મુંબઈ: ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ(Amit Shah)ની મુંબઈ(Mumbai) મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા(Security)માં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. અહીં આંધ્ર પ્રદેશના સાંસદના પીએ તરીકે ઓળખાવતો એક વ્યક્તિ કલાકો સુધી તેમની આસપાસ ફરતો હતો. આ વ્યક્તિ પર શંકા થયા બાદ મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસ(Police)ને જાણ કરી હતી, ત્યારબાદ મુંબઈ પોલીસે પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. આરોપીનું નામ હેમંત પવાર છે અને તે ધુલેનો રહેવાસી છે.
મુંબઈ પોલીસે શાહની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન મુંબઈ પોલીસે વિવિધ સ્થળોએ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી હતી. જ્યારે અમિત શાહ નાયબ મુખ્યમંત્રી આવાસ, સાગર અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગયા ત્યારે કોટ, ટાઈ અને સરકારી ઓળખ કાર્ડ પહેરેલો એક વ્યક્તિ વિચિત્ર સ્થિતિમાં ફરતો હતો. મુંબઈ પોલીસ દ્વારા પૂછવામાં આવતા તેણે કહ્યું કે તે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો અધિકારી છે, પરંતુ બાદમાં તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. જ્યારે CRPF અધિકારીઓએ મુંબઈ પોલીસને જાણ કરી કે તે વ્યક્તિ શંકાસ્પદ છે, ત્યારે નાના ચોક વિસ્તારમાંથી એક સૂચના દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે સરકારી અધિકારી નથી પરંતુ મોટો સવાલ એ છે કે તે નકલી અધિકારી ત્યાં શું કરી રહ્યો હતો? ગિરગામ કોર્ટે આરોપીને 12 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.આરોપી પાસેથી સાંસદ સચિવનું ઓળખ કાર્ડ પણ મળી આવ્યું છે. તે મૂળ ધુળેનો છે પરંતુ પકડાયેલ આરોપી કોણ છે? તેની પાછળ કોઈ છે? આ મામલે વધુ તપાસ ચાલુ છે.
શાહે મુંબઈમાં બેઠક કરી હતી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુંબઈમાં ભાજપના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો સાથે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં બેઠક યોજી આગામી BMC ચૂંટણીની રણનીતિ અને તૈયારીઓ અંગે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભાજપ અને મૂળ શિવસેના ગઠબંધનનું લક્ષ્ય પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ BMC ચૂંટણીમાં 150 સીટો જીતવાનું હોવું જોઈએ. દરમિયાન ગૃહમંત્રી શાહે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને તેમના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના જ અસલી શિવસેના: અમિત શાહ
અમિત શાહે કહ્યું હતું કે જનતા પીએમ મોદીની આગેવાની હેઠળની ભાજપની સાથે છે, વિચારધારા સાથે દગો કરનાર ઉદ્ધવ પાર્ટી સાથે નથી. અમિત શાહે કહ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના જ અસલી શિવસેના છે. અમિત શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ શિવસેના પર દાવાને લઈને ચૂંટણી પંચથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ ચાલી રહી છે.