શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. અહીં પહેલેથી જ લાગુ ઈમરજન્સીની સાથે સરકારે દેશભરમાં કર્ફ્યૂની પણ જાહેરાત કરી છે. સરકાર વિરુદ્ધ લોકોનાં પ્રદર્શનોને રોકવા માટે રાષ્ટ્રપતિએ 1 એપ્રિલે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. આ પછી 2 એપ્રિલથી 4 એપ્રિલની સવાર સુધી કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો. સોશ્યલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ શ્રીલંકામાં દવાઓ, ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. રોજિંદા ઉપયોગનો દૂધનો પાવડર 1900 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે! જ્યારે ચોખા 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.શ્રીલંકાના સેંકડો વકીલોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને કટોકટીની સ્થિતિ પાછી ખેંચવાની હાકલ કરી છે, જેથી અભિવ્યક્તિની સ્વતંત્રતા સુનિશ્ચિત કરી શકાય અને લોકો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી શકે.
એક તરફ શ્રીલંકા કર્ફ્યૂ અને ઈમરજન્સીનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો એટલી વધી ગઈ છે કે, લોકોની ખરીદીમાંથી બહાર થઈ ગઈ છે. વધતી જતી મોંઘવારી અને ચલણની નબળાઈને કારણે લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઈંધણ, ખાદ્યપદાર્થો અને દવાઓ વગેરે માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. આ પછી પણ જે વસ્તુઓ ભાગ્યે જ મળે છે, તેની કિંમત સામાન્ય કરતાં અનેક ગણી વધારે છે. રાજધાની કોલંબોમાં શાકભાજીના ભાવ એક સપ્તાહમાં બમણા થઈ ગયા છે. ઘઉં 190 રૂપિયા પ્રતિ કિલો, ચોખા 220 રૂપિયા પ્રતિ કિલો, ખાંડ 240 રૂપિયા અને નાળિયેર તેલ 850 રૂપિયા પ્રતિ લિટર, ઈંડું 30 રૂપિયા અને દૂધ પાવડરનું પેકેટ 1900 રૂપિયામાં મળી રહ્યું છે.શ્રીલંકામાં છૂટક ફુગાવો 17.5% અને ખાદ્ય ફુગાવો 25% પર પહોંચી ગયો છે, જેના કારણે અનાજ અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આટલા વધી ગયા છે. અત્યારે હાલત એવી છે કે દવાઓ અને દૂધની ખૂબ જ અછત સર્જાઈ છે. આ જ કારણ છે કે લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી છે. જેના કારણે રાજધાની સહિત વિવિધ શહેરોમાં લોકો રસ્તા પર ઊતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આવશ્યક ચીજોના અભાવ માટે જનતા રાષ્ટ્રપતિ રાજપક્ષેને દોષી ઠેરવી રહી છે.