બારડોલી: (Bardoli) બારડોલીના સરદાર પટેલ ટાઉન હૉલ ખાતે ચૂંટણી કાર્યમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આદર્શ મતદાન મથકનું નિદર્શન યોજાયું હતું. આદર્શ મતદાન (Voting) મથકમાં કેવી કેવી સુવિધાઓ હોવી જોઈએ તે અંગે ચૂંટણી સાથે જોડાયેલા કર્મચારી વાકેફ થાય તે માટે આ નિદર્શન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેલ્ફી પોઈન્ટની (Selfie point) પણ સુવિધા ઉપલબ્ધ હોય તો અહી લોકો મતદાન કર્યા પછી ‘મેં મતદાન કર્યું, તમે પણ કરશો’ એવી ફ્રેમ સાથે ફોટો પાડી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. મતદાન કેન્દ્રની અંદરની તરફ પણ ચોક્કસ અંતરે અધિકારીઓએ અને પોલિંગ કર્મચારીઓ દ્વારા પોલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું દેખાડવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મોટાપાયે તૈયારીઓનો દોર શરૂ થયો છે. બારડોલી નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર વી.એન. રબારીની દેખરેખ હેઠળ બુધવારના રોજ સરદાર ટાઉન હૉલ ખાતે ચૂંટણી કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન કેન્દ્ર પર કઈ રીતે કામગીરી કરવી તે અંગેની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી નિરીક્ષકની હાજરીમાં આદર્શ મતદાન કેન્દ્રનું પણ નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં આદર્શ મતદાન કેન્દ્ર કેવું હોવું જોઈએ અને કઈ કઈ સુવિધાઑ હોવી જોઈએ તે વિષે જાણકારી આપવામાં આવી હતી. આ આદર્શ મતદાનકેન્દ્રમાં કોરોના ગાઈડલાઇન સાથે બહારની બાજુ આરોગ્યની ટીમ દ્વારા દરેક મતદારોના ટેમ્પરેચરની તપાસ, સેનેટાઇઝરની સુવિધા તેમજ હેન્ડગ્લ્વોઝનું વિતરણ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે.
બારડોલીમાં ચૂંટણીમાં ભાગ લેનાર કર્મચારીઓએ ટપાલ મતપત્રથી મતદાન કર્યુ
બારડોલી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ચૂંટણી કાર્યમાં ફરજ બજાવનાર બારડોલી નગરપાલિકા વિસ્તારના કર્મચારીઓ મત આપી શકે એ માટે સરદાર પટેલ ટાઉન હૉલ ખાતે ટપાલ મતપત્ર મતદાન સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં જીઆરડી જવાનથી લઈ પોલીસ કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓએ ટપાલ મતપત્રથી મતદાન કર્યું હતું.
આગામી 28 મી ફેબ્રુઆરીના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે તંત્ર દ્વારા તડામાર કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર સ્થાનિક કર્મચારીઓ ફરજ બજાવશે ત્યારે આ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે બુધવારના રોજ બારડોલીના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે પોસ્ટલ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારે સરકારી, અર્ધ સરકારી અને ચૂંટણી ફરજ પર રહેનાર 156 જેટલા મતદારો નોંધાયા હતા. જે પૈકી કુલ 102 કર્મચારીઓએ મતદાન કરતાં કુલ 65.38 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. મતદાન કેન્દ્ર પર એક મતપેટી મૂકવામાં આવી હતી. જેમાં કર્મચારીઓએ ટપાલ મત પત્રમાં પોતાનો મત આપી તેને સીલબંધ કવર સાથે મતપેટીમાં નાંખી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોરોનાને કારણે મતદાનકેન્દ્ર પર આવનાર તમામ મતદારોને સૌપ્રથમ થર્મલ સ્ક્રિનિંગથી તાપમાન માપવામાં આવ્યું હતું ત્યારબાદ સેનેટાઇઝરથી હાથ સાફ કરી ગ્લોવ્ઝ પણ આપવામાં આવ્યા હતા. ગ્લોવ્ઝ પહેરીને જ મતદારોએ મતદાન કર્યું હતું.