દે.બારીયા તા.૧૪
દેવગઢ બારીયા ખાતે જમીન નો વેપાર કરતાં બિલ્ડરે સોશિયલ મીડિયા ના માધ્યમથી પેટ્રોલ પંપ નાખવાની ઈચ્છા વ્યક્ત કરતા ગઠીયાઓએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના નામે નકલી સહી સિક્કાઓ વાળી પાવતી પધરાવી 52 લાખ રૂપિયા ખંખેરી લેતાં બિલ્ડરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળેલ છે. દેવગઢ બારીયા ખાતે રહેતા ધર્મેશભાઈ કલાલ નામના બિલ્ડરને પોતાનો પેટ્રોલ પંપ ખોલવાની ઈચ્છા થતા સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ડીટેઇલ અપલોડ કરી હતી. સોશિયલ મીડિયા પરથી નંબર મેળવી ઠગોએ ધર્મેશભાઈ ને ફોન કરી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીમાંથી વાત કરું છું તેમ કહી વાત કરી વિશ્વાસમાં લઈ બિલ્ડરની અન્ય વિગતો પણ મેળવી લીધી હતી. ઠગોએ પેટ્રોલ પંપ ની મંજૂરી આપતા પહેલા બે નકલી અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારબાદ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ની નકલી ઓફિસ બનાવી બિલ્ડર સાથે ઝૂમ પર મીટીંગ કરાવી વિશ્વાસ કેળવી પેટ્રોલ પંપ મંજૂર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું તેમજ રજીસ્ટ્રેશન અને સિક્યુરિટી ડિપોઝિટ ની વાત કરતા બિલ્ડરે આરટીજીએસ થી ઠગોએ ઊભી કરેલ નકલી કંપનીના એકાઉન્ટમાં 52 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ઠગ ટોળકી એ કંપનીના લોગો વાળા નકલી લેટરપેડ અને કંપની હેડની ડુપ્લીકેટ સહી સિક્કા વાળી પાવતીઓ બિલ્ડરને મોકલાવી આપી હતી. સાથે સાથે નકલી લાઇસન્સ પણ ઇસ્યુ કરી મોકલી આપ્યું હતું. ત્યારબાદ કંપનીના માણસો આવી પેટ્રોલ પંપ ચાલુ કરશે તેવી બિલ્ડર સાથે વાત થઈ હતી પરંતુ ગત 12 મી ફેબ્રુઆરીના રોજ ઠગોએ બિલ્ડરનો સંપર્ક બંધ કરી દેતા બિલ્ડરને શંકાઓ જવા પામી હતી. બિલ્ડરે પોતાના અંગત સૂત્રો અને મિત્ર વર્તુળ પાસેથી કંપનીમાં તપાસ કરાવતા પોતે છેતરાયા હોવાનું જણાઈ આવ્યું હતું. ઠગ ટોળકીયે મોકલાવેલ પાવતીઓ તેમજ લાઇસન્સ ડુપ્લીકેટ હોવાનું બહાર આવતા બિલ્ડરે સાયબર ક્રાઇમ મા ફરિયાદ નોંધાવી હતી.
પેટ્રોલ પંપ ખોલવાની સોશિયલ મિડિયા પર જાહેરાત જોઇ બિલ્ડર લોભાયા, 52 લાખ ગુમાવ્યા
By
Posted on