World

કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૩ પાકિસ્તાની આતંકવાદી ઠાર માર્યા, એક પોલીસ જવાન શહીદ

જમ્મુ: કાશ્મીર વિભાગના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર અથડામણ શરૂ થઈ છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ સાથે એક પોલીસકર્મીના શહીદ થયાની માહિતી મળી રહી છે. પોલીસે આતંકીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને 52 RR જવાન આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. હજુ સુધી આતંકીઓની સંખ્યા વિશે કોઈ માહિતી નથી, સેનાએ સાવચેતી રાખતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

અત્યાર સુધી 22 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા
IGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, અમે JeMના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. તેઓ છેલ્લા 3-4 મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હતા અને અમે તેમને ટ્રેક કરી રહ્યા હતા. જેમાં એક પોલીસ જવાન પણ શહીદ થયો હતો. આ વર્ષમાં અત્યાર સુધીમાં, અમે 22 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, બારામુલ્લાના ક્રેરી વિસ્તારમાં નજીભાત ક્રોસિંગ પર એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને આર્મી હાલકામગીરી કરી રહ્યા છે.

કાશ્મીરમાં ગતરોજ વધુ આતંકીઓએ બે ઘટનાઓને અંજામ આપ્યો
શ્રીનગરમાં આતંકવાદીઓએ પોલીસકર્મીને નિશાન બનાવ્યા. તેમજ કુલગામમાં, આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસની નાકા પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો. બંને ઘટનાઓમાં આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. શ્રીનગરના સૌરાના અંચર વિસ્તારમાં પોતાની આઠ વર્ષની પુત્રીને ટ્યુશન માટે જવા માટે ઘરની બહાર નીકળેલા પોલીસકર્મી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં બંનેને ઈજા થઈ હતી. પોલીસકર્મીનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ મહિનાની આ ત્રીજી ઘટના છે જેમાં ત્રણ પોલીસકર્મીઓ આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા છે. આ પહેલા 7 મેના રોજ આંચર વિસ્તાર પાસેના આઈવા બ્રિજ પર અને 13 મેના રોજ પુલવામામાં એક પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો.

કુલગામમાં પોલીસની નાકા પાર્ટી પર ગ્રેનેડ હુમલો
આ ઉપરાંત મંગળવારે સાંજે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની નાકા પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેથી આતંકીઓને શોધી શકાય. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ યારીપોરામાં નાકા પાર્ટી પર પણ ગ્રેનેડ હુમલો કર્યો. જોકે, ટાર્ગેટ ચૂકી જતાં ગ્રેનેડ રોડ પર પડ્યા બાદ વિસ્ફોટ થયો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા ત્રણ નાગરિકોને ઈજા થઈ હતી. હુમલા બાદ જવાનોએ જવાબી કાર્યવાહી કરી, જેના કારણે તેઓ ભાગી ગયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top