સુરત: યુવાનો સોશિયલ મીડિયામાં (Social Media) ફેમસ થવા માટે ઘણી વખત હદ વટાવી દે છે. સુરતમાં (Surat) આવો જ એક કિસ્સો બન્યો છે. અહીંના કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં એક યુવાન બ્રિજની (Bridge) પાળી પર ચઢી ગયો હતો અને જોખમી સ્ટંટ (Stunt) કર્યો હતો. બ્રિજની પાળી પર ચાલતા યુવાનને જોઈ લોકો ચોંકી ગયા હતા અને તેને જોવા થંભી ગયા હતા, જેના પગલે કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. યુવકના આ સ્ટંટનો વીડિયો વાયરલ (Viral Video) થતાં કાપોદ્રા પોલીસે (Police Inquiry) તપાસ હાથ ધરી છે.
આજે સવારે સુરતના વરાછા, કાપોદ્રા વિસ્તારમાં રહેતા લોકો નોકરી ધંધા અર્થે જઈ રહ્યાં હતાં ત્યારે કાપોદ્રા બ્રિજ પરનું દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતા. એક યુવક કાપોદ્રા બ્રિજની પાતળી પાળી પર ચાલી રહ્યો હતો. પહેલી નજરે યુવક કોઈ અપ્રિય ઘટનાને અંજામ આપવા જઈ રહ્યો હોવાનું લાગતા લોકો ગભરાયા હતા, પરંતુ બાદમાં એ ખ્યાલ આવ્યો કે યુવક પાળી પર ચાલવાનો જોખમી સ્ટંટ કરી રહ્યો છે.
યુવકનો સ્ટંટ જોવા માટે રાહદારીઓ અને વાહનચાલકો અટકી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનચાલકો અને રાહદારીઓએ સ્ટંટ કરનાર યુવકનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વીડિયો વાયરલ થતા કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી. યુવકને શોધવાની કામગીરી શરૂ કરી હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વીડિયો આવ્યો છે. પોલીસની ટુકડી ઘટના સ્થળે તપાસ કરવા ગઈ હતી. નજીકના કોલેજના પ્રિન્સિપાલને પણ વીડિયો મોકલાયો છે. કોલેજનો સ્ટુડન્ટ છે કે અન્ય કોઈ યુવક તેની તપાસ કરવામાં આવી રહી છે.