સાક્ષી તનવર જયારે પણ કોઇ ટી.વી. સિરીયલ યા વેબ સિરીઝમાં આવે છે તો તે ખાસ બની જાય છે કારણકે સાક્ષી સ્વયં ખાસ છે. તેણે એકવાર પોતાની ખાસ જગ્યા ઊભી કરી અને તે જગ્યા તેના માટે ખાસ બની ગઇ છે. જે સાક્ષીની આ ઇમેજ જાણે છે તે હવે ‘માઇ’ વેબસિરીઝમાં રોકાય જશે. આ સિરીઝ નાટયાત્મકતા અને લાગણીથી ભરપૂર છે. એક સ્ત્રી આકસ્મિક રીતે જ એક માફિયા નેતાને મારી નાંખે છે અને એ મધ્યમવયની સ્ત્રી અચાનક અંડરવર્લ્ડની વચ્ચે આવી જાય છે. તે છે તો સીધી સાદી સ્ત્રી અને આ એક ભયાનક જગત છે તો શું થશે? અનેક અણધાર્યા વળાંકોવાળી આ સિરીઝમાં સાક્ષી સાથે વામિકા ગબ્બી અને રાઇમા સેન, સીમા ભાર્ગવ સહિત ઘણા બધા છે. નેટફલિકસ પર આ સિરીઝ ૧૫ થી આવશે.
સાક્ષી ત્રણેક વર્ષ પહેલાં ‘મીશન ઓવર માર્સ’માં નંદિતા હરિપ્રસાદ તરીકે આવી હતી અને તે પહેલાં ‘કરલે તુ ભી મહોબ્બત’માં ડો. ત્રિપુરાસુંદરી નાગરજન તરીકે સહુએ જોઇ છે. એ સમયે જ ‘ધ ફાઇનલ કોલ’ માં પણ એસીપી કિરણ મિર્ઝા આ સાક્ષી જ હતી. આમીરખાનની પત્ની તરીકે તે ‘દંગલ’માં દેખાયેલી ત્યારે ઘણા એવું ધારતા હતા કે હિન્દી ફિલ્મોમાં હવે રીમા લાગુની જગ્યા સાક્ષી લઇ લેશે. પણ સાક્ષીને ફિલ્મોમાં દેખાવા કરતાં સશકત પાત્રોમાં દેખાવાનો મોહ વધારે હોય છે. ફિલ્મોમાં કામ કરવાની તેની ના નથી અને હમણાં અક્ષયકુમાર અભિનીત ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ પૂરું કરી ચુકી છે. પણ ત્યાર પછી તે ‘શર્માજી કી બેટી’માં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. તેની સાથે સૈયાની ખેર અને દિવ્યા દત્તા છે. એક જ નામ ધારી સ્ત્રી શહેરમાં વસે છે. એક એકદમ આધુનિક. બીજી મધ્યમ વર્ગની છે અને તેઓ શહેરમાં જે જીવે છે તે શું છે? આ ફિલ્મ તાહિરા કશ્યપના દિગ્દર્શનમાં બની રહી છે.
સાક્ષીને આનંદ છે કે તેને વૈવિધ્ય સાથે પાત્રો ભજવવા મળી રહ્યા છે અને તેને ઉંમર સાથે લેવાદેવા નથી. હવે ૪૦-૫૦ ની વય વચ્ચેની અભિનેત્રી માટે પણ ભૂમિકાઓ લખવામાં આવે છે. ફિલ્મોમાં જો નીના ગુપ્તા માટે લખાતા હોય તો સાક્ષી તનવર પણ તેનો જ વિકલ્પ છે. સાક્ષીની સાથે ‘કહાની ઘર ઘર કી’ની પાર્વતી / જાનકી / સ્વાતીની લોકપ્રિયતા સતત સાથે રહી છે અને એ લોકપ્રિયતા ‘બડે અચ્છે લગતે હે’થી વધારે આગળ ચાલી હતી. બાકી, ટી.વી. સિરીયલો તો તે ઘણી કરતી રહી છે પણ અમુક ખાસ બની જાય છે. એ લોકપ્રિયતાએ જ તેન ‘કર લે તુ ભી મહોબ્બત’, ‘ધ ફાઇનલ કોલ’ અને ‘મિશન ઓવર માર્સ’ વેબસિરીઝ અપાવી હતી.
બાકી તેણે દશેક ફિલ્મોમાં કામ કર્યું પણ ‘દંગલ’, ‘મોહલ્લા અસ્સી’માં જ તેની ચર્ચા થઇ. ગયા વર્ષે ઝી ૫ પર તેની ‘ડાયલ ૧૦૦’ રજૂ થયેલી. પણ હવે ટી.વી. સિરીયલો માટે તે તૈયાર નથી. ટી.વી. સિરીયલો સફળ રહે તો સો-બસો – ત્રણસો એપિસોડ સુધી ચાલી જાય અને એટલા વખત માટે બંધાવા કરતાં વેબસિરીઝ સારી. નિવૃત્ત સીબીઆઇ અિધકારીની દિકરી સાક્ષીએ જે નામ – દામ મેળવ્યા છે તે અભિનયથી જ મેળવ્યા છે અને ૪૯ મા વર્ષે પણ સક્રિય છે. હજુ તેણે લગ્ન નથી કર્યા અને લાગે છે કે તે અપરિણીત જ રહેશે. એકવાર એવી ચર્ચા ઉપડેલી કે તેણે એક બિઝનેસમેન સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા છે પણ તેણે કહેલું કે એવું કાંઇ નથી. આમ તો સમીર કોચર સાથેના સંબંધની પણ એક સમયે ચર્ચા રહેલી પણ કદાચ લગ્ન વિના મા બનવાની ઇચ્છાને કારણે તેણે ચારેક વર્ષથી એક દિકરી દત્તક લીધી છે. ‘માઇ’ વેબસિરીઝની સાક્ષી ખરેખર ‘માઇ’ છે.