અડધી સદી પૂર્વે એક બહુચર્ચિત હિન્દી ફિલ્મ ‘‘શોલે’’આવી ગઈ ત્યારે તેના સર્જકો રમેશ સિપ્પી અને લેખક સલીમ-જાવેદ ઉચ્ચતમ સ્થાને પહોંચી ગયા હતા, પણ તે પછી કેટલીક ચોંકાવનારી બાબતો પ્રગટ થઈ, જે સર્જકો માટે ઘાતક હકીકત બની ગઈ. પરાવલંબી રીતે થતું અને સ્વાવલંબી રીતે થતા સર્જનમાં મૂલ્યાંકનમાં કડવી સચ્ચાઈ છતી થઈ જાય છે. ઊઠાંતરી સરળ માર્ગ ભલે લાગે, પણ જ્યારે પોલ ખુલી જાય ત્યારે શરમાવાનો વારો આવે છે, કોઈ સંપત્તિવાનને ત્યાં ચોરીનો માલ ઝડપાય ત્યારે પ્રતિષ્ઠા ઝૂંટવાય. ‘‘શોલે’’ફિલ્મની કથા, પટકથા અને મોટા ભાગનાં દૃશ્યો અન્ય સર્જનથી પ્રેરિત હોવાની બાબત સિધ્ધ થઈ છે. પ્રેરિત થવું અને નકલ કે ઊઠાંતરી કરવી આદરભાવ ઘટાડી દે છે.
હિન્દી ફિલ્મ ‘‘મેરા ગાંવ, મેરા દેશ’’ની કથા, પાત્ર વરણી અને હોલીવુડની ફિલ્મોનાં દૃશ્યો, સંવાદોની નકલ આખરે તો સર્જનનું મૂલ્ય ઘટાડે છે, ભલેને ધૂમ પ્રચાર, કાવાદાવાથી, ખુશામતખોરોની સહાયથી અમુક સમયગાળામાં ભારે પ્રશંસા અને આર્થિક લાભ મેળવી લેવાય, પણ ‘‘ઉધારકા સિંદુર’’જેવી હકીકત લાંબા ગાળે છતી થઈ જ જાય છે. આની સામે એજ દિગ્દર્શક જ્યારે સ્વાવલંબનથી સર્જન કરે છે અને ‘‘શક્તિ’’ફિલ્મ બનાવે છે ત્યારે તેમની સાચી શક્તિ પ્રદર્શિત થાય છે, સદાકાલીન ઉચ્ચ મૂલ્ય પ્રાપ્ત કરે છે. આજ તો પરાવલંબી અને સ્વાવલંબી સર્જનનો તફાવત. એક ઉદાહરણ મૌલિક કલા સાથેના સર્જક સત્યજીત રેનું. એમની ફિલ્મો વિશ્વના દેશોમાં પ્રભાવ પાડી ઉચ્ચકક્ષાનો સ્વીકાર દર્શાવી શકી. ઉચ્ચકક્ષાના ફિલ્મ સર્જકો પાસે અપેક્ષા પણ ઉચ્ચકક્ષાની જ રખાય.
સુરત – યૂસુફ એમ.ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રંગોળી જીવનની
મનુષ્યના જીવનરૂપી રંગોળી પણ કેવી અદ્ભૂત છે! ક્યારેક પ્રેમસ્વરૂપ ગુલાબી રંગથી તે શોભી ઉઠે છે ; તો ક્યારેક શાંતિરૂપી શ્વેત રંગથી છવાઈ જાય છે; સેવારૂપી પીળા રંગથી ક્યારેક તે ઝળહળી ઉઠે છે; તો ક્યારેક વેદનાનો લાલચટ્ટક રંગ ડરાવી જાય છે. ક્યારેક વળી દુઃખરૂપી કાળો રંગ વર્ચસ્વ જમાવે છે. જોવાની ખૂબી એ છે કે આ રંગો બદલાતાં રહે છે અને મઝા તેની જ છે. મેઘધનુષ્યમાં એક જ રંગ હોય, તો શું એ દર્શનીય બની શકે? નહિ ને? એટલે જ મનુષ્યે જીવનરૂપી રંગોળીને શણગારવા જે રંગ પ્રાપ્ત થાય, તેને આવકારી જીવનને રંગીન બનાવવું જ રહ્યું, ખરું ને?
સુરત – દિપ્તી ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.