GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી જિલ્લા- તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈને ચાર દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા સાથે ઉમેદવારોની યાદી તૈયાર કરાશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે તારીખ ૭ ફેબ્રુઆરીથી ચાર દિવસ માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે. મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈ જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. તેજ નિયમો તાલુકા- જિલ્લા પંચાયતની ઉમેદવારોની પસંદગીમાં લાગુ કરવામાં આવશે.
ભાજપ દ્વારા પસંદગીના નિયમો કડક બનાવવામાં આવતા મનપાની ચૂંટણીમાં ભાજપમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ તો સિનિયર આગેવાનો એ ભાજપમાંથી રાજીનામા આપી અન્ય પાર્ટીઓના ખેસ ધારણ કરી લીધા છે. તો કેટલીક જગ્યાએ વિરોધ સાથે ભાજપના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ તમામ બાબતોને જોતાં તાલુકા -જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી પણ એટલી સહેલી નહીં બની રહે, તે સ્પષ્ટ જણાય છે.
ચૂંટણી (local election polls) ના ઉમેદવારોના નામ જાહેર થતા જ કોંગ્રેસની સાથે ભાજપ (BJP) માં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપે પોતે જ બનાવેલા નિયમોને નેવે મૂકીને ઉમેદવારોને ટિકિટ આપી છે. ત્યારે ભાજપમાં અંદરોઅંદર ભારે અસંતોષ પેદા થયો છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવવાના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ (amit shah) ની અમદાવાદમાં સૂચક હાજરી જોવા મળવાની છે. તેઓ સોમવારે લોકસભાના કામો માટે વહીવટી તંત્ર સાથે બેઠક કરશે.
આજે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ (ahmedabad) આવશે. તેઓ પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી શકે છે. તો આવતી કાલથી ભાજપની જિલ્લા તાલુકા પંચાયત માટે ઉમેદવારની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થવાની છે. જેમાં તેઓ હાજરી આપી શકે છે. હાલ ભાજપમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમિત શાહની અચાનકની આ મુલાકાત અંગે ઘણુ બધુ ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ કેટલાક પ્રસંગોએ ગુજરાત આવતા હોય છે. ત્યારે ચૂંટણી સમયે તેમનું ગુજરાતમાં આગમન અનેક બાબતો પર સૂચવે છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપમાં હાલ ચૂંટણીને લઈને નારાજગીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે અમિત શાહની હાજરી ઉમેદવારો તથા કાર્યકરોને નવુ બળ પૂરુ પાડી શકે છે.