સાપુતારા : ડાંગમાં ભેંસકાતરી રેંજની ટીમે એક્સુવીમાંથી ગેરકાયદે લઈ જવાતો લાકડાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગની ટીમને જોઇ વિરપ્પનો જંગલમાં ઉંડી ખીણમાં કૂદી ભાગી છૂટ્યા હતા. ગાડીમાં લાકડાનો જથ્થો સહીત પાયલોટીંગ કરતી બે બાઇકને ડીટેન કરી ટીમે કુલ 4.88 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ડાંગ જિલ્લાનાં ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ. દિનેશભાઈ એન રબારીને મળેલી બાતમીનાં આધારે ભેંસકાતરી રેંજનાં આર. એફ.ઓ સમીર એસ. કોંકણી તેમજ બરડીપાડા રેંજનાં આર. એફ.ઓ દીપક હળપતી ધ્વારા રાત્રિ દમ્યાન વોચ ગોઠવી હતી. જેમાં ભેંસકાતરીનાં રાઉન્ડ ફોરેસ્ટર જે.એ.પવાર તથા બરડીપાડાનાં રાઉન્ડ ફોરેસ્ટર આર.એસ. ભોયે તથા સો.ફો. ભેંસકાતરી આર.એમ. ભોયે તથા બીટગાર્ડ જે.ડી.પટેલ, યુ.એસ. ગાંગોડા, એન.એમ.ચૌહાણ તથા રોજમદારો સાથે લાગુ કંપાર્ટમેન્ટોમાં અલગ-અલગ સ્થળોએ વોચ ગોઠવી હતી. તે વેળાએ બરડીપાડાથી કાલીબેલ રોડ પર પોપટાબારી પાસે મળસ્કે શંકાસ્પદ લાગતા કારને ઉભી રાખી હતી.
જેનું વનવિભાગની ટીમે ચેકીંગ કરતા એકસુવીની અંદરથી સાગી લાકડા નંગ 3 જેનું ઘ.મી. 0.504 જેની અંદાજીત કિમંત 18,000નો મુદામાલ મળી આવ્યો હતો. તેમજ કાર સાથે પાયલોટીંગ કરતી બે બાઇકનાં ચાલકો વન વિભાગની ગાડીઓને જોઈને ફિલ્મી ઢબે અંધારાનો લાભ લઇ ભાગી છુટ્યા હતા. તેમજ એકસુવીનાં ડ્રાઇવર તેમજ અન્ય ઇસમો પણ જંગલમાં 15 ફૂટ ઉંડી ખીણમાં કૂદી પડી અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. હાલમાં ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ સમીરભાઈ કોંકણી તથા બરડીપાડા રેંજનાં આર.એફ.ઓ દિપકભાઈ હળપતિએ એકસુવી તેમજ બે બાઇક તથા સાગી ચોરસા મળી કુલ રૂપિયા 4,88,000નો મુદ્દામાલ ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે.