Business

સ્વયંની આંતર ખોજ

સ્વયંની આંતરખોજ એ અનુભૂતિનો વિષય છે. એને પ્રગટ થવાની તાલાવેલી છે. એ જગતના કોલાહલ વચ્ચે નહીં, કોઇ નિરવ શાંતિમાં પ્રગટ થશે. એ શબ્દો કે શિખામણોથી ઓળખી ન શકાય. એને માટે સ્વપ્રયત્નની જરૂર છે. ‘હું’ એ એક એવો મોટો પથરો છે જેનો ભાર ભયંકર હોય છે. જો બાજુએ ‘હું’ને મૂકીએ તે બાજુએ ધીમે ધીમે બધું ઢળી પડે છે. જો બચવું હોય તો એને એકદમ પાણીમાં ફેંકી દો. અહમમાં આવતા ‘હું’ને ઓગાળવા માટે આપણે એ વાતને એક નાનકડા દૃષ્ટાંતથી સમજીએ…

એક સાધુ પોતાના મિત્ર સાધુને મળવા મધરાતે ગયો. બંધ બારીમાંથી પ્રકાશ આવતો હતો. તેથી તેણે બારણું ખટખટાવ્યું. પણ અંદરથી સવાલ આવ્યો. ‘કોણ છે?’ ‘હું’ છું. એવો જવાબ આપ્યો. પણ બારણું ન ખૂલ્યું. વળી તેણે વારંવાર બારણું ખટખટાવ્યું. પણ અંદરથી કોઇએ જવાબ ન આપ્યો. તેણે મોટેથી કહ્યું, મારા માટે બારણું કેમ ખોલતા નથી? હં તો તારો મિત્ર છું. ચૂપ કેમ થઇ ગયો? અંદરથી ધીરગંભીર અવાજ આવ્યો. હે અજ્ઞાની, નાસમજ! તું તારી જાતને વારંવાર ‘હું-હું કેમ કહે છે? હું કહેવાનો અધિકાર પરમ કૃપાળુ પરમેશ્વર સિવાય કોઇને નથી. સાંભળ, પ્રભુના દ્વારા ‘હું’નું તાળુ લટકે છે, જે આ તાળાને તોડે તેને માટે જ પ્રભુના દ્વાર- અંતરના દ્વાર સદાને માટે ખુલ્લા રહે છે.

બહારની દુનિયા વિશે માનવી કેટલા સભાન છે! માનવી જીવનભર એક સ્વપ્નમાં જીવે છે. એની પાસે બાહ્ય જગતને નિરખવા માટે આંખ છે, સ્વાદ ચાખવા માટે જીભ છે. સૂંઘવા માટે નાક છે અને સાંભળવા માટે કાન છે, પરંતુ બહારની દુનિયામાં દોડતા માનવીને એના અંતરની દુનિયાનો ખ્યાલ નથી આવતો. એની નજર સામે આવતી કાલનું સુખ છે. એનું નિશાન સત્તા, સંપત્તિ કે સિધ્ધિઓ પર મંડાયેલું હોય છે અને મૃગજળની માફક એની આંધળી દોટ હોય છે. અહમમાં એટલો ડૂબેલો હોય છે કે પોતાની સ્થૂળ નજરે દેખાતા લાભોને જ સાચો માને છે. વ્યક્તિને અને સમષ્ટિ વચ્ચે અહમની એવી દીવાલ રચાય છે કે જેની નીચે માનવી ખુદ દટાય જાય છે. આ અહમમાંથી જ સ્વયંની આંતરખોજ જાગે છે.

પોતાની જાતને છેતરવા માટે વ્યક્તિ એની આસપાસ બનાવટના કિલ્લા રચે છે. કોઇ સંપત્તિને જ સર્વસ્વ માને છે, કોઇ સત્તાને જ અંતિમ લેખે છે અને પરિણામે માનવી સ્વયં પોતાની જાતને ભ્રમમાં રાખીને ખામીઓ તરફ આંખ મીંચામણા કરે છે. અહમનો અંત આવે પછી જ સ્વયંની આંતરખોજની શરૂઆત થઇ શકે! અનું કારણ એ છે કે બહાર જોવું સરળ છે અંદર જોવું અઘરું છે. આંતરખોજ માટે તો ત્રીજું નેત્ર અર્થાત દિવ્ય દષ્ટિ જોઇએ. અહમને કચડી નાંખવાની જરૂર નથી, ભીંસી નાંખવાની જરૂર નથી. જો ચોકીદાર જાગ્રત હોય તો અહમનો ચોર કેવી રીતે આવી શકે? કેવી રીતે પ્રવેશી શકે? એક ચિંતકે દૃષ્ટાંત આપતા ઘણું સરસ સમજાવ્યું ે કે, ઓરડામાં  સાપ હોયતમે સાપની એક-એક હિલચાલ પર કેવી બારીક નજર રાખો છો? એ જરાક સળવળાટ કરે ને આપણે કેવા સાવધ થઇ જઇએ છીએ. એવી જ સાવધાની જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર, રાગ-દ્વેષ, નિંદા- સ્તુતિ, જય-પરાજય રૂપી ચોરો ન પ્રવેશી જાય તેની સતત જાગૃતિ રાખવી જોઇએ.

આમ આંતરખોજથી અહમનું વિસર્જન થતાં મનની સાચી શાંતિનો અનુભવ થશે. મનની સાચી શાંતિ, શાંતિના સાગર પરમપિતા પરમાત્મા ‘શિવ’ની શકિતનો અનુભવ કરાવશે અને પરમાત્માનો દિવ્યગુણો આપણી અંદર ઉતરી રહ્યા છે એવો પણ અનુભવ થશે. આવી આંતરખોજ આપણે સતત ચાલુ રાખીએ. અજ્ઞાન- અંધકાર પલાયન થતો દેખાશે. જ્ઞાનસૂર્યનો પ્રકાશ આપણામાં ફેલાતો દેખાશે. એટલે માત્ર આનંદ અને ફકત આનંદ જ જીવનમાં રહેશે બીજું કશું જ નહીં રહે. ચાલો, આપણે એવો આનંદ સ્વયંમાં પ્રાપ્ત કરીએ અને સર્વમાં આવી આંતરખોજ દ્વારા આનંદ જ આનંદ રહે એવી શુભભાવના સાથે સાચી સેવા કરીએ.

Most Popular

To Top