વડોદરા’: વડોદરાના દંતેશ્વર ખાતે રૂ. 100 કરોડની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ વ્હાઇટ હાઉસને અંતે જમીન દોસ્ત કરી દેવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમ બુધવારના રોજ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વ્હાઇટ હાઉસને તોડી પાડશે. લાંબા સમયથી ચાલી રહેલ વિવાદનો બુધવારે અંત આવશે. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં સર્વે નંબર 541 ફાઇનલ પ્લોટે 879 તથા 881વાળી જમીન ઉપર સંજયસિંહ પરમાર નામના વ્યક્તિએ સરકારી 100 કરોડની જમીન ઉપર વ્હાઇટ હાઉસ ઉભું કરી દીધું હતું અને બાજુની જ જમીન ઉપર કાનન 1 અને કાનન 2 નામની સ્કીમો ઉભી કરી દેવામાં આવી હતી.
સ્કીમો મુખ્ય બાદ ગેરકાયદેસર રીતે બાંધકામ પણ શરુ કરી દેવામાં આવ્યું હતું અને 27 જેટલા ગ્રાહકોના દસ્તાવેજો પણ કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ મામલે સરકારી કર્મચારી કે અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામની છેલ્લા નવ વર્ષથી તલાટીને ખબર હોવાની માહિતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આ જમીનમાં તલાટીએ લેન્ડ રેકર્ડમાં વર્ષ 2012-13 માં ગેરકાયદે બાંધકામ અંગે એન્ટ્રી પાડી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સરકારી કર્મચારી એવા તલાટીએ લેન્ડ રેકર્ડમાં બી.5.બાંધકામ (સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ) તેવી સ્પષ્ટ એન્ટ્રી પાડી હતી. આ મામલે નવ વર્ષથી કલેકટર કચેરી ના તંત્રને ગેરકાયદે બાંધકામ ની જાણ હોવા છતાં પગલાં ભર્યા ન હતા. આ અંગેની ઝીણવટભરી તપાસ બાદ આ વ્હાઇટ હાઉસને તોડી પાડવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ અંગે મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલ દબાણ તોડી પાડવાનો નિર્ણય કરયો છે અને બુધવારે કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારી દ્વારા આ ઝુંબેશ હાથ ધરાશે. વ્હાઇટ હાઉસ તોડી પાડવા માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાશે. આ અગાઉ મુખ્ય આરોપી સંજયસિંહ પરમાર તથા જે 27 લોકોના દસ્તાવેજ કરાયા હતા તેઓને સ્વૈચ્છીક રીતે દબાણો તોડી પાડવા નોટિસ ફટકારાઇ હતી પરંતુ તેમ નહિ થતા અંતે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને સરકારી જમીન ઉપર ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવશે.
આવી રીતે બહાર આવ્યું કૌભાંડ
આ સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય આરોપી સંજયસિંહ પરમારે શાંતાબેન રાઠોડ સાથે ઇન્ડિયન ઓવર્સીસ બેંક મકરપુરા શાખામાં બેંક ફર્જી બેંક ખાતું ખોલાવ્યું હતું. જેથી પોલીસે બેંક મેનેજરને રેકર્ડ સાથે બોલાવી ચેક કરતા બેંક ખાતાના ફાર્મમાં શાંતાબેનની અંગ્રેજીમાં સહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ શાંતાબેન રાઠોડ નિરક્ષર હોવાથી અને અંગૂઠો કરતા હોવાથી આ સહી ખોટી હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આ મામલે મેનેજરની પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યું હતું. અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું.