તા. 13 જાન્યુ.ના અંકમાં છપાયેલા ‘‘હિન્દુઓનું રક્ષણ કરવા તંત્ર કડક બને’’ શીર્ષક હેઠળ છપાયેલા ચર્ચાપત્રમાં વર્ણવેલી હકીકતો વાસ્તવિક નથી. હકીકતમાં ગુજરાતમાં અશાંત ધારાનો કડક અમલ ચાલુ જ છે. હિન્દુ મિલ્કત વેચનાર પાસેથી યેન કેન પ્રકારે મિલ્કત પડાવી લેવી વિધર્મી માટે શક્ય છે ખરું ? આ કાંઈ પોપાબાઈની સરકાર નથી, ડબલ એન્જીનવાળી સરકાર છે. મિલ્કત વેચવા મિલ્કત માલિકે નિર્ધારિત અભિમન્યુના કોઠામાંથી પસાર થવા જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હિન્દુ મિલ્કતમાલિક જ વિધર્મીને કોઈ પણ સંજોગોમાં મિલ્કત વેચવાનો ઈન્કાર કરે તો કઈ રીતે વિધર્મી મિલ્કત ખરીદ કરે? અશાંત ધારાની જોગવાઈ છતાં જો હિન્દુ વિધર્મીને મિલ્કત વેચે તો હિન્દુને જ કડકમાં કડક સજાની જોગવાઈ કરવી જોઈએ. મિલ્કત વેચાયા પછી વિધર્મી પાસેથી મિલ્કત સીઝ કરવાનો વિચાર તો કરે કલ્લુ અને ભરે લલ્લુ જેવા છે.
હિન્દુની મિલ્કત હિન્દુ નહિ ખરીદ કરતા હોય તો લોકોએ ટ્રસ્ટ બનાવી આવી મિલ્કતો ખરીદી લેવી જોઈએ. ગૌ શાળાને કરોડોનું દાન આપતી સરકારે આવી મિલ્કતો ખરીદ કરવા પૂરતા બજેટની જોગવાઈ કરવી જોઈએ. આવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મિલ્કત ખરીદ કરવા પૂરતા બજેટની જોગવાઈ કરવી જોઈએ. આવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મિલ્કત માલિકોએ અશાંત ધારાનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કોઈ કારણસર મિલ્કત વેચી અન્યત્ર જવા માંગતા હિન્દુઓએ મિલ્કતને તાળું મારી રાખી મૂકવી જોઈએ. જે ત્યાં સુધી કે ભલે પ્રલય આવે, દુનિયા નાશ પામે : મિલ્કત વેચવા કોઈ મજબૂર કરી શકે નહિ. બાકી પેલી કે આ સરકારો બહુમતી વોટથી જ ચુંટાતી હોય છે. વિધર્મીઓ સરકાર એકલા હાથે ચુંટી શકતા નથી.
સુરત – અશોકકુમાર મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેવા અને વ્યાજના ચક્કરમાં વધી રહેલા આપઘાતો
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં દેવાના બોજના કારણે 512 વ્યકિતએ આત્મહત્યા કરી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વ્યાજનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. વિના લાયસન્સ ઊંચા વ્યાજે નાણાં આપીને લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરતા વ્યાજખોરોના ત્રાસથી ગુજરાતમાં ઘણાએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આગામી એકસો દિવસમાં ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની જાહેરાત કરાઇ છે. સાથે સાથે વ્યાજખોરો સામે દાખલો બેસે તેવી સજાની જોગવાઇ સાથેનો કડક કાયદો પણ બનાવી તેને અમલી બનાવવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.