માનવસમાજ અને માનવતા માટે બિનસાંપ્રદાયિકતા બેહદ જરૂરી છે અને સર્વધર્મસમભાવ તેની વિશેષ આવશ્યક્તા છે. સારાં શિક્ષણ અને સંસ્કાર વડે તેનું સિંચન થાય છે. તે પછી શાંતિ અને વિકાસ ઉદભવે છે. ધર્મ, જાતિ, સંસ્કૃતિ, પરંપરાઓ, ભાષાઓની વિભિન્નતા સાથે જ એકતા ભારતમાં છોંત્તેર વર્ષોથી ટકેલી છે. તે માટે ભારતીય સંવિધાન ઉપકારક રહ્યું છે અને રાષ્ટ્રપિતા ગાંધીજી એ જ આદર્શો અને માનવતાનાં મૂલ્યો થકી શાંતિ સંદેશ પાઠવતા રહ્યા, તેમના દેહાંત પછી એક કરોડ રૂપિયા સાથે શાંતિ પુરસ્કાર માનવતાનો પુરસ્કાર બની અર્પણ થાય છે. હાલમાં જ બે વિરોધાભાસી ઘટનાઓ બની છે. ભારતના ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર અપાયો અને વિશ્વફલક પર બીજી નિંદનીય ઘટના સ્વીડનમાં બની.
પવિત્ર ઈસ્લામિક ગ્રંથ ‘કુર્આન મજીદ’ને સ્વીડનમાં જાહેરમાં સળગાવી દેતાં જગતે આઘાત અનુભવ્યો, અશાંતિ સર્જાઈ, હિંસાની હોળી ભભૂકી. વ્યક્તિસ્વાતંત્ર્ય કે ધાર્મિક સ્વાતંત્ર્ય અન્ય ધર્મ કે સંપ્રદાયના અપમાન, સર્વધર્મ સમભાવના વિરુધ્ધની અમાનુષી ચેષ્ટાનું સમર્થન કરે એવા અધિકાર કદી ચલાવી લેવાય નહીં. માત્ર એક જ ધર્મ કે સંપ્રદાયનો પ્રચાર કરતી સંસ્થા ભલે શાંતિ પ્રવૃત્તિ ગણાવે, પણ તે એક જ સંપ્રદાય માટેની મર્યાદિત દૃષ્ટિ ધરાવે છે, જે રાષ્ટ્રપિતાની શાંતિ અને માનવતાની ભાવના, આદર્શ સાથે પૂર્ણપણે સુસંગત નથી જ. શાંતિ પુરસ્કાર નક્કી કરતી સમિતિમાં જ્યારે કોઈ એકતરફી વિચારધારાવાળી વ્યક્તિઓ સ્થાન જમાવી બેઠી હોય ત્યારે અનુચિત નિર્ણય પણ લેવાઈ જાય.
સુરત – યૂસુફ એમ.ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જવાબદાર નાગરિકની જવાબદારી કોની?
બહુ વિચિત્ર લાગે તેવી આ વાત છે, પણ આજે સાચે જ આ બાબતની ચર્ચા થવી જોઇએ.જે વ્યકિત પૂરી સભાનતાથી જીવે છે,જે સમયસર વેરાબિલ, લાઇટબીલ, ગેસબિલ ભરે છે,જે પોતાની તમામ મૂળભૂત ફરજોનું પાલન કરે છે,જે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરે છે,જેને પોતાની ફરજમાં ના આવતું હોય તો પણ માણસાઈની દૃષ્ટિથી વધારાનું કામ વગર અપેક્ષાએ કરે છે,જેને કાયદાનું, નિયમોનું પાલન કરવાની આદત પડી ગઈ છે.
આવાં નાગરિકોને સારી અને નિયમિત સુવિધા આપવાની જવાબદારી કોની? નેતાઓ, સરકારી અધિકારીઓ કે પછી બેજવાબદાર નાગરિકોના પાપની સજા કે હેરાનગતિ ક્યાં સુધી સીધા સાદા સામાન્ય માણસને વેઠવી પડશે? શું જે બધા જ સામાન્ય રીતે કહેતા હોય છે કે ભાઈ આ ઇન્ડિયા છે. અહીં તો આવું જ ચાલે,આ ઉક્તિ બદલાશે? પહેલાં સો માંથી એંશી બેઈમાન તો પણ મારો દેશ મહાન કહેવાતું.આજે સો માંથી કેટલા બેઈમાન.પણ દેશ તો મહાન જ છે.
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.