મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકવાદી હુમલાનો ખતરો ઉભો થયો છે. કેન્દ્રીય જાસૂસી સંસ્થાઓને મુંબઈ પર આતંકવાદી હુમલાની ગુપ્ત માહિતી મળી છે, તેના પગલે શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. મુંભઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરમાં ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને જો કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સીઓએ સંભવિત આતંકવાદી ખતરા અંગે એલર્ટ કર્યા બાદ મુંબઈમાં પોલીસે ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં અનેક ધાર્મિક સ્થળો અને અન્ય ભીડવાળા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને ધાર્મિક અને ભીડવાળા સ્થળોએ મોક ડ્રીલની પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને પણ પોતપોતાના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા માટે આદેશ કરાયા છે. શહેરના મંદિરોને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા સાવચેતીના પગલા તરીકે સૂચના આપવામાં આવી છે.
સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સદા સર્વંકરે જણાવ્યું હતું કે, અમને મુંબઈ પોલીસ દ્વારા મંદિરની સુરક્ષા વધારવા માટે કહેવામાં આવ્યું છે. અમને તમામ સુરક્ષા વ્યવસ્થાઓ પર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસે શુક્રવારે ભીડવાળા ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં પણ એક મોકડ્રીલ હાથ ધરી હતી, જેમાં બે પ્રખ્યાત ધાર્મિક સ્થળો છે.
જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારોની મોસમ પહેલા આ એક સુરક્ષા કવાયત છે. નોંધનીય છે કે નવેમ્બર 2024માં મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
આ વિસ્તારોમાં મોકડ્રીલ હાથ ધરાઈ
આતંકવાદી હુમલાના ભયને ધ્યાનમાં રાખીને પોલીસે મુંબઈના ભીડભાડવાળા વિસ્તારોમાં જેમ કે ક્રૉફર્ડ માર્કેટ વગેરેમાં પણ મોકડ્રીલ હાથ ધરી હતી. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધારાની સુરક્ષા લેવામાં આવી રહી છે. દેશની આર્થિક રાજધાની હોવાને કારણે મુંબઈ શહેર આતંકવાદીઓના નિશાના પર રહે છે.
આ જ કારણ છે કે સુરક્ષા એજન્સીઓ આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર માહિતીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોલ અને અન્ય જાહેર સ્થળો પર વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે. આતંકવાદ વિરોધી દળને પણ સક્રિય કરવામાં આવી છે.