્રિયામાં આવતા પડકારોને પહોંચી વળવા પ્રેરણા પૂરી પાડી હતી અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો) નિરંજનભાઇ પટેલે નેક્ એક્રિડિટેશનની દિશામાં યુનિવર્સિટીના પ્રયાસોનો ચિતાર રજૂ કરી સૌ સહભાગીઓએ નેક એક્રિડિટેશન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સેમિનાર દરમિયાન યોજાયેલ ચર્ચા તથા વક્તવ્યની ગુણવત્તા સંદર્ભે સર્વે સહભાગીઓએ સંતોષ વ્યક્ત કરી હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. આ સેમિનાર દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ ગુણવત્તા સભર બની નેક એક્રિડિટેશન માટે સજ્જ થાય તે હેતુસર ગરીમા સેલ તથા યુનિવર્સિટીઓ વચ્ચે અર્થપૂર્ણ સેતુ બંધાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સેમિનારની સફળતા માટે કુલપતિ નિરંજન પટેલ, કુલસચિવ ભાઇલાલભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top