Columns

સ્વાર્થીવૃત્તિ મનુષ્યના સ્વભાવમાં છે

નાનામોટા લાભ માટે મોટે ભાગે લોકો પોતાનું હિત સચવાય તેવું જ કરતા હોય છે. એ હિત સાચવવામાં અન્યનું અહિત થતું હોય તો તેના તરફ તો ધ્યાન આપતા જ નથી. એમાં જો પોતાનું હિત પાર પડયું તો મોટું કામ પૂરું થયું એમ સ્વીકારીને ચાલે છે. કરેલા કામથી પોતાને થોડો લાભ થયો હોય પણ તે કામથી બીજાને ગેરલાભ થયો હોય તે પણ તે જોઇ શકે છે. અન્યને થયેલા ગેરલાભ તેના ધ્યાનમાં તો આવે જ નહીં. આ થઇ સ્વાર્થીવૃત્તિ – મનુષ્યના સ્વભાવમાં  છે કે, પોતાનો સ્વાર્થ કે વળી પોતાનું હિત સચવાઇ ગયું એટલે તે ચિંતામુકત થઇ જાય છે.

ઋષિઓએ જીવન માર્ગ તો એ બતાવ્યો છે કે, આપણા કામથી આપણને તો લાભ થાય જ પરંતુ બીજાને ગેરલાભ કે નુકસાન ન થવું જોઇએ. જેઓ બીજાનું પણ વિચારે છે તેઓ હંમેશાં પોતાના કામની શરૂઆત પહેલાં જ મારા આ કામથી સમાજના બીજા કોઇને હાનિ થશે નહીં ને? એ વિચારીને જ તે કામની શરૂઆત કરે છે. આ બધું તો માણસ રોજિંદા જીવનમાં જ સમજી લે છે. ખરાબ કામ કરનારને પણ કામ કરતા પહેલાં મનમાં તો થાય જ છે કે, આ કામ પાર પડે તો મને લાભ થશે પરંતુ સમાજને તે હાનિકર્તા છે.

આ વિચાર તેને આવે તો છે જ પરંતુ સ્વાર્થવશ તેનો ત્યાગ થઇ શકતો નથી. સમાજવિરોધી કામ કરનારા આપણી આસપાસમાં જ રહેતા પણ હોય છે. પરંતુ આ ખરાબ કામથી મને તો આટલો લાભ થવાનો છે એ જ વિચારમાં કાર્ય અને અકાર્યનો વિવેક જળવાતો નથી. કેટલીક વખત એવું પણ બને છે કે, સમાજને અહિત કરે તેવું કામ થઇ પણ જાય છે પરંતુ જયારે ખરાબ કામ કરનારના મનમાં તેનો વિચાર આવે તથા પોતાના દેખતાં જ પોતાના કામથી સેંકડોને દુ:ખ ભોગવતા જુએ છે ત્યારે તેનો અંતર આત્મા નકકી કરે છે કે, આવું ખરાબ કામ હવે બીજી વખત ન કરીશ.

એક સુભાષિતમાં ઋષિ પોતાનો વિચાર વ્યકત કરે છે કે, જાણતા કે અજાણતા મનુષ્યને જે કંઇ ખરાબ કામ કર્યું હોય તેના પાપથી છૂટવું હોય તો ફરીથી એવું કામ ન કરવું તેનો નિશ્ચય કરવો જોઇએ. યુદ્ધમાં આવાં ખરાબ કામો રોજ રોજ કરાતાં હોય છે પરંતુ જેતે સૈનિકના મનમાં મેં દુષ્ટ કાર્ય કર્યું તેવો અફસોસ થતો જ હોય છે. યુદ્ધમાં હીરોશીમા અને નાગાસાકી નગરો પર બોંબ ફેંકનારના મનમાં અજંપાનાં વર્ણનો પરિણામ પછી આવતાં હતાં. ઇશ્વરે પ્રત્યેક મનુષ્યમાં વિવેકશકિત તો મુકેલી જ છે. સ્વાર્થવશ તેની ઉપેક્ષા કરાતી હોય છે પરંતુ પરિણામની જાણ થયા પછીથી જેના દ્વારા ખરાબ કામ થયું તેને મન દુ:ખ થયા જ કરે છે. પ્રત્યેક મનુષ્યને તેણે જે કર્યું છે તેનાથી સમાજને લાભ થશે કે ગેરલાભ તેની સમજ આપી જ છે અને જયારે ખરાબ કામના પરિણામની તેને ખબર પડે ત્યારે તે મનથી દુ:ખી દુ:ખી થઇ જાય છે. આવા કામને હું ફરી ન કરીશ એ સંકલ્પ જ તેને શાંતિ આપી શકે છે.

Most Popular

To Top