વલસાડ: વલસાડના તિથલ રોડ ઉપર બેંક ઓફ બરોડાની સામે એક કારમાં લોહીના ડાઘા દેખાતા પોલીસ દોડતી થઇ હતી. લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું હતું. જોકે, કારમાં બેઠેલા એક યુવાનની નસકોરી ફુટી હોય તે લોહીના ડાઘા હોવાનું જણાતા પોલીસ કાર ચાલકને સિટી પોલીસ મથકે લઈ આવી દારૂ પીધેલાનો કેસ કર્યો હતો.
વલસાડ પોલીસને જાણ કરાઈ હતી કે, તિથલ રોડ ઉપર બેંક ઓફ બરોડાની સામે ઇકો કાર નં.જીજે 05 એલ આર 9045નો ચાલક સુરતના હજીરાના માતા ફળિયામાં રહેતો ધર્મેશ વેણીલાલ પટેલ, બીજો ઈસમ ભાવિક હસમુખ પટેલ કારમાં બેઠા હતા. કારની બહાર લોહીના ડાઘા હોવાથી ત્યાં લોકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું. બન્ને જણા કોઈની હત્યા કરીને ભાગીને આવી ગયા હોય એ રીતના પોલીસને જાણ કરાઈ હતી.
વાત ગંભીર હોવાથી તાત્કાલિક એલસીબી પોલીસની ટીમ તથા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કારમાં બેઠેલા બંનેને સિટી પોલીસ મથકે લઇ આવી પોલીસે ધર્મેશની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે એના મિત્ર સુરતમાં રહેતો મહેશ બચુ પટેલ ત્રણે જણા સુરતથી વાપી ટ્રકના ટાયર લેવા આવ્યા હતા.
- વલસાડના તિથલ રોડ પર પોલીસે તપાસ કરતાં કારમાં બેઠેલા યુવાનની નસકોરી ફુટતાં લોહી નીકળ્યું હોવાનું જાણવા મળ્યું
- સુરતના બે શખ્સો દમણ દારૂની મહેફિલ માણી આવ્યા હોવાથી પોલીસે દારૂ પીવાનો અને નશામાં ગાડી ચલાવવાનો ગુનો દાખલ કર્યો
કાર ધર્મેશ ચલાવતો હતો. તે કાર પૂરઝડપે હંકારી લાવી અચાનક બ્રેક મારતા મહેશ આગળ બેઠેલો હોવાથી કારમાં અથડાયો હતો. જેથી મહેશની નસકોરી ફૂટી ગઈ હતી. જે લોહીના ડાઘા કારમાં તથા રૂમાલમાં લાગી ગયા હતા. ત્યારબાદ ત્રણેય જણા અન્ય મિત્રો સાથે દમણ ફરવા ગયા હતા. ત્યાં દારૂની મહેફિલ માણ્યા બાદ મહેશ એના મિત્ર સાથે સ્વીફ્ટ કારમાં નિકળી ગયા હતા. જ્યારે ધર્મેશ અને ભાવિક દારૂ પીને ઈકો કાર ચલાવતા હોય પોલીસ વિરૂધ્ધ દારૂ પીધાનો કેસ નોંધ્યો હતો.